પોસ્ટકાર્ડથી વોટ્‌સેપ સુધી

પોસ્ટકાર્ડથી વોટ્‌સેપ સુધી - રોશની ગૌતમ શાહ, ભુજ

નવા વર્ષે સાલમુબારકના કેટલા બધા મેસેજીસ આવ્યા..! અને આપણે જે સારા લાગ્યા તે અન્યને ફોરવર્ડ પણ કર્યા. નજીકના સગા સંબંધીઓને શુભકામના આપવા માટે ફોન પણ કરી લીધા. ખૂબ સુંદર રીતે નવ વર્ષની ઉજવણી કરી. નવા વસ્ત્રો, અવનવા સ્વાદિષ્ટ ભોજનની લ્હાણી કરી, ઉજાણી કરી. સહુ ફરી પોતાના રૂટીનમાં આવી ગયા. આપણે ક્યારેક આપણા વડીલો સાથે બેસીને તેમની વાતો સાંભળીએ તો જરૂર એમ થાય કે, આપણે હવે આધુનિક અને યાંત્રિક જીવનશૈલીમાં પ્રવેશ કરી લીધો છે. પહેલા જ્યારે પોસ્ટકાર્ડ, અંતર્દેશીય પત્ર વ્યવહારનો સમય હતો. ત્યારે આપણે એકબીજાને વાર-તહેવારે પોસ્ટકાર્ડ, અંતર્દેશીય કે પછી બહુ અંગત, અગત્યનું હોય તો બંધ કવરમાં પત્ર લખીને એકબીજાને સંદેશો મોકલતા. તેમાં પણ દિવાળી, પર્યુષણ જેવા તહેવારોમાં વિશેષ રીતે પોસ્ટકાર્ડમાં સારા લખાણ લખી તેમાં સાથે થોડું ડેકોરેશન પણ કરીને સગા-સંબંધીને પોસ્ટ કરતા. આપણા હાથે લખેલા એ લખાણમાં આપણા હૃદયની લાગણીઓ જોડાયેલી રહેતી. એકબીજાના પત્રની રાહ જોતાં આપણે તેને ઉત્સાહભેર વાંચતા. એકબીજાની લાગણીની ઝલક લખાણમાં દેખાતી. જાણે પ્રત્યક્ષ મળ્યાનો અનુભવ થતો, આનંદ થતો. આજે મોબાઈલ યુગમાં વોટ્‌સેપનો જમાનો આવી ગયો. પોસ્ટકાર્ડનો જમાનો વિસરાઈ ગયો.

પરિવર્તન આવી ગયું લાગણીઓના સ્વરૂપમાં, લાગણીની અભિવ્યક્તિમાં. આજે તો દરેક તહેવાર- પ્રસંગે સારા હોય કે નરસા વોટ્‌સેપમાં મેસેજ મોકલાવી આપણી લાગણીઓને વહેતી મૂકીએ છીએ. આજની દોડધામભરી વ્યસ્ત જીવનશૈલીમાં આ શોર્ટકટ રીત સૌને ફાવે છે, ગમે છે. મેસેજ ફોરવર્ડ કરીને આપણી લાગણી, શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ. કેટલું ઝડપી.. સમયની પણ બચત થાય. હા, બીજી ઘણી એવી બાબતો, વધારે તો મોબાઈલને લગતી હોય તેમાં આપણે સમય વ્યતિત કરીએ છીએ. આજના વડીલ વર્ગને આ રીત ઓછી પસંદ પડે છે. સમજણ પણ ન પડે. તેઓમાં ઘણા એવા પણ હોય જેઓ ફોનથી અથવા તો સ્નેહીજનોને રૂબરૂ મળવાનો આગ્રહ રાખે છે. આવી આત્મિયતાના કારણે જ આપણું જીવન જીવંત લાગે છે. આજનો યુવાવર્ગ પણ તેમની આ રીતને સમજે જરૂર છે પણ પોતાની વ્યસ્ત અને આધુનિક જીવનશૈલીના કારણે આ ફાસ્ટ ફોરવર્ડની રીત વધુ રૂચે છે, અનુકરણ કરે છે.

પત્ર-વ્યવહાર તો હવે વિસરાઈ ગયો. આજનો સમય માઈક્રોફિક્શનનો છે. લોકો ખાસ કરીને આજની યુવા પેઢીને લંબાણથી લખાયેલી વાત કે, પ્રસંગ વાંચવા માટે સમય નથી અથવા ગમતું નથી તેઓ ટૂંકાણમાં તે સમગ્ર વાતનો સાર આવી જતો હોય તેવું વાંચવાનું પસંદ કરે છે. તેમાં પણ આ મોબાઈલ યુગના જમાના જ્યાં આ નાનકડા ગેજેટમાં જાણે આપણી આખી દુનિયા સમાઈ જાય છે. સૂતા, ઉઠતા, બેસતા મોબાઈલ હાથવગો રાખીએ છીએ. કહી શકાય કે હૃદયના ટુકડાની જેમ સાચવીએ છીએ. જે કદાચ દરેક માટે જરૂરી, ઉપયોગી (જો સદ્‌ઉપયોગ કરીએ તો) છે. તેમાં પણ વોટ્‌સેપ એ મોબાઈલનો રાજા,. જ્યાં આપણી લાગણીઓને ડિજિટલી વ્યક્ત કરીએ છીએ. બે અંગુઠાના ઉપયોગ વડે ટાઈપ થતી અને ફોરવર્ડ થતી આપણી લાગણીઓ.જો એટલું ઝડપી બધું ફોરવર્ડ થતું હોય, એકબીજા સુધી આપણી વાત પહોંચી જતી હોય તો પછી પેન અને પેપર લઈને પત્ર લખવું કોને ગમે? તો ચાલો મોબાઈલની આ સફરને માણીએ. નવા સમયના પરિવર્તનને સ્વીકારીએ.

 

 

(કચ્છ ગુર્જરી સપ્ટેમ્બર ૨૦૨૦ માસના અંકમાં પ્રસિદ્ધ થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates