પિતાએ બનાવી પુત્રીનાં નામથી પ્રખ્યાત કાર

પિતાએ બનાવી પુત્રીનાં નામથી પ્રખ્યાત કાર - નિરંજના જિતેન્દ્ર શાહ

પિતાએ બનાવી પુત્રીનાં નામથી પ્રખ્યાત કાર (ગાડી) વર્ષ ૧૦૦ની આસપાસનો સમય. જર્મનીની ‘ડેઈમલર મોટર કંપની’ (ડીજીઓ) હજુ ઓટોમોબાઈલ ક્ષેત્રે આગળ વધવા માટે સંઘર્ષ કરી રહી હતી. ગાડીઓની દુનિયાના દરવાજા હજુ તો ઉઘડી રહ્યા હતા. ત્યારની નવલી નવોઢા જેવી બધી મોટર કંપનીઓ વર્ષે દહાડે માંડ ૩૫-૩૬ કાર વેચી શકતી. એવામાં આ નવી-સવી ડેઈમલર કંપનીને એક ‘એમીલ જેલીનેક’ નામના રાજદ્વારી ઉદ્યોગપતિનો ભેટો થયો. આ ઉદ્યોગપતિ ઝડપી કારનો આશિક હતો. તેઓને પોતાની પુત્ર પર ખૂબ જ પ્રેમ હતો. પુત્રીનું નામ પોતાની કોઈ શુકનવંતી માન્યતાને લીધે લખાવવાનું એટલું જ પાગલપન હતું. તેઓએ (એમીલ જેલીનેકે) ડેઈમલર કંપની સામે ઓફર મૂકી : ‘જો મારી પુત્રીનું નામ તમારી મોટર પર લખો તો એક સાથે ૩૫ કાર આ બંદો એકલો ખરીદી લેશે.’

ડેઈમલર કંપનીને તો જાણે જલસો પડી ગયો. એક નામ લખવા બદલ જો આખા વર્ષનું વેચાણ એક જ સોદામાં થતું હોય તો પછી કરાય જ ને કંકુના... ડેઈમલર મોટર કંપનીએ શરત માન્ય રાખી અને ‘એમીલ જેલીનેક’ને તેની પુત્રીનું નામ લખેલી ૩૬ ગાડીઓ એકસાથે વેચવામાં આવી. જેલીનેકે આ બધી કાર ખરીદી અને નફો કરી વેચી નાખી અને યુરેકા! આ કાર તો યુરોપિયન માર્કેટમાં હિટ ગઈ. જેલીનેકે આવો સોદો ફરી પણ કર્યો. ત્યારથી માંડીને આજસુધી એ કારનાં નામનાં સિક્કા રણકતાં રહ્યાં છે. એમીલની જે ‘લકી ડૉટર’નું નામ કાર પર લખાયું એ હતી ‘મર્સિડિઝ’ અને એ કંપની એટલે હાલની મર્સિડિઝ બેન્ઝ’! આજ સુધી તેનું નામ ચાલે છે. જો એમીલને પોતાની દીકરી આટલી વ્હાલી ન હોત તો? કદાચ આ કંપની પણ ન હોત. જો અને તો ની વચ્ચેનો ઈતિહાસ એટલે મર્સિડિઝ બેન્ઝ’

(‘ડીલિંગ્સ’માંથી સંકલન)

 

 

(કચ્છ ગુર્જરી જુન ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates