પરફેક્શનનો આગ્રહ ન રાખો

પરફેક્શનનો આગ્રહ ન રાખો - ડૉ. મોનેના શાહ

કોરોનાએ જીવનને નવી શૈલીમાં ગોઠવવાની ફરજ પાડી છે. એક સમયે માનસિક તાણ હળવી કરવા બહાર આંટો મારવા જતા કે સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેવાનું બનતું હતું. અત્યારે તો ઘરની ચાર દીવાલમાં રહીને એક ગતિશીલ દુનિયાનું સજર્ન કરવાનું છે. જે મહિનાઓ સુધી મનને પ્રોત્સાહિત કરતી રહે. ટેકનોલોજીની મદદ મળતી હોવાથી ક્યારેક બધું પૂર્વવત્‌ લાગે અને દુનિયા પહેલાંની જેમ જ ચાલતી હોવાનો ભાસ થાય. આમ છતાં કયારેક એવો સમયે આવે છે જ્યારે બધું ભારેખમ લાગે અને દિવસો કઈ રીતે પસાર થશે તેની ચિંતા થવા લાગે. આવા સમયે મેં એક જ વાત સ્વીકારી છે- પરફેક્શનનો આગ્રહ ન રાખો અને તે માટે સ્ટ્રેસ ન લો.

દરેક ઘરમાં માતા તમામ પ્રવૃત્તિનું કેન્દ્રબિંદુ હોય છે. તે દરેક પ્રકારની અનિશ્ચિતતાઓ, વિવાદ અને સમસ્યાઓ ઉકેલવામાં માહેર હોય છે. જોકે, ન્યૂ નોર્મલમાં માતા, પત્ની કે દીકરી પર કામનું ભારણ વધી ગયું છે, જાણે તમામ દિશામાંથી ટ્રાફિક આવી રહ્યો હોય અને એક જ હવાલદારે તેને સંભાળવાનો હોય. માતા ઘરની ધરી હોવાથી માનસિક રીતે ત્રસ્ત થઈ જાય છે. દરેકના ક્ષેમકુશળ માટે જવાબદાર હોવું થકવી નાખનાર કામ છે. એક જ વ્યક્તિ પર જ તમામ જવાબદારી નાખવી તે અન્યાયી છે પરંતુ આ જ વાસ્તવિકતા છે.

આવા સમયે શું કરવું? જ્યારે યાત્રા કપરી હોય ત્યારે દરેક પગલું સંભાળીને મૂકવું જોઈએ. ભૂતકાળમાં શું કરતા હતા તે યાદ કરીને અત્યારે શું નથી કરી શકાતું તે વિશે જીવ બાળવા કરતા એવી તુલના કરવાનું બંધ કરવું. આના બદલે વર્તમાન સ્થિતિ જોઈને તે પ્રમાણે પોતાની પાસેથી અપેક્ષા રાખવી. અગાઉ ત્રણ વાર ગરમા-ગરમ રસોઈ બનાવતાં હો અને અત્યારે તે શક્ય ન બનતું હોય તો વસવસો ન કરવો. તમે પરિવારને પૂરતું પોષણ મળે એવું ભોજન બનાવો છો એટલું પૂરતું છે. બાળકો સ્કૂલમાં જતાં હતાં તે રીતે શિસ્તબદ્ધ વર્તન કરે એવી અપેક્ષા રાખવાને બદલે તે ઓનલાઈન સ્કૂલમાં હાજર રહે તે જ બસ છે. પહેલાં ઘર ચોખ્ખુચણાક રાખતા હતા તે રીતે સાફસફાઈ ન કરી શકાતી હોય તો ચિંતા ન કરવી. પોતે જે કામ નથી કરી શકતા તેનો અફસોસ કર્યા કરવાને બદલે જે કરો છો તે નાની નાની વાતોની ઉજવણી કરો. મહદ્‌અંશે તો મોટા લક્ષ્ય હાંસલ કરવા બદલની શંકા જ શરૂઆત કરતાં પણ અટકાવે છે. તમે દિવસભર કામકાજ કરો છો, બાળકોને ઓનલાઈન ભણવામાં મદદ કરો છો, રસોઈ બનાવો છો તથા ઘરને વ્યવસ્થિત રાખો છો તે તમારી જીત જ છે. તમે વર્કઆઉટ ન કરી શક્યા કે તમારી પાસે સમય ન હોવાથી બાળકો કોઈ અસાઈનમેન્ટ ન કરી શક્યાં તો વસવસો કરવાને બદલે બાકીનાં કામ કર્યા તેનો આનંદ માણો.

વર્તમાન સમયમાં બીજી મહત્ત્વની બાબત અપેક્ષાઓનું પ્રમાણભાન રાખવાની છે. જો તમે અપેક્ષિત કામ ન કરી શકો એમ હો તો કુટુંબીજનો સાથે બેસીને તમારી મર્યાદાઓ કે મુશ્કેલીઓની ખુલાસાવાર વાત કરો. તમે કઈ રીતે બધું સંતુલન જાળવો છો તે સમજાવો. બદલાયેલા સમયમાં કામ થવું જરૂરી છે પરફેક્શનની જરૂર નથી. ઘરના અન્ય સભ્યોને પણ કામમાં સહાય કરવાનું કહો. જીવનસાથી પાસેથી કયા કામકાજની અપેક્ષા રાખો છો તે પણ સ્પષ્ટતાથી કહેવું. બાળકો કોઈ કામ અધૂરું છોડે તો હકીકતને સ્વીકારો. આમ કરવાથી વિવાદ અને ઝઘડા ટાળી શકાશે.

અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે, અત્યારના સમયનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું તેના કોઈ ચોક્કસ ધારાધોરણ નથી. આપણે જ સંજોગો અનુસાર વર્તતા શીખવાનું છે. વાસ્તવિક અપેક્ષાઓ સાથે પોતાની જાત પ્રત્યે દયાળુ રહેવુ ંઅને નાની નાની જીતની ઉજવણી કરવી.

 

(ડૉ. મોનેના શાહ ઓક્યુપેશનલ, થેરેપિસ્ટ, ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છે)

 

 

(કચ્છ ગુર્જરી જાન્યુઆરી ૨૦૨૧ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates