પરિવાર પોલિસી

પરિવાર પોલિસી - ઝયોતિકા અશોક મહેતા, કલીકટ [કેરળ]

એવી એક પોલિસી જે આજ સુધી કોઈએ ક્યારેય પણ નહીં કઢાવી હોય, જાહેર કે ખાનગી  કંપનીઓ, કોઈ પણ રાજ્યો કે રાષ્ટ્રોમાં ક્યાંય આ પોલિસીનું નામ, સરનામું, વિગત નહીં જ મળે. જેનું નામ છે '' પરિવાર પોલિસી ''.

આજની પરિસ્થિતિ જોતાં સંયુક્ત પરિવાર ખુબ જ જરૂરી બની ગયો છે, ગઈ કાલની પેઢીને આજની પેઢીનો સમન્વય થવો અતિ આવશ્યક છે, તેનાં માટે એક જ રસ્તો છે, પરિવાર પોલિસી. શક્ય એટલી  જલ્દી આ પોલિસી લઇ લેવા જેવી છે, તેનાં પ્રીમિયમ ભરવા માટે કોઈ જ સમય મર્યાદા નથી,કયારે પણ શુભારંભ કરી શકો, ગમે ત્યાં, ગમે ત્યારે, ગમે તેટલું રોકાણ કરી શકાય.

કોઈ પણ જાતનાં રોકાણમાં વ્યાજનો દર ઓછો કે વધુ હોય શકે, સમય મર્યાદા હોય, ક્યારેક કંપની ઉઠી જાય તો નુકશાન જ નુક્શાન, અલગ અલગ કંપનીમાં રોકાણ કરવા જતા, વધારે વ્યાજની લાલચમાં અખતરા કરવા જતા ખતરો જરૂર થાય જ, જિંદગી ભરની જમા પુંજી રોકીને પણ જો હાથમાં કાંઈક આવશે કે નહિ તે ગેરંટી ક્યાં છે? ફાયદાની સાથે નુકશાનીની માત્રા વધારે છે, જયારે આ પોલિસીમાં તમે કલ્પના પણ ના કરી હોય એટલું બધું અધધધ વ્યાજ મળે, ખોટ જવાની તો શક્યતા જ નહિ, હપ્તા પણ નાના, ઓછા ને અલગ અલગ છે.

દરેક રોકાણમાં સમય પર નિયત કરેલા હપ્તાની રકમ ભરવી જ પડે, ક્યારેક સગવડ હોય, ક્યારેક ના પણ હોય, ગમે તેમ રકમ ભેગી કરવાનો વારો આવે ત્યારે ચિંતાનો ડુંગર ખડકાઈ જાય, તકલીફ હોય, વિઘ્ન આવે, આ બધું જ તમે સહન કરો છો ને?  આ બધું તો બહારનું છે જે સહન કરીને માત્ર થોડીજ ખુશી મળે, થોડા સમય માટેની હોય, સાચું ને? 

પરિવાર પોલિસીમાં તો ન ધનની જરૂરત, ન સમયની મર્યાદા છે, બસ મનને મક્કમ કરીને પરિવારને અપનાવવા નું, સ્વીકારવાનું, વિનય - વિવેક - આદર આપવાના, જતું કરવાનું, સહન કરવાનું, રાહ જોવાની, ધીરજ ધરવાની.

હા! શરૂઆતમાં અખરું લાગે, તકલીફ પડે, મન દુઃખ થાય, ઓછું આવે, પણ ક્ષમા દાનથી બધું જ બરાબર થઇ જાય, એટલે હતાશ નહિ થવાનુ કારણકે, તમે નોકરી, ધંધા, મીટીંગ, પ્રોજેક્ટ, વ્યવહારમાં સહયોગી સાથે, ઉપરી કે પદાધિકારી સાથે કેવા વિનય - વિવેકથી વર્તો છો? કારણકે ત્યાં તમારો સ્વાર્થ છે, ધન પ્રાપ્તિ, નામના, પ્રગતિ મેળવવાનો, તેમાં નુકશાની જાય, અપમાન થાય, જાકારો મળે, પ્રમોશન ન મળે, બદનામી થાય, તમારો ઉપયોગ કરી તમને છોડી દે, તમારા નામે ચરી ખાય, પછાડી દે, આવું તો કંઈ કેટલુંયે.

પરિવાર પોલિસીમાં આમાંનું કંઈ જ નહિ થાય તેની ગેરંટી પણ તમને રોકાણ કર્યાનાં  થોડા સમયમાંજ મળી જશે, તમે એક પગલું પરિવાર તરફ ભરશો તો પરિવાર દસ પગલાં તમારા તરફ ભરશે જ, આનું ફળ તમારા અને તમારા બાળકનાં ભવિષ્યને બધી જ આફતોથી બચાવી લેશે.

આજની યુવા પેઢી સમજી, વિચારીને દિલથી પરિવાર પોલિસીમાં રોકાણ કરશે તો જિંદગી ખુબસુરત છે જ, કંઇક  મેળવવા માટે કંઇક છોડવું પડે, પરિવાર મેળવવા માટે બંને પેઢીએ જીદ ને અહંકાર છોડવા પડે, એ પણ પોતીકાંઓ માટે.

અંતમાં એટલું જ કે વડીલો જે કાંઈ પણ કહે કે કરે તે પોતાનાં બાળકની ખુશી માટે જ હોય, કરકસર કરો પણ કંજુસાઈ નહીં, ઉડાળો નહિ પણ જિંદગી ને માણો, અનુભવો અને હસી ખુશી જીવો, વડીલો, સમયની સાથે બદલાવ એ કુદરતી ઘટના ક્રમ છે, સમજી - વિચારી, મનથી ને  દિલથી બદલાવું એજ યોગ્ય છે.

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates