પગે લાગવું

પગે લાગવું - ઝયોતિકા અશોક મહેતા, કલીકટ

હમણાં જ તહેવારોની વણઝાર આવી, હરવું-ફરવું- મોજ-મસ્તી કંઈક સારું કરવું કે સ્વીકારવું. ક્ષમા માંગવી ને આપવી આ બધા જ આરંભ સમારંભની શુભ શરૂઆત થાય છે પગે લાગીને..

ભારતીય સંસ્કૃતિની આગવી પ્રણાલિકા છે વંદન. વડીલોને, ગુરુજનોને, ભગવાનને વિનય સહિત વંદન કરવા ને આશિષ મેળવવા એ નાનડીયાઓનો, શિષ્યોનો અને ભક્તજનોનો જન્મસિદ્ધ અધિકાર છે. વંદન કરનાર ને આશિષ આપનાર વચ્ચે લાગણીનાં તંતુથી બંધાયેલો અતૂટ સંબંધ છે. પગે લાગવા માટે ને આશિષ મેળવવા માટે કોઈ જ સમય-સંજોગ-પરિસ્થિતિ-સ્થળ કે કમુરતા નડતા નથી.

કોઈપણ વાત કે વિગતમાં કરો તો ફાયદો કે નુકસાન હોય અને ના કરો તો નફો કે ખોટ હોય જ. પણ વંદન એ એવો સંસ્કાર છે જે કરવાથી માત્રને માત્ર લાભ જ છે. ના કરવાથી ગેરલાભ જ છે. કોઈપણ વાત કે કાર્યનો શુભારંભ કરતાં પહેલાં, સફળતા મળ્યા પછી, સુખમાં કે દુઃખમાં પગે લાગવું એ આનંદદાયક ક્ષણ છે, જેનાથી સંબંધોમાં મજબૂતાઈ આવે, માન મર્યાદા જળવાય, પરિણામ સારું આવે અને સધિયારો મળે તે વધારામાં. વંદન એ બીજાને દેખાડવા માટે, કોઈને સારું લગાડવા માટે, અન્યને ખુશ રાખવા માટે, મન વગર કરવું, કરવી પડતી ક્રિયા સમજીને કરવું, આવી બધી ભાવનાથી કરાયેલા વંદનનો કોઈ જ અર્થ નથી તે જાણતો હોવા છતાં માનવી સહજતાથી આવી બિનજરૂરી માનસિકતા સ્વીકારીને જ વંદન કરે છે!

વડીલ-પૂજનીય-વંદનીય-આદરણીય-માનનીય ને દિલથી કરેલ વંદન હોય તો જ તેની હકારાત્મકતા સામેની વ્યક્તિને સ્પર્શે ને ઉરથી આશિષ આપવા માટે આપોઆપ તેનાં હાથ લંબાય ને પગે લાગનારનાં મસ્તક ઉપર આશીર્વાદની અનરાધાર વર્ષા થાય, સફળતાનાં શિખરો સર કરવામાં આવતી અડચણોનો ખાતમો થાય.

અંતમાં એટલું જ કે દિલથી સવિનય પગે લાગવું એ સંસ્કૃતિ છે. પરંતુ દેખાડો કરવો કે પગે ન જ લાગવું એ તો...!

 

 

(કચ્છ ગુર્જરી જુન ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates