હો રાજ મને લાગ્યો મોબાઈલ ફોનનો રંગ !

હો રાજ મને લાગ્યો મોબાઈલ ફોનનો રંગ ! - રાખી બિરજુ ગાંધી, ગાંધીધામ

સરસ મજાના ગુજરાતી ગીતનો આજના સમય સાથે તાલમેલ.. ‘મને તો મોબાઈલ વગર એક મિનિટ પણ ન ચાલે’ આવું ઘણાના મોઢે સાંભળીએ છીએ. એટલે આવું ફ્યુઝન કરવાનું મન થઈ ગયું.

અને રંગ લાગે પણ કેમ નહિ.. આ પાંચ ઈંચની સ્ક્રીન પર આખી દુનિયા સમાઈ છે. એલાર્મ, ઘડિયાળ, ટી.વી., ફ્રેન્ડ્‌સ, પરિવાર, વ્યાપાર, કેલ્ક્યુલેટર, રસ્તાઓ, દરેક સ્થળની માહિતી.. દરેક પ્રશ્નનો જવાબ. મિસ્ટર ગુગલ.. અને હવે તો વોલેટ પણ.. ખૂબ જ ઉપયોગી ડિવાઈસ છે પણ અતિરેક હંમેશા નુકસાન કરે છે.

મોબાઈલ એટલે ટેલી કોમ્યુનિકેશન ક્ષેત્રે ક્રાંતિ છે, પરંતુ આપણી હથેળીમાં મોબાઈલ નથી. મોબાઈલની હથેળીમાં આપણે જકડાઈ ગયા છીએ. પરિવારમાં સાથે મળીને બેસવાના હવે ઓછા પ્રસંગો જોવા મળે છે. જમીને બધા પોતપોતાના મોબાઈલ લઈને બેસી જાય છે. સંબંધોની જાળવણી હવે આંગળીના ટેરવે થાય છે. મોટા શહેરોમાં તો હવે લોકો બે બે સિમ રાખતા થયા છે, એક ઓછું પડે ને!

સવારે વોક કરીએ તો ગાર્ડનમાં એ લોકો ઈયર પ્લગ લગાવી ગીતો સાંભળતા હોય.. પ્રકૃતિની મજા નહિ લેવાની? સૂર્યોદય અને હરિયાળી નહિ નિહાળવાની? બહારગામ ફરવા જાય ત્યારે પણ સિત્તેર ટકા સમય ફોટોગ્રાફી અને સેલ્ફીમાં જાય છે. મેમરી સાચવવી અલગ વસ્તુ છે, પણ હેતુ ફરવા અને આનંદ માણવા કરતાં તસ્વીર ખેંચવાનો વધુ હોય છે. પછી એ તસ્વીર સોશિયલ મિડીયામાં વહેતી કરવી એ જ આનંદ.

આ તો થઈ મોટાંઓની વાત. બાળકો પણ હવે આઈસ-સ્પાઈસ, સાંકળ વગેરે રમતો રમતા નથી. એક બિલાડી જાડી હવે સાડી પહેરતી નથી. બાળપણ પણ વિડીયો જુએ છે, ગેમ રમે છે, ટીકટોક કરે છે. મમ્મી-પપ્પા અને દાદા-દાદી પણ વાર્તા સંભળાવવામાં ટાઈમ બગાડતા નથી.. માણી લે છે મોબાઈલની મજા. પ્રસંગો પણ હવે સેલ્ફીના રવાડે ચડ્યા છે. વરરાજા હોય કે વધૂ કે પછી સગાંવહાલાં, દિવાળી હોય કે હોળી. સૌ પોતાનો મસ્ત, ફોટો લેવામાં વ્યસ્ત! સાચું કે નહીં?

વોટ્‌સ એપ અને ફેસબુકના સથવારે ગુટરગુ થાય છે. સ્ટેટસમાં લાગણીઓ બતાવાય છે. બધું ડિજિટલ છે. પછી હાસ્ય હોય કે રુદન, જીવન હોય કે મરણ.. RIP કોપી પેસ્ટ કરીને શ્રદ્ધાંજલિ દેવાય છે.

દરેક વસ્તુના ફાયદા છે અને ગેરફાયદા પણ. વિવેકપૂર્ણ ઉપયોગ કરવો એ જ હિતાવહ છે. મોબાઈલ સમયને ખાય છે. જો એનો અતિરેક ઉપયોગ થાય, ડ્રાઈવીંગમાં પણ નથી મૂકી શકતા લોકો. કેટલા એક્સીડન્ટ થાય છે, મોબાઈલના કારણે. પરિવાર મેળો પણ વિખાય છે મોબાઈલના કારણે. તોય સાંભળવા મળે છે ‘મોબાઈલ વગર તો એક મિનિટ પણ ક્યાં રહેવાય છે.’

ફોન તો સ્માર્ટ બની ગયા. હવે આપણે સ્માર્ટ બનીએ. મોબાઈલનો ઉપયોગ ઘટાડીએ. સ્વજનો સાથે સમય વિતાવીએ. ભાવિ પેઢીમાં સંસ્કારના બીજ વાવીએ. રેડિયેશનનું જોખમ ઘટાડીએ, પ્રકૃતિનો આનંદ માણીએ. તો જ આપણે સ્માર્ટ જનરેશન કહેવાઈએ.

 

 

(કચ્છ ગુર્જરી ડિસેમ્બર ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)  

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates