ગાંધી... એક મહામાનવ

ગાંધી... એક મહામાનવ - રાખી બિરજુ ગાંધી, ગાંધીધામ

દે દી હમેં આઝાદી, બીના ખડગ બીના ઢાલ,

સાબરમતી કે સંત તું ને, કર દિયા કમાલ...

ગાંધીજી એટલે એવા પ્રભાવશાળી વ્યક્તિ, જેની પાછળ જી આપોઆપ લાગી જાય, વીસમી સદીના સૌથી ઉર્જાવાન વ્યક્તિ, ગુજરાતમાં જન્મેલા. એક સ્વતંત્ર સેનાની, સત્યના પૂજારી, અહિંસાના આરાધક.. એક સાદી છતાં મજબૂત પ્રતિભા.. જિંદગીના દરેક પ્રસંગોમાંથી શીખતા એક વિદ્યાર્થી. એક પાંચ ફૂટના મહામાનવ. તેમનું એક વાક્ય ખૂબ પ્રેરણાદાયી છે.

'Live as if you were to die tomorrow,

Learn as if you were to live forever.'  

૨જી ઑક્ટોબર એટલે ગાંધી જયંતી.. નેતાઓ ગાંધીજીના પુસ્તકોમાંથી થોડું ભાષણ આપે. સ્કૂલમાં ગાંધી દિવસની પ્રતિયોગીતા ગોઠવાય. ખાદી ભંડારો ધમધમવા લાગે. ગાંધીજીને યાદ કરાય પણ ગાંધી વિચારધારાને અપનાવાતી નથી.

આફ્રિકામાં ગાંધીજીને ઘણી વખત રંગભેદ નીતિનો સામનો કરવો પડ્યો. સત્ય એ જ પરમેશ્વરની વિચારધારા ધરાવતા ગાંધી વ્યક્તિ નહિ પણ વિચાર હતા. આફ્રિકાની રંગભેદ નીતિ હોય કે ભારતની આઝાદી, અન્યાય સામે અહિંસક રીતે કેમ લડવું એનું ઉદાહરણ હતા. અસહકારની ચળવળ, દંડીકૂચ, હિન્દ છોડો જેવાં આંદોલનો કરી, અંગ્રજોને ભગાડી, આ પાંચ ફૂટના મહામાનવ બેરિસ્ટર મોહન ગાંધીજી બન્યા હતા. રાજકીય, આધ્યાત્મિક, આર્થિક સર્વ ક્ષેત્રે તેમનું યોગદાન અગત્યનું છે. લખવા જઈએ તો કાગળ ઓછા પડે. પણ પ્રશ્ન એ છે કે ગાંધીના સ્વપ્નનું ભારત નિર્માણ કરવા આપણે કેટલા સફળ થયા છીએ?!

૨જી ઑક્ટોબર એટલે માત્ર ગાંધી જયંતિ ઉજવવાનો દિવસ નહિ પણ ગાંધી વિચારધારાને આત્મસાત કરવાનો દિવસ. અહિંસાના પૂજારીએ ક્યારેય નહીં વિચાર્યું હોય ભારતમાં ત્રાસવાદ, નકસલવાદી, ઘૂસણખોરી જેવી બદીઓ ફેલાશે. ગામડાં સમૃદ્ધ બને તો દેશના હિતમાં છે. પણ હવે ગામડાંઓ પડી ભાંગ્યા છે. શહેરમાં મોંઘવારી વધી છે. આઝાદીના આઠ દાયકા પછી પણ સમૃદ્ધ ભારતનું સ્વપ્ન પૂરું થયું નથી. રાજકીય પક્ષો દેશની ભલાઈ કરતાં એકબીજાની કાપકૂપીમાં જ વ્યસ્ત હોય છે. મુન્નાભાઈ MBBSમાં યુવાનોને ગાંધીગીરી ગમે છે પણ જીવનમાં ઉતારી શકતા નથી.

દેશ સમૃદ્ધ તો જ બનશે જો યુવાપેઢી સમૃદ્ધ થશે- વિચારોથી, વર્તણૂંકથી, દેશપ્રેમથી દેશની ભલાઈ શિક્ષિત લોકોને દેશના પ્રતિનિધીઓ તરીકે ચૂંટવામાં છે. દેશનો વિકાસ સ્વચ્છતામાં છે. પોતાના આંગણમાં સ્વચ્છતા નહિ પરંતુ આખા દેશમાં સ્વચ્છતા.. બીજાનો સુધાર કરતાં સ્વ સુધાર કરવામાં છે. અન્યાય સામે લડવામાં છે, પરંતુ મારામારીમાં નહિ. ગાંધીજી કહેતા. 'You must be the change, you wish to see in the world.'

દેશમાં સ્વતંત્રતાનો સૂર્ય ગાંધીજી જેવા નેતાઓને લીધે પ્રકાશિત છે. તેમના બલિદાન અને કાર્યોને સાર્થક કરીએ. રાષ્ટ્રપિતાની વિચારધારાને અમલમાં મૂકી દેશનો વિકાસ કરવામાં સહાય કરીએ. એક એક વ્યક્તિ આવું વિચારશો તો દેશની સમૃદ્ધિ કોઈ રોકી નહિ શકે.

મહાત્મા ગાંધીજીને શત શત નમન.

 

 

(કચ્છ ગુર્જરી ઓક્ટોબર - નવેમ્બર ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates