શ્રી અભિનંદન સ્વામી - જૈન : મહાન ધર્મ, મહાન સંસ્કૃતિ

શ્રી અભિનંદન સ્વામી - જૈન : મહાન ધર્મ, મહાન સંસ્કૃતિ - શિવાની સંજય શાહ, અંજાર

તીર્થંકર પરિચય (ગતાંકથી ચાલુ....)

ચોથા આરાના પૂર્વાર્ધમાં અયોધ્યા નગરી પર શ્રી સંવર નામના રાજા તેમના સંસ્કારી રાણી શ્રી સિદ્ધાર્થા સાથે રાજ કરતા હતા. વૈશાખ સુદ ૪ના રાત્રે જ્યારે ચંદ્ર અભિચિ નક્ષત્રમાં હતો ત્યારે રાણી શ્રી સિદ્ધાર્થાએ ૧૪ ભવ્ય સ્વપ્ન જોયાં. રાજાશ્રી સંવરે તેમને સમજાવ્યું કે તેઓને મહાન અને પવિત્ર આત્મા જે સંસારમાં તિર્થંકર થવાના છે, તેનો ગર્ભપ્રવેશ થયો છે.

જંબુદ્વિપના પૂર્વવિદેહમાં મગલાવતી વિજયમાં રત્નસંચયા નામની નગરી પર શ્રી મહાબલ નામના રાજા રાજ્ય કરતા હતા. તેઓ મહા પરાક્રમી, દાન, શીલ, તપ, ભાવ, આત્મ જાગૃતિ જેવા ગુણ ધરાવતા હતા. સમય જતાં તેમણે સંસાર ત્યાગી મહામુનિ શ્રી વિમલચંદ્રજી પાસે દીક્ષા અંગીકાર કરી, ઉગ્ર તપની આરાધના શરૂ કરી. તેઓ તિરસ્કાર અને કષ્ટમાં પોતાનું હિત જોતા, પ્રશંસા આદર અને સત્કાર માટે પોતાને અયોગ્ય ગણતા. આમ ખૂબ ઉચ્ચ દૃષ્ટિભાવથી તેમણે કરેલ ઉગ્ર તપથી તિર્થંકર નામ કર્મ ગોત્ર બાંધ્યું. લાંબા આયુષ્યનાં અંતે વિજય નામના અનુત્તર વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થઈ, ૨૩ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી. તે પવિત્ર આત્માએ રાણી શ્રી સિદ્ધાર્થાના ગર્ભમાં પ્રવેશ કર્યો. (ચ્યવન કલ્યાણક)

મહા સુદ-૨નાં રાણી શ્રી સિદ્ધાર્થાએ સુંદર અને તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો. અયોધ્યામાં ચારે તરફ અભિનંદનની લાગણી ફેલાતાં બાળકનું નામ શ્રી અભિનંદન પાડવામાં આવ્યું. સ્વર્ગથી પધારી દેવોએ તિર્થંકર જન્મોત્સવની ઉજવણી કરી. (જન્મ કલ્યાણક)

૧૨.૫ લાખ પૂર્વ સુધી તેઓ રાજકુમાર તરીકે રહ્યા બાદ રાજા શ્રી સંવરે રાજ્યાભિષેક કરી તેમને ગાદી સોંપી અને પોતે દીક્ષા અંગીકાર કરી. ૩૬.૫ લાખ પૂર્વ અને ૮ પૂર્વાગ સુધી રાજ્ય ચલાવી, તેમણે સંસાર ત્યાગી દીક્ષા અંગીકાર કરવાનું નક્કી કર્યું. મહા સુદ ૧૨ના ચંદ્ર જ્યારે અભિચિ નક્ષત્રમાં હતો, છઠ્ઠ તપની આરાધનામાં રહી ૫ મુષ્ટિ લોચ કરી શ્રી અભિનંદન સ્વામીએ પ્રવજ્યા ધારણ કરી. શક્રએ સ્વર્ગથી પધારી તેમના લોચ કરેલા વાળને ક્ષીરસાગરમાં વહાવ્યા. જન્મથી ત્રણ જ્ઞાન ધરાવતા શ્રી અભિનંદન સ્વામીએ દીક્ષા ગ્રહણ કરતાં મનઃપર્યવ જ્ઞાન પ્રગટ થયું. (દીક્ષા કલ્યાણક)

રાજા શ્રી ઈન્દ્રદત્તે ખીરથી છઠ્ઠ તપનું પારણું કરાવ્યા બાદ ૧૮ વર્ષ સુધી મુનિશ્રી અભિનંદન સ્વામીએ ગામે ગામ વિહાર કરી, ધર્મનો ફેલાવો કર્યો. પોષ સુદ ૧૪ના સહર્ષામ્રવનમાં પ્રિયલ વૃક્ષ નીચે ધ્યાનની મુદ્રામાં ચંદ્ર જ્યારે અભિચિ નક્ષત્રમાં હતો ત્યારે શ્રી પ્રભુને કેવલ જ્ઞાન પ્રગટ થયું. ૬૪ ઈન્દ્રોએ સ્વર્ગથી આવી ૧ યોજનમાં સમોવસરણની રચના કરી, શ્રીપ્રભુને સિંહાસન પર બિરાજમાન કર્યા, શક્રએ શ્રીપ્રભુની સ્તુતિ કરી અને પ્રથમ દેશના આપવાની વિનંતી કરી.

અશરણ ભાવ

સંસારમાં જન્મથી મનુષ્ય કોઈને કોઈ વ્યવસ્થામાં પોતાનું શરણ શોધે છે. માતા, પિતા, ભાઈ, પુત્ર, પતિ, પત્ની, મિત્ર, સ્વજન, પરિજન વગેરેમાં પોતાની સલામતી જુએ છે, પરંતુ માત્ર મનુષ્ય જ નહિ, ઈન્દ્ર, ઉપેન્દ્ર વગેરે પણ કાળના મુખથી પોતાને બચાવી શકતા નથી અને મૃત્યુ પામે છે. શક્તિ, અષ્ટાંગ આયુર્વેદ, સંજીવની પણ યોદ્ધા કે રાજાને મૃત્યુથી બચાવી શકતાં નથી. ધર્મ પણ મનુષ્ય કે મુનિને મૃત્યુથી બચાવી શકતો નથી. આમ જેનો જન્મ થયો છે. તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે. આમ જન્મ ચક્રનો અંત આવે તે માટે ધર્મના માર્ગે અક્ષય સુખ ભંડાર મોક્ષની પ્રાપ્તિ એ જ એક માત્ર મુક્તિનો માર્ગ છે.

સંસારના સમય, સંજોગ, સ્થિતિ, ગરજ, જરૂરિયાત, કુળ, સલામતી માટે કોઈને શરણે જવાને બદલે આત્માએ પોતાના ઉર્ધ્વગમનની ગતિ પ્રાપ્ત કરવા, ઉચ્ચ કાર્ય કરી અભિનંદનને પાત્ર થવું જોઈએ. આમ અશરણમ્‌વાદના સિદ્ધાંતથી આત્મા સ્વાતંત્ર્યના મૂળભૂત અધિકારને સ્થાપિત કર્યો. પ્રત્યેક આત્મા ઉચ્ચ કાર્ય થકી ઉર્ધ્વગમન કરી અભિનંદનને પાત્ર બની શકે છે. આમ શ્રીપ્રભુએ જન્મ, મરણ, શાશ્વત અને આત્મ સ્વાતંત્ર્યની સંસારને સમજ આપી, ધર્મનો માર્ગ પ્રશસ્થ કર્યો. અને પ્રત્યેક આત્મા અભિનંદનને પાત્ર બની શકે, તેવો અશરણમ વાદનો સિદ્ધાંત સ્થાપિત કર્યો. તેમની દેશનાથી પ્રેરાઈને ગણધરશ્રી વજ્રનાભે બીજા ૧૧૫ ગણધરો, અનેક શ્રાવક, શ્રાવિકા સાથે ધર્મ અંગિકાર કરતાં ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ. આમ તેઓ તિર્થંકર ‘શ્રી અભિનંદન સ્વામી’ કહેવાયા. (કેવલજ્ઞાન કલ્યાણક)

૩,૦૦,૦૦૦ સાધુ, ૬,૩૦,૦૦૦ સાધ્વીઓ, ૯,૮૦૦ અવધિજ્ઞાની, ૧,૫૦૦ ચૌદ પૂર્વી, ૧૧,૬૫૦ મનઃપર્યવ જ્ઞાની, ૧૧,૦૦૦ વાદલબ્ધિધારી, ૨૮,૮૦૦ શ્રાવકો અને ૫,૨૭,૦૦૦ શ્રાવિકાઓના મહાન સંઘની સ્થાપના કરી, ૧ લાખ પૂર્વમાં ૮ પૂર્વાગ અને ૧૮ વર્ષ ઓછો જેટલી પ્રવજ્યા પાળી શ્રીપ્રભુ સમેતશિખર પર્વત પર પધાર્યા. વૈશાખ સુદ આઠમના ચંદ્ર જ્યારે પુષ્પ નક્ષત્રમાં હતો, ત્યારે ૧ માસના અનશનના અંતે ૮ કર્મનો ક્ષય કરી, નિર્વાણ પામી સિદ્ધ થયાં. શ્રી સંભવનાથ સ્વામીના નિર્વાણ બાદ ૧૦ લાખ કરોડ સાગરોપમના અંતે શ્રી અભિનંદન સ્વામીએ શાશ્વત સ્થાન પ્રાપ્ત કર્યું. દેવો અને ઈન્દ્રોએ પ્રભુનો નિર્વાણ ઉત્સવ ઉજવ્યો. (મોક્ષ કલ્યાણક)

હાલે સિદ્ધશિલામાં બિરાજતા શ્રી અભિનંદન સ્વામીને મારા કોટી કોટી વંદન હોજો.

(વધુ આવતા અંકે)

 

 

(કચ્છ ગુર્જરીના ઓક્ટોબર-નવેમ્બર માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates