કચ્છડો બારે માસ

કચ્છડો બારે માસ - ધર્મ હિતેશ નવીનચંદ્ર શાહ, ભુજ

‘શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો, પાંજો કચ્છડો બારે માસ’

ઐતિહાસિક, ભૌગોલિક, સાંસ્કૃતિક અને સામાજિક વિશિષ્ટતાઓની ખાણોથી ભરેલો અઢી અક્ષરનો પ્રદેશ કચ્છ.

કચ્છ એ ગુજરાતની પશ્ચિમે આવેલો જિલ્લો છે. કચ્છમાં ૬ મ્યુનિસિપાલિટી છે. કુલ્લ ૪૫,૬૯૨ ચો.કિ.મી. ક્ષેત્રફળ ધરાવતો કચ્છનો પ્રદેશ ગુજરાતની કુલ ભૂમિના ૨૩%થી વધુ વિસ્તાર ધરાવે છે. ૩૬૦ કિ.મી. લાંબો સમુદ્ર કાંઠો પુનઃ કચ્છની સમૃદ્ધિનું પ્રવેશદ્વાર બની રહ્યું છે.

લગભગ ૧૮ લાખથી વધુ વસ્તીમાં વ્યવસાયે લોકો ખેતી, પશુપાલન, વેપાર, કારીગરી, શ્રમિક, મીઠાના અગર, બંદરીય કામકાજ અને ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલ છે.

ભારતીય સિનેજગતના મહાન અભિનેતા, મહાનાયક બીગ બી ગુજરાત પ્રવાસનના બ્રાંડ એમ્બેસેડર બન્યા ને કચ્છના સફેદ રણમાં લટાર મારતાં દુનિયાને એક અમર વાક્ય આપી દીધું. જે આજે સર્વત્ર બધાની જબાન પર છે.- ‘કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા’! અને એક ચમત્કાર થયો. વર્તમાનપત્રોને ટી.વી. દ્વારા આ વાક્ય ઘેર ઘેર કાનેકાન પહોંચી ગયું.

કચ્છની અસ્મિતાના મહત્ત્વના અંગ સમી કચ્છી ભાષા હજારો વર્ષનો આગવો ઈતિહાસ ધરાવે છે.‘બાબાણી બોલી’ કહેવાતી આ બોલીની તાકાત તેની પ્રાચીનતા, લાઘવતા, ધારદાર અભિવ્યક્તિ અને કચ્છી માડુની ચાહતમાં રહેલી છે. કચ્છની વિશિષ્ટ ઓળખસમી કચ્છી ભાષા બળૂકી અને ચોટદાર છે. તેનું પ્રાદેશિક ભાષા તરીકે અગત્યનું સ્થાન છે. કચ્છ અને બૃહદ કચ્છમાં તેનો વ્યાપક ઉપયોગ વાગ-વ્યવહાર છે.

કચ્છનો એક અર્થ કચ્છપ પણ થાય છે અને એટલે જ અહીંના લોકોની ભીતરની તાસીર કાચબાના ઢાલ જેવી મજબૂત છે. જે દરેક આફતમાં અડગ રહે છે. અહીંના વણઝારા મિજાજી લોકોના સ્વભાવમાં જ સદ્‌ભાવ છે. વતનને માતા માનીને માથું વધેરનારા કચ્છી માડુનો સંસાર સંસ્કારથી શરૂ થાય છે. બારેમાસ મઘમઘતો કચ્છડો સકળ સંસારની ધૂરી છે.

કચ્છની વિશેષતાનું દર્શન કરાવતો આ નિબંધ આપ સૌને ‘કચ્છ દર્શન’ ઘરે બેઠા કરાવશે એવી ભાવના.

કચ્છનો વિસ્તાર ગુજરાત રાજ્યના બધાં જિલ્લા કરતાં સૌથી મોટો છે. પહેલાં કચ્છના સાત, પછી નવ અને આજે કચ્છના દસ તાલુકા છે. કચ્છના દસ તાલુકામાં ભ્રમણ કરીએ ત્યારે સૌ પ્રથમ અબડાસા. મોડ અને અબડા બંને ભાઈઓના પરાક્રમ પરથી તેનું નામ પડ્યું અબડાસા. દરિયાકિનારો ખૂબ જ મોટો છે પણ છીછરો હોવાને કારણે ફક્ત જખૌબંદરનો વિકાસ થઈ શક્યો. હાલમાં અબડાસામાં વિન્ડ ફાર્મનો ખૂબ જ વિકાસ થયો છે અને પાવર જનરેટ કરવામાં અબડાસા સૌથી મોખરે છે. અબડાસાનું તેરા ગામ વલ્ડર્ હેરીટેજ વિલેજમાં સમાવવામાં આવેલ છે.

લખપત. લખપત તાલુકો કુદરતની ખૂબ જ મોટી થપાટ ખાઈ જીવી રહ્યો છે. એક સમયમાં જ્યાં લાખોની ઉપજ થતી (અને તેના પરથી નામ લખપત પડ્યું.) તે આજે ઉજ્જડ પરિસ્થિતિમાં છે. લખપતમાં ખનિજનો ભરપુર ભંડાર છે. જેમાં લિગ્નાઈટ, કોલસો, બોક્સાઈટ, જીપ્સમ, ચીરોડી, બેન્ટોનાઈટ, ચુનો, કલીકર, સાઈટ રાઈટ્‌સ જેવા ખનિજો છે. ભારત દેશનાં પાંચ સરોવરમાંનું નારાયણ સરોવર તીર્થ, કોટેશ્વર મહાદેવ, કચ્છની દેશ દેવી મા આશાપુરા જ્યાં આસો નવરાત્રિએ પગપાળા લાખો લોકો માથું ટેકવે છે. તેવાં તીર્થો આવેલા છે. માતાનો મઢ ૫૨ ફૂટ ઉંચે મંદિર છે. કોટેશ્વર વિશે હ્યુ-એન-સંગ ફાઈયાનની ડાયરીમાં ટપકાવેલ નોંધ પ્રમાણે ૬૦૦ બૌદ્ધ મઠો, ૫૦૦૦ જેટલા બૌદ્ધ સાધુઓથી આ સ્થાન ધમધમતું જોયેલું છે.

જેનું રક્ષણ ત્રણ નખ વડે માતાજીએ કર્યુ છે તે નખત્રાણા. નખત્રાણામાં ધીણોધર ડુંગર તથા મોટા યક્ષ (જખ-૭૨) તેની બાજુમાં જ પાર્શ્વ વલ્લભ જૈન તીર્થ દેદિપ્યમાન થઈ રહ્યું છે. સ્થાપત્યની નજરે બેનમૂન એવું પુંરેશ્વર મહાદેવનું મંદિર રોહા જાગીરની વિશેષતા છે. રોહાનો કિલ્લો ટેકરા પર છે.

હવે આપણે કચ્છના સૌથી પુરાણા બંદર માંડવીમાં ભ્રમણ કરશું. રાઓ શ્રી ગોડજીને વહાણવટાનો ભારે શોખ હતો. તે સમયમાં ૪૦૦ જેટલા વહાણ માંડવી બંદરે માલ લાવતાં અને લઈ જતાં. માંડવીમાં વિન્ડ ફાર્મ, વિજય વિલાસ પેલેસ, ક્રાંતિ તીર્થ ભવ્ય સ્મારક, વિજય સાગર ડેમ, જૈન તીર્થ બોંતરે જિનાલય, સમવસરણ તીર્થ શિવમસ્તુ, વિરાયતનની ભવ્ય એજ્યુકેશન સંસ્થા તથા લીલીછમ વાડીઓ મનને લોભાવે છે. માંડવીની સ્પેશિયલ આઈટમ દાબેલી ખૂબ પ્રખ્યાત છે.

કચ્છનું પેરિસ કહેવાતું મુંદ્રા. મુંદ્રામાં કચ્છનો સુકોમેવો ખારેકનો ખજાનો આવેલો છે. ધ્રબ તેમજ ઝરપરા ગામની વાડીઓમાં સારી જાતની ખારેક ઉપજે છે. જૈનોનું ભવ્ય ભદ્રેશ્વર તીર્થધામ, વાંકી તીર્થધામમાં મહાવીર સ્વામી ભગવાનની જીવન ગાથા પથ્થરમાં કોતરીને દર્શાવેલ છે. મુંદ્રામાં અદાણી પોર્ટ, અદાણી સ્કૂલોએ મુંદ્રાના વિકાસમાં સિંહફાળો આપ્યો છે. ભૂકંપની હોનારત પછીના વિકાસમાં મુંદ્રાએ કચ્છમાં નહિ પરંતુ સમગ્ર ગુજરાતમાં ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી છે. મુંદ્રા બંદરેથી વિશ્વમાં વિકાસ માટેનું મહત્ત્વનું નામ અદાણી પોર્ટે કાઢ્યું છે.

કચ્છ જિલ્લાના સૌથી નાની ઉંમરનો પણ એશિયાનું સૌથી મોટું ટર્નઓવર કરનારું પોર્ટ કંડલા પોર્ટ જ્યાં આવેલું છે તે ગાંધીધામ. ૧૯૪૭ પછી કરાચીની અવેજીમાં કંડલા મહાબંદર બનાવવામાં આવેલ.

ગાંધીધામ નિરાશ્રિતોની વસાહત હતી. તે આજે છેલ્લા ૪૦ વર્ષથી આર્થિક પાટનગર બની રહ્યું છે. આ તાલુકામાં ‘શો-મિલ’એશિયાની સૌથી મોટી માર્કેટ છે. લગભગ ૪૫૦ કારખાના કાર્યરત છે. ગાંધીધામમાં મીઠાનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થાય છે. અહીં ગમે તે પરિસ્થિતિમાં રોટલો મળી રહે છે. ફર્ટિલાઈઝરની ભારતમાં નામાંકિત ‘ઈફકો’ કંપની પણ કંડલાસ્થિત કાર્યરત છે. ગુજરાતનો સૌથી મોટો ફ્રી ટ્રેડ ઝોન છે. કચ્છના વિકાસમાં ગાંધીધામનો સિંહફાળો છે.

કચ્છજી ધરતી જો કાળો નાગ. જેસલ જાડેજા નામ સાંભળતાં જ જેસલ-તોરલની જ્યાં સમાધિ છે તે અંજાર શહેર યાદ આવે. આ ઐતિહાસિક શહેર અજેપાળ રાજાએ વસાવ્યું. અંજાર શહેરને કુદરતી નારાજગી બે વખત સહન કરવી પડી છે. ૧૯૫૬માં મોટો ધરતીકંપ, ૨૦૦૧માં ગમખ્વાર ધરતીકંપ થયો તેમ છતાં આજે અંજાર અડીખમ ઉભું છે. સૂડી-ચપ્પુનો ધંધો એક આગવું સ્થાન ધરાવે છે. કચ્છી અજરખ, કચ્છની ભાતીગળ બાંધણીમાં અંજાર મોખરે છે.

હવે પહોંચ્યા કચ્છ જિલ્લાનું પાટનગર ભુજ, જેનું નામ ભુજિયા ડુંગર પરથી પાડવામાં આવ્યું છે. ભુજમાં પાંચ નાકા અને છઠ્ઠીબારી આવેલી છે. ભુજનો રાજમહેલ જે પ્રાગમહેલ કહેવાય છે તે ઈટાલીના ઈજનેરોએ બનાવ્યો છે. તેની બાંધણી ગોપીક ટાઈપ છે. રામસિંહ માલમે બનાવેલ આયના મહેલ એટલે અરીસાનો મહેલ. ભુજમાં મહાદેવ નાકે હમીરસર તળાવ, છતરડી રોનકદાર લાગે છે. કચ્છમાં ભારતનું સૌથી વધુ સમૃદ્ધ ગામ માધાપર અને બળદિયા છે. ભુજમાં મુખ્ય રેલ્વે સ્ટેશન, તમામ સરકારી કચેરીઓ, મુખ્ય પોલીસ મથક, સીમા સુરક્ષાની કચેરીઓ આવેલી છે.

કચ્છના ઉત્તર ભાગમાં આવેલ કચ્છનાં મોટા રણની કાંધી પર ઉભેલ કચ્છનો ઉંચામાં ઉંચો ૧૫૫૨ ફીટ કાળો ડુંગર દત્તાત્રેય ભગવાનનું સ્થાન છે.

ધોરડો રણોત્સવ માટે જાણીતું બનેલું સ્થાન ભરત, સુકુ ભરત, નેણ ભરત અને ભૂંગાને લીધે વિશ્વમાં કચ્છને ખ્યાતિ અપાવનાર ’ઠવશયિં છફક્ષ’ કચ્છી હોવાનાં નાતે ન જોયું તો કાંઈ જ જોયું નથી. શિયાળામાં તો દુનિયા કચ્છમાં આવવા માંડી અને દુનિયાના તમામ રસ્તા ધોરડો તરફ જતા હોય તેમ લાગે.

‘ચડી ચકાસર પાળ હલો, હોથલ કે ન્યારીયું, પાણી મથે વાળ, વિધાય વિઠ્ઠી આય પદ્‌મણી.’

ભચાઉ તાલુકાનું પહેલું ગામ ચીરઈમાં ચકાસર તળાવ છે. ભચાઉમાં કપાસનો પાક પુષ્કળ થાય છે. જિનીંગ ફેક્ટરીઓ આવેલી છે. અહીં એકલમાતાનું મંદિર છે. જ્યાં અખૂટ પાણીની વીરડી છે. ધોળાવીરા ગામ પુરાતત્ત્વની દૃષ્ટિએ ખૂબ જ આગવું સ્થાન ધરાવે છે. ખડીઓની ઉત્તરે ઘાસનું એક મોટું મેદાન છે. અહીં ભીમ હિડમ્બા રાક્ષસને મારી હિડમ્બાને પરણ્યો હતો. લોકવાયકાને સાથ આપતો કંથકોટ કિલ્લો જે ૪૫૦ ફીટ સીધા ચઢાણ પર આવેલો છે. સૂર્યમંદિર પ્રખ્યાત છે.

‘વાગડ જાઉં ને પીલું ખાઉં.’

કચ્છનાં સૌ પ્રથમ રાજા મહારાઓશ્રી ખેંગારજી પહેલાંએ કચ્છમાં સૌ પ્રથમ રાપર જીત્યું. તેનું મૂળ નામ ‘સાપર’ હતું. રાપરમાં દરિયાસ્થાનમાં રામ-કબીર મતનાં ત્રણ સંત રવિ, ભાણ અને ત્રિકમ થઈ ગયા. પીલુ અહીંનો ખાસ મેવો છે. સામબાઈ માતાએ ૨૬ હજાર કોરી ખર્ચી બનાવેલ રવેચી માતાનું ભવ્ય મંદિર છે. કહેવાય છે પાંડવોએ અહીં ગુપ્તવાસ કરેલો તે વિરાટનગરી એટલે ગેડી ‘ધૃતપદી’.

આમ, દસ તાલુકા અને દસ તાલુકાનાં ૯૬૯ ગામડાંથી ભરપુર કચ્છમાં ફર્યા પછી તમને ભૂખ તો લાગી જ હશે. તો ચાલો કચ્છમાં કચ્છી દાબેલી, દૂધની મીઠાઈઓ, મીઠો માવો, ખાજલી જેવા પકવાન, ચીકી, ખાવડાનો મેસુક, યોગેશ્વરનો ચવાણો, નવીનની ભેલ, ફરસાણી દુનિયાના લકડીયા, ગાંઠીયા, ભજીયા, વડા, પાઉંભાજીની મજા માણીએ. એક અજબ કશીશનો પ્રદેશ છે કચ્છ. સુકા પ્રદેશમાં રહેતાં ભીનાં ભીનાં લોકોનો દેશ છે કચ્છ. કચ્છનાં રૂપકડા શહેર હોય કે રળિયામણા ગામડા અહીં તડકો વધુ છે ને ઓછાં છે છાંયડા. પાણીની અછતવાળા પ્રદેશમાં ‘પાણીદાર’ છે ભાયડા.

કચ્છી પ્રજામાં ખમીર છે, સ્પીરીટ છે, ગ્રેટ છે ફરીથી નવસર્જન કરવાની મર્દાનગી છે.’

‘મીઠો મુલક મુંજો.. વલો વતન કચ્છ.’

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates