આજના જીવનમાં માનવી સુખ અને શાંતિ મેળવવા માટે અનેક મનોરથો સેવે છે. પણ જ્યાં સુધી પુણ્ય બળની ખામી હોય ત્યાં સુધી સેવેલાં સ્વપ્ના કે મનોરથો બધા જ ફોગટ જાય છે. કોઈ વાર પાપનું બંધિ પુણ્યબળ કોઈનું ખીલી ઉઠે અને એને લીધે બળજબરી કે ચાલાકીથી બીજાનું ધન પચાવી પાડે તો પણ એનો ઉપયોગ કરવો એ તો એનાથીય પ્રબળ પાપનું બંધિ પુણ્યનો ઉદય હોય તો જ બની શકે છે. અને એમાં જો પાપનું બંધિ પાપનો ઉદય થયો તો મેળવેલી વસ્તુઓ અને સાથોસાથ પોતાના સર્વ પરિવારનો પણ વિનાશ થઈ જાય છે એ વાતને સરસ રીતે સ્પષ્ટ કરતા કથાનકનું આપણે અવલોકન કરીએ. એક ખેડૂત ગામની બહાર પોતાના ખેતર તરફ જઈ રહ્યો હતો. રસ્તામાં એક વૃદ્ધ ડોશીમાને બેભાન અવસ્થામાં જોયા. ખેડૂતના દિલમાં આ દદર્ભર્યા દૃશ્યને જોઈ દયાભાવ ઉભરાયો. તુરત જ પાણી વગેરેના શીતોપચાર દ્વારા ડોશીની સેવા સુશ્રુષા કરી. ધીરે ધીરે ડોશીમા સ્વસ્થ થયાં અને પ્રસન્નતાપૂર્વક ખેડૂતને અંતરના અહોભાવથી આશીર્વાદ આપ્યા, ‘દીકરા ! તું તો મારા પેટ જણ્યા દીકરા કરતાં પણ વધી ગયો. તેં મને મૃત્યુના મુખમાંથી બચાવી નવો જન્મ આપ્યો. હું તારો ઉપકાર કેવી રીતે માની શકું? લે આ એક વીંટી તારા પુણ્યયોગે જ મારી પાસે રહી ગઈ લાગે છે. આ વીંટીમાં એવો અજબ ચમત્કાર છે કે એને પહેરીને તું જે વસ્તુની ઈચ્છા કરીશ તે ઈચ્છા જરૂર પૂર્ણ થશે. પણ ફક્ત એક જ વાર !’
ખેડૂત ખેતરમાં ન જતાં ચમત્કારિક વીંટી લઈને સીધો ઘરે જ ગયો અને પોતાની પત્નીને બધી વાત કરી. જ્યારે આ વાત ચાલતી હતી ત્યારે બાજુમાં એક લુચ્ચો સોની આ વાત સાંભળી ગયો. દિવાલને કાન દઈ સાંભળતો શેતાન સોની ખેડૂત પાસેથી વીંટી કેવી રીતે પડાવી લેવી એનો વિચાર કરવા લાગ્યો.
એણે ખેડૂત સાથે સારી રીતે સંબંધ વધારી વાતમાં ને વાતમાં યુક્તિ દ્વારા પેલી વીંટીની વાત જાણી લીધી. પછી ઘેર લઈ જઈ સાફ કરીને પાછી આપવાના બહાને એ વીંટી લઈ અને એના બદલામાં બીજી ખોટી વીંટી ખેડૂતને આપી દીધી. ભોળા હૃદયના ખેડૂતને આ ભેદની ખબર પડી નહીં અને એ સંતોષી જીવ હતો, એટલે પેલી વીંટીનો પ્રયોગ કરી મનમાન્યું મેળવવાની ઈંતેજારી પણ એને ન હતી.
બીજાની વસ્તુ પચાવી પાડવા માત્રથી સુખી થવાતું નથી. પુણ્યબળ પ્રબળ હોય તો જ સુખી થવાય છે. અહિંયા તો સોનીના પુણ્યમાં પોકળતા હતી, છતાંય સુખના સોહામણાં સ્વપ્નાં એને સતાવતાં હતાં. વીંટી મળી એટલે સોની વિચારવા લાગ્યો કે એક જ વાર માગવાનું છે તો ઓછું શા માટે માંગવું? માંગ્યું જરૂર મળવાનું તો છે જ. એમાં શંકા જ નથી. ખેડૂતને તો મૂરખ બનાવી દીધો છે. હવે વાત રહી માંગવાની. સોની બીજું શું માગે, એને મન તો સોનું જ હોય ને? આજુબાજુમાં કોઈને ખબર ન પડે એ રીતે એણે અડધી રાતે સોનેયા માંગવાનું વિચારી લીધું. મધરાતે એ જાગ્યો અને હર્ષમાં આવી માંગી લીધું કે મારું ઘર ભરાઈ જાય એટલું સોનું વરસી જાઓ. આ તો ચમત્કારિક વીંટી હતી, એટલે સોનેયાની વૃષ્ટિ શરૂ થઈ. સોનાની ઈંટો ધડાધડ ઘરમાં પડવા લાગી. સોનાની વૃષ્ટિ એટલી થઈ કે એ સોનીનું સારુંયે કુટુંબ ઈંટો નીચે દબાઈ ગયું અને સહુના રામ રમી ગયા.
પેલો ખેડૂત આ ધાંધલ ધમાલ સાંભળી જાગી ઊઠ્યો. જોયું તો સોનાની ઈંટો ધડાધડ પડેલી હતી. ખેડૂત એક જ ક્ષણમાં બધો સાર પામી ગયો કે આ તો પેલી વીંટીનો ચમત્કાર છે. એ મનોમન વિચારવા લાગ્યો કે જેના પડખે પુણ્યનો સહારો હોય છે, એને જીવનમાં જરાય આપત્તિ આવતી નથી. સોની બીજાનું સુખ લૂંટવા ગયો પણ પોતે જ લૂંટાઈ ગયો અને પોતાના કુટુંબ સાથે જ મરણ પામ્યો. જેવું કરો એવું ભરો. ખેડૂત આ પ્રમાણે પુણ્ય-પાપના ફળનો વિચાર કરવા લાગ્યો. પછી સ્વસ્થ થયા બાદ તેણે વિચાર્યું કે પેલી વીંટીની માલિકી પોતાની છે. પણ વીંટીના પ્રભાવે એક જ વાર માંગવાનું હતું તે તો મંગાઈ ગયું હતું, એટલે એણે સોનીના ઘરમાંથી બધું જ સોનું ધીરે રહીને પોતાના ઘર ભેગું કરી દીધું.
પુણ્યની પ્રબળતાને કોઈ અટકાવી શકતું નથી તેમ પાપીનું પણ છૂપું રહી શકતું નથી. સોનીને ખરાબ દાનત બદલ ત્યાંને ત્યાં જ એના પાપનું ફળ પ્રત્યક્ષ મળ્યું. ‘પાપનો તાપ સહન કરવો ઘણો જ મુશ્કેલ છે, એનાથી જીવનમાં સંતાપ જ મળે છે.’ ખેડૂતે તો હૃદયનાં સાચા ભાવથી ડોશીમાની સેવા-ભક્તિ કરી હતી, એટલે એ સેવાના પુણ્ય પ્રતાપે એને શુભ ફળ પ્રત્યક્ષ જ મળ્યું. વસ્તુ મળ્યા પછી પુણ્યોદય હોય તો જ એ વસ્તુનો ભોગવટો થઈ શકે છે, તે સિવાય નહિ. સોનીને મળ્યું, પણ ભોગવી શક્યો નહિ. કારણકે, પુણ્યમાં પોકળતા હતી એટલે આખરે એનો વિનાશ થયો. ખેડૂતને પુણ્યયોગે મળ્યું પણ એણે સુવર્ણનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે ન કરતાં પરમાર્થના કાર્યો કરવા માટે પુણ્યની પરબ ચાલુ કરી. પોતાના ગામમાં તો ઠીક પણ આજુબાજુના ગામોમાં પણ અનેક પ્રકારના શુભ કાર્યો કરી દાનેશ્વરી તરીકે ખ્યાતિ પામીને જીવનને એણે સફળ બનાવ્યું. આપણે પણ આ દૃષ્ટાંતના ભાવને સમજી, પુણ્ય પાપના ફળનો વિચાર કરી, મળેલી ધન-સંપત્તિનો સત્માર્ગે સદ્વ્યય કરી માનવ જીવનને ધન્ય બનાવીએ.
(કચ્છ ગુર્જરી ડિસેમ્બર ૨૦૨૦ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)