નવલ વર્ષની સંજીવનીઃ પ્રેમ-વિશ્વાસ

નવલ વર્ષની સંજીવનીઃ પ્રેમ-વિશ્વાસ - અલકા સુનિલ શાહ, વડોદરા

રસ્તે જતાં એક કરમાયેલા-કચડાયેલા પુષ્પને જોઈ મનમાં થયું દિલને હરી લેનારું, સુંદર મજાના આ ફૂલનું રૂપ- મસ્ત મજાની નજાકત બધું જ સાવ નામશેષ થઈ ગયું આમ છતાંય એની મહેંક હજુય જીવંત છે. મનને તરબતર કરી દેતી આ ખુશ્બુ એ જ તો છે સમર્પણની ભાવના. આ પમરાટ એ જ પ્રેમ.

અહીંથી થોડે આગળ જતાં રસ્તે આવતા બગીચામાં કિલબિલાટ કરતાં નાનકડાં ભૂલકાંઓનું હાસ્ય મનને પ્રસન્ન બનાવી ગયું. એક નાનકડા બાળને હવામાં ઊંચે ઉછાળીને રમાડતી એની માને જોઈ એમ થયું આ પ્રેમ એ વિશ્વાસનું સ્વરૂપ- જે આ નાનકડા બાળકની કિલકારીમાંથી નિખરે છે. એને દૃઢ વિશ્વાસ છે કે અદ્ધર હવામાં ફંગોળવા છતાંય ક્ષણવારમાં મારી પ્યારી મમ્મી મને એના બે હાથોમાં ઝીલી જ લેશે.

આ પ્રેમ- સમર્પણ - શ્રદ્ધા- વિશ્વાસ આ બધું જ આપણી આસપાસ ક્યાંક ને ક્યાંક છુપાયેલું જ છે. શોધવા જઈશું તો હાથ નહીં લાગે પણ ભીતરમાં તો આ બધું ધરબાયેલું જ છે. સ્વજનો- મિત્રો સાથે લાંબા સમય સુધી સાથે માણેલી આનંદની પળો- અને ક્યારેક કોઈક દુઃખની વેળાએ એકબીજાને અપાતો સધિયારો- ‘હું છું ને’ ની ખાતરી કરાવતો એ પ્રેમાળ સ્પર્શ - આ પણ મૂક પ્રેમ જ છે.

ક્યારેક કો’ક એવી ક્ષણોય આવી હોય જ્યારે મળવું- છૂટા પડવું. રીસાવું ને વર્ષો લગી એકબીજાથી સાવ અબોલ જ રહેવું પડે એવો જ્યારે સમય આવે ત્યારે પણ અંતરે ... રહેનારા એ લોકો હૃદયના કો’ક ખૂણે તો એકમેક માટે ઝૂરતા જ હોય છે. પણ.. અહમ્‌ની આડશે, આંખ આડા કાન એ પ્રત્યે કરી દીધેલા હોય છે. સંબંધોમાં આવેલા આ અંતર જો સમજદારીનું સોપાન ચઢે ને તો એમાં પ્રેમની મીઠાશ ભળે અને બધું જ ઓગળી જાય. પ્રેમ વગરનું જીવન ખરેખર અધૂરું છે. કદાચ આપણે પણ ભીના કર્યા વિના આખે આખો સમંદર પાર કરી દઈએ પણ આંખ ભીની કર્યા સિવાય સમગ્ર જીવન પસાર કરી શકાતું નથી. આપણા અશ્રુ એ તો સ્નેહની સરવાણી છે.

જીવન જીવવાનું સાધન જો પ્રેમ છે તો વિશ્વાસ એનો આધાર છે. બંને એકમેક વગર અધૂરા છે. એકાકી છે. આપણા જીવનમાં જ્યારે આ બે તત્ત્વો સમાઈ જાય છે ત્યારે તે જીવન જીવવાની સંજીવની બની જાય છે.

બદલાતા નવ વર્ષના પ્રારંભે આપણા સૌના જીવનમાં પણ આ પ્રેમ અને વિશ્વાસની સંજીવની મહેકતી રહે. સુખ- શાંતિ- આશા અને ઉત્સાહ એની સાથોસાથ અચૂક આવશે જ અને જીવનને નવપલ્લવિત કરશે એવો અતૂટ વિશ્વાસ છે. પરમાત્મા સૌના જીવનને મંગલમય-આનંદમય, મમતામય બનાવે એ જ હૃદયેષણા.

 

 

 

(કચ્છ ગુર્જરી જાન્યુઆરી ૨૦૨૦ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)  

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates