નામના મળે કે નામ ના મળે

નામના મળે કે નામ ના મળે - કિરણ શાહ

માણસને સૌથી વિશેષ નડતો-કનડતો અને જો જવાબ મળે તો આશ્વાસન અને આનંદ આપતો પ્રશ્ન છેવટે તો ‘હું કોણ છું?’ હું એટલે મારું નામ, મારા નામનું રેશનકાર્ડ, મારું ક્રેડિટ કાર્ડ, મારા નામનો પાસપોર્ટ, મારા ઘરની તકતી પર લખાયેલું મારું નામ કે કંઈક બીજું, કંઈક વિશેષ. મનુષ્ય નાનીસરખી હવેલી ઊભી કરે તોય પોતાનું નામ કોતરે છે, સર્વેશ્વરે સમગ્ર સિૃષ્ટિ રચી છતાં ક્યાંય પોતેતાનું નામ નથી કોતર્યું. માનવદેહ આપણને ઈશ્વરે આપ્યો છે, આપણે તેના ટ્રસ્ટી છીએ. ટ્રસ્ટનો ઉદ્દેશ છે આત્મસાક્ષાત્કાર. ટ્રસ્ટ લેખમાં ટ્રસ્ટને હેતુ સાધવા શું શું કરવું તે લખેલું હોય છે, પણ આપણા બધાનો અનુભવ છે કે જ્યાં ટ્રસ્ટ રચાય ત્યાં ડિસ્ટ્રીક્ટ કોણ જાણે ક્યાંથી આવી પહોંચે છે અને આપણે બીજા માર્ગે ચઢી જઈએ છીએ.

ઈશ્વર આપણને કન્સલ્ટ કર્યા વિના જીવન આપે છે. ક્યાં જન્મવું એ આપણા હાથની વાત નથી, પણ જન્મ લીધા પછી કઈ રીતે જીવવું અને જીવનને સત્કાર્યોરૂપે શણગારવું એ આપણા હાથની અને અધિકારની વાત છે. જીવનમાં આનંદભરી સમજણ અને સમજણભર્યો આનંદ કેળવવાની સપ્તપદી છે - સરળતા, સંકલ્પ, સહકાર, સદાચાર, સ્વાધ્યાય, સદ્‌ભાવના અને સંગઠન. માણસનું જીવન બને છે અથવા નથી બનતું એના મૂળમાં હકાર અથવા નકાર હોય છે. તમે જીવનના હકોબા છો કે નકોબા તે પહેલા જાણી લો અને એ પણ જાણી લો કે જે માણસ પાસે સંતોષની મૂડી હોય છે તેને આસાનીથી સુખનું વ્યાજ મળ્યા કરે છે. હું એવા ઘણા માણસોને જાણું છું જે જે ઘણા પૈસાદાર, ઘણા જાણીતા, ઘણા તાકાતવર અને ઘણા દુઃખી છે. મોટા ભાગના માણસો પ્રત્યાઘાતી વલણથી જીવતા હોય છે.. પ્રત્યાઘાતીને બદલે પ્રતિભાવી વલણ અપનાવીએ તો જીવન એનો પ્રતિભાવ જરૂર આપશે. માણસ હોવું એ કંઈ જેવી તેવી વાત નથી. માણસને પોતે જે હોય છે એ હોવાનું ગૌરવ હોવું જોઈએ. ઘણાં લોકોનું જીવન બરાબર ચાલતું નથી હોતું.  તેનું કારણ પોતે પોતાની કદર કરતાં નથી, પોતે પોતાને હલકા, નિષ્ફળ, નબળા માને છે. માણસ પોતે પોતાની કદર કરે એમાં જ એના જીવનની સફળતા છે. હંમેશાં યાદ રાખજો કે સફળતાની ક્ષણોમાં માણસ ‘કોણ છે’ તેની ખબર પડે છે. નિષ્ફળતાની ક્ષણોમાં માણસ ‘શું’ છે તેની ભાળ મને મળે છે. જીવનની સાર્થકતાને ઊંચા હોદ્દા, ભૌતિક સમૃદ્ધિ સાથે, કીર્તિ સાથે ઝાઝી લેવા-દેવા નથી. જીવનની સાર્થકતાનો ખરો સંબંધ માણસ કેટલી માત્રામાં‘જીવ્યો’તેના પર છે.

જીવનમાં આપણે સતત એ જ પ્રયત્નો કરીએ છીએ કે લોકો આપણને ઓળખે અને સાથે સાથે એ પણ પ્રયત્ન કરીએ છીએ કે લોકો આપણને ઓળખી ન જાય. (અને આમ પણ એક માણસ પોતાને પણ પૂરેપૂરો ઓળખતો નથી હોતો તો બીજાને કઈ રીતે ઓળખી શકે!) ડબલ સ્ટાન્ડર્ડ, ડબલ પર્સનાલિટી અને ડબલ માઈન્ડ આપણને ક્યારેય સિંગલ રહેવા દેતા નથી. હોશિયાર હોવું, સ્માર્ટ હોવું એ મહત્ત્વની વાત છે. જિંદગીમાં આજે માણસ આપણને ખબર ન પડે તેમ સંવેદનશૂન્ય થઈ ગયો છે, એની સંવેદના સહેજ પણ ઝંકૃત નથી, એને લાગણીનો પેરાલિસિસ થઈ ગયો છે. આખો દી ત્રાજવામાં તોળાતી લાગણીઓ સરવાળે સસ્તી થઈ જાય છે. સુરેશ દલાલના કહેવા પ્રમાણે મોટા ભાગના માણસોને સફરમાં રસ નથી, સફરિંગમાં રસ છે. માણસ અમુક મનોદશાનો ભોગ બને છે એમાં કેટલાક અંશે એ પોતે જવાબદાર હોય છે. મારા મતે તો પ્રત્યેક સવારને ઈશ્વરની કરુણા સમજીને ઉપકારભાવે આવકારવી જોઈએ. માણસના જીવનમાં Mission, Vision and (એ બંનેને પામવાની) Passion હોવી જોઈએ. મારે મન આત્મિયતા એ જીવનનું સર્વશ્રેષ્ઠ મૂલ્ય છે. જીવનમાં પાયાના ત્રણ સિદ્ધાંત- મહેનત, શ્રદ્ધા અને આત્મિયતા. કોઈ વિદ્વાને કહ્યું છે કે : પરચૂરણ ભલે ગુમ થાય. સોનામહોરો ખોવાઈ જતી હોય તો છો ખોવાય, પણ જીવનમાં પેલાં ત્રણ મોતી કોઈ રીતે ગુમ થવા ન દઈશ- ધ્યેય પ્રત્યેની શ્રદ્ધા, અન્યનું દુઃખ સમજવાની શક્તિ અને આત્મિયતા.

જીવન કંઈ વિતાવવા જેવી ચીજ નથી. મૂર્ખ માણસ જ એને 'Time Pass' ગણી શકે, એ તો જીવવા જેવી, માણવા જેવી અને પામવા જેવી અદ્‌ભુત બાબત છે. (ઘણા લોકો ટાઈમટેબલની બહાર જીવતા જ નથી.) જીવન સાજું, તાજું અને રળિયામણું જીવવા માટેની આપણે મહેનત કરવી જોઈએ. ‘જબ તક જીવન હૈ તબ તક સંઘર્ષ હૈ..’ જીવનમાં હાશ નામનો શબ્દ નથી. જીવન બીજું કંઈ નહીં, પણ આપણે છીએ તેની જાહેરાત છે. જીવનની બધી જ બાબતો લાભાલાભને કારણે તોળવાની ટેવ આજના જમાનાનો અભિશાપ છે. માણસે બીજાઓ કરતાં ચઢિયાતા બનવાની હરીફાઈમાં ઊતરવાને બદલે પોતાને પોતાની જાત કરતા ઉત્કૃષ્ટ બતાવવી તેમાં શ્રેષ્ઠતા રહેલી છે. આપણે બધા નૉબેલ ઈનામ જીતી ન શકીએ, પણ એટલું તો કરી જ શકીએ કે કોઈપણ વસ્તુ ગઈકાલ કરતાં આજે વધુ સારી રીતે કરી શકીએ અને આવતી કાલે તેથી વધુ સારી રીતે કરવાની ઉમ્મીદ રાખી શકીએ. માણસે પોતાના ગજા પ્રમાણે જીવવું જોઈએ. કદાચ આ ગજા પરથી ગજવું શબ્દ આવ્યો હશે.

ઘણીવાર એમ થાય છે કે દુનિયામાં આજે જીવતા-જાગતા સારા માનવીનો કશો જ હિસાબ નથી. પૈસા અથવા સંપત્તિની જ બોલબાલા છે. એમ કહેવાય છે કે પૈસાનું કદ વધે તેમ માણસનું કદ ઘટે, પણ મને ખાતરી છે કે દુનિયામાં ભલે પૈસાને માન મળતું હશે, પણ આદર્શને પણ એટલું જ સન્માન મળે છે. ઘણા માણસો પૈસાદાર હોવાનો દેખાડો કરવામાં ગરીબ થઈ જાય છે. દેખાડો કરીને મોટાઈ જતાવવાનું મૂર્ખાઓને જ સૂઝે. માણસ પૈસા કમાય પછી એ પૈસાના જોરે કીર્તિ ખરીદવા તત્પર હોય છે, પણ એમને ખબર નથી કે કાળ પાસે એવી સૂક્ષ્મ કાતર છે કે એ બધાને સૌ સૌના કદ પ્રમાણે વેતરે છે. માણસ મોટો ન હોય છતાંય એને મોટો કરવામાં આવે, એના નામના બ્યૂગલ ફૂંકવામાં આવે ત્યારે એને પ્રસિદ્ધિનો કાટ લાગતો હોય છે. આપીને મેળવવાની ઈચ્છા રાખવી એને દાન ન કહેવાય. દાનની કિંમત સમર્પણ પર અંકાય છે. માણસ અને માણસાઈનું મૂલ્ય એ વાત પર નિર્ભર થાય છે કે તેના જીવનમાં પૈસા કમાવા, ઘર બાંધવું, ગાડી ખરીદવી કે સફળતા કે પ્રસિદ્ધિ મેળવવી કે કોઈ સંસ્થાના ચૅરમૅન બનવું એ તેના Priority List મૂકે છે કે પછી સંબંધો વિકસાવવા, પ્રેમ કરવા, મિત્રો ઊભા કરવા અને લાગણીઓને સાચી રીતે સાચા માણસ સુધી અને તેનામાં જે કંઈ શક્તિ, ભક્તિ, આવડત, સમજ છે તે સમાજ સુધી પહોંચાડવી તે છે. જીવનના ઑડિટ કરતી વખતે નિખાલસપૂર્વક આ જ બાબતો ધ્યાનમાં રાખવામાં આવવી જોઈએ, કારણકે વ્યક્તિઓને પ્રેમ કરવા નિમિત્તોની જરૂર પડે છે, છોડવા માટે બહાનાંની. આપણે નક્કી કરવાનું છે કે અંત સમયે આપણે શું શું સાથે લઈ જઈશું? આપણા હાથ ખાલી ન હોવા જોઈએ, આપણી સાથે થોડો ઉમળકો, થોડાંક સપનાં, એકાદ આંસુ આપણી અંતિમયાત્રામાં શામિલ હોવાં જોઈએ, કારણકે તે સમયે ક્યાંક ને ક્યાંક આપણે આપણા સ્વજનોમાં વહેંચાઈ જવાના છીએ અને એટલા માટે જ જ્યારે કોઈ તમારી પાસે અપેક્ષાથી આવે તો તેનું દિલ તોડશો નહીં, બહાનાબાજી કરશો નહિ, સેવા માટે મુહૂર્ત જોવા જશો નહીં. તમને નામના મળે કે નામ ના મળે, સદ્‌કાર્ય કરતા જ રહેશો. અને અંતમાં આ ઘણા Difficult Subject પર લેખ લખતાં લખતાં મારા મનમાં કચવાટ સાથે એવી Feeling - લાગણી થાય છે કે... ‘કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ, જો ખુદ નહીં સમજે ઔરોં કો સમજાયા હૈ..’

... તમને આ લેખ વાંચીને આનંદ થાય અનેઊંડા અંધારેથી પરમ..ની Feeling થાય તો મારો ઉદ્દેશ પરિપૂર્ણ થયો એમ હું માનીશ અને મારા માટે એ શ્રમસાફલ્ય.

 

 

 

(કચ્છ ગુર્જરીના માર્ચ ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates