મુઠ્ઠી ઉંચેરા સ્વજનો

મુઠ્ઠી ઉંચેરા સ્વજનો - રાખી બિરજુ ગાંધી, ગાંધીધામ

કહેવાય છે સ્ત્રી એ શક્તિનું સ્વરૂપ છે. અહીં મારે વાત કરવી છે આ જ સ્ત્રી શક્તિનું સ્વરૂપ માંડવીના શ્રીમતી ગીતાબેનઅનિલકુમાર વોરાની. નિવૃત્તિની ઉંમરે તેઓ નિવૃત્ત થયા નથી, પરંતુ પુનઃ પ્રવૃત્ત થયા છે. જીવનને સમાજ સેવાનું લક્ષ્ય આપી, માંડવીમાં સામાજિક, ધાર્મિક, મેડીકલ ક્ષેત્રે તન, મન, ધનથી કાર્યો કરે છે. તાજેતરમાં તેઓને માંડવી સમાજ તરફથી વ્યક્તિવિશેષ એવોર્ડ આપવામાં આવ્યો છે.

એક વિદ્યાર્થીની તરીકે તેઓએ ધોરણ ૧૦માં કચ્છમાં સાતમું સ્થાન પ્રાપ્ત કર્યું હતું તે પછીનો જીવનયાત્રાનો પ્રથમ પડાવ સતત પ્રવૃત્તિમય, જાતજાતની જવાબદારીઓનાં મેઘધનુષી રંગોથી સભર રહ્યો. બાળકો મોટાં થતાં આર્થિક ક્ષેત્રે સહયોગ આપવા તેમણે પોતાની લેડીઝ શોપ પણ શરૂ કરી. વ્યવસાય હોય કે વ્યવહાર, પરિવાર સાથે અડીખમ ઉભા રહી જીવનના બધા ઉતાર-ચડાવ પસાર કર્યા. સાંસારિક જવાબદારીઓ ઓછી થતાં આવ્યો નિવૃતિનો સમય. તેમના બહેન પુષ્પાબેન કાગદીથી પ્રેરિત થઈ તેમણે પણ સમાજ માટે કંઈ કરી છૂટવાનું સપનું સેવ્યું.

આજે તેઓ વિવિધ મેડીકલ કેમ્પ, સિનિયર સીટીઝન ધર્મયાત્રા, ધાર્મિક ગેમ શો, સાધુસાધ્વી વૈયાવચ્ચ જેવાં સુંદર કાર્યો કરે છે. જૈન માઈનોરીટીની સ્ટુડન્ટ સ્કીમનો લાભ જૈન વિદ્યાર્થીઓને અપાવે છે. જેજેસી લેડીઝ વીંગમાં પ્રમુખ, શાસન પુષ્પ ગ્રુપમાં પ્રમુખ અને બીજા મંડળોમાં કારોબરી સભ્ય છે. જૈન સમાજનો જણ જણ અને કણ કણ તેમના સેવાભાવી સ્વભાવથી પરિચિત છે.

આવા કાર્યો કરી તેઓ સંતોષ અનુભવે છે. યુવાનોમાં હોય એવી તાજગી, મનોબળ તેમનામાં જોવા મળે છે. કદાચ સમાજસેવા એમને વારસામાં મળી છે. એમના પિતા ગમતલાલ સંઘવી પણ છ કોટી સમાજ પ્રમુખ અને માંડવીના નગરસેવક રહી ચૂક્યા હતા. આવા જ સુંદર કાર્યોથી આ સેકન્ડ ઈનીંગને એ ઉત્તમ અને સંતોષકારક બનાવતા રહે એવી શુભેચ્છા.

 

 

(કચ્છ ગુર્જરી સપ્ટેમ્બર ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates