મુઠ્ઠી ઉંચેરા સ્વજનો (૨)

મુઠ્ઠી ઉંચેરા સ્વજનો (૨) -

ગં.સ્વ. શારદાબેન પ્રભુલાલ શાહ

ઉ.વ. ૯૧, બેંગ્લોર

આ ઉંમરે પણ તેમને કામ કરતાં જોઈને કહેવું પડે કે‘નોટ આઉટ એટ નાઈન્ટી વન.’

ચૌદ વર્ષે સગાઈ અને લગ્ન. પંદરમેં વર્ષે પિતાનું નિધન. પ્રથમ બાળક કન્યા. જન્મના થોડા દિવસમાં મૃત્યુ. પછી બે છોકરા. બીજા છોકરાનો જન્મ ૧૯ તારીખે અને ૨૦મીએ પતિનું મૃત્યુ. જીવન અને મૃત્યુ. સુખ અને દુઃખની આટલી તીવ્રતા, વિધીની આટલી વક્રતા, અને તે પણ જુવાન વયે અને આજથી ૬૬ વર્ષ પહેલાં, શું વીતી હશે? વ્યક્તિનો ભગવાન અને ભાગ્ય ઉપરથી ભરોસો જ ઉઠી જાય.

બે નાના છોકરા અને વિધવાનો સિક્કો. જવું ક્યાં અને ખાવું ક્યાં? પણ શારદાએ પિયરના નામ‘ખીમીયાવંતી’પ્રમાણે, નાસીપાસ થયા વગર. ખમીરથી જીવનને જીવવાનું શરૂ કર્યું. પૈસાદાર પિયર અને આવી વિકટ પરિસ્થિતિ હોવા છતાં પણ, ત્યાં ન જતા. સ્વમાન અને સ્વબળે, કોઈની શેહશરમ રાખ્યા વગર. પોતાની જેઠાણી સાથે મળીને તે જમાનામાં ખાખરા, પાપડ, અડદિયા વગેરે બનાવીને, આપકમાઈથી છોકરાઓને સાસરિયામાં જ મોટા કર્યા. તે સમયે એવો રૂલ હતો કે સાતમી પાસ કરો તો ટીચરની નોકરી મળે. એટલે બે છોકરાની મા, શારદાબેન ફરી ભણ્યા અને સાતમું પાસ કર્યું પણ ત્યાં પણ નસીબ બે ડગલાં આગળ. ગવર્નમેન્ટ રૂલ ચેન્જ થયો કે હવે મેટ્રીક પછી નોકરી મળશે. ભણતરને મૂક્યો પૂળો અને ગણતરથી આગળ વધ્યા.

મોટા થયેલ છોકરાઓના લગ્ન થયા અને મામાઓએ તેમને પોતાના કારોબારમાં ચેન્નાઈમાં પરોવ્યા. પણ શારદાની પ્રવૃત્તિને કોઈ રોકી ના શક્યું. અહીં પણ તેણે ફોલ બિડીંગ, પાણીના ગરણાં અને ક્રોસીયા વર્કનું કામ કરીને આપકમાઈ ચાલુ રાખી.

મુંબઈના લોકો એક પરામાંથી બીજા પરામાં શિફટ થવા માટે તૈયાર નથી થતા હોતા ત્યારે આજે એકાણું વરસની ઉંમરે. ગામ, રાજ્ય અને ભાષાના બદલાવના ડર વગર ચેન્નાઈથી બેંગ્લોર શિફ્ટ થવું. એડજસ્ટ થવું અને આ એકાણું વરસની નિવૃત્તિની ઉંમરે, પતિ અને પેટના છોકરાઓની ચિરવિદાયનું દુઃખ પચાવીને, વહુ ભારતી સાથે, સુમેળથી અને પોતાના મનોબળ અને સકારાત્મક અભિગમથી પોતાની બધી જ પ્રવૃત્તિઓ ચાલુ રાખી, હસતા હસાવતા જિંદગી ગુજારવી. ખરેખર સન્માનને પાત્ર છે.

આપણામાં કહેવત છે કે જનાર પાછળ જવાતું નથી, પણ એ વ્યક્તિ ખાસ કરીને એક મહિલા જ્યારે આવી પરિસ્થિતિમાંથી જીવતર ઉજાળે છે ત્યારે નતમસ્તક થઈ જવાય છે.

 

 

 

(કચ્છ ગુર્જરી ડિસેમ્બર ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)  

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates