મોગરાની બોગી

મોગરાની બોગી - માલતી શાહ, જામનગર

રેવતી હવે પથારીમાંથી ઉભી થઈ શકતી નથી paraplagiaને કારણે તેના પગ હવે બિલકુલ કામ નથી આપતા. પલંગ જ તેની દુનિયા બની ગઈ હતી. તેનો બેડરૂમ તો મોટો છે. બારી ઘણી છે પણ બહારની દુનિયા સાથેનો તેનો સંપર્ક રહ્યો નથી. બહારના રૂમમાં કોઈ આવે, સુલેખા સાથે વાતો કરીને જતું રહે, તો કોણ હતું તે જીજ્ઞાસા તેને ચેનથી સૂવા પણ ન દે. સુલેખા રૂમમાં આવે ત્યારે તે પૂછ્‌યા વગર ન રહે. મમ્મી બાજુવાળાના કામવાળા બેન હતા, તેમને આપણું ગ્રાઈન્ડર જોઈતું હતું. જાણવાનું જાણી લીધા પછી તેને સંતોષ પણ થાય અને ક્ષોભ પણ થાય. શું આવી નાની જાણકારી મેળવીને તે થોડી બહારની દુનિયા સાથે સંપર્કમાં રહી શકશે?

રાત્રે તો તેને સરસ ઉંઘ આવી જાય છે.  સવારનાં બધાં કાર્યો પતી ગયાં હોય, નાસ્તામાં સુલેખાએ ઉપમા બનાવ્યો હોય, તેને ખૂબ ભાવ્યો. પણ પછી સૌ પોતાના કામમાં મશગૂલ થઈ ગયા હોય. તેને છાપંુ દેવાનું સુલેખા કે રવીશ ભૂલી ગયા. તો હશે, શું કરવાનું? આમ તો તે પોતાની પાસે રાખેલી બૅલ મારે તો બધા આવે, શું જોઈએ છે પૂછી જાય, પણ વિચારે, ના તેઓને ડિસ્ટર્બ નથી કરવા. તેને થતું કે ઉંઘ વગર પણ આંખો મીંચીને પડ્યા રહી શકાય. કદાચ એકાદ ઝોકું આવી જાય અને કોઈ સરસ પતંગિયું સ્વપ્ન બનીને તેની આંખોમાં પાંખો ફફડાવે. તો પતંગિયા સાથે ઘણી દૂર સહેલ પણ કરી શકે. તેણે આંખો તો બંધ કરી પણ તેના કરતાં તે પથારીમાં પડી પડી ખુલ્લી આંખે બારી પર લટકતા રંગીન પડદા જોઈ ખુશ થઈ. ખુલ્લી આંખે આખાય ઘરમાં પથારીમાં પડ્યે પડ્યે જ લટાર મારી લીધી. પોતાનું જ ઘર તેા માટે અજાણ્યું ન બની જાય તેવી તેને ઈચ્છા થઈ હશે. તે પહેલાં પોતાના જ રૂમમાં લટાર મારે તો કેવું. પોતાના રૂમમાં પોતે જ ગોઠવેલી વસ્તુને મન ભરીને નિરખે છે. તેની બર્થ-ડે ગીફ્ટ, વર્ષો પહેલાં રવીશે આપી હતી. તે ગીફ્ટ હતી માટીની ડોલતી ઢીંગલી. પવનના ઝોકે ઝોકે ડાન્સ કરતી આ ઢીંગલીએ તેના મનને ખૂબ જ આનંદ આપ્યો. કલરફૂલ ડ્રેસ, રૂપાળી ઢીંગલી, મન મોહી જ લે એવી, જેવો પંખો ચાલુ થાય કે ઢીંગલી ડાન્સ કરવા લાગે. બધાય રૂમમાં આ રીતે ફરવાની તેની પ્રવૃતિની કોઈને ખબર નથી. તેને કોઈએ રોકવાની તો જરૂર જ નથી. તે ક્યાં ઉભી થઈ શકતી હતી કે પડવાનો ડર રહે. પહેલાં તેણે તેના ડ્રેસીંગ ટેબલ પાસે જવાનું પસંદ કર્યું. તેનું ડ્રેસીંગ ટેબલ ખૂબ જ વ્યવસ્થિત ગોઠવાયેલું રહેતું. ડ્રેસીંગ ટેબલ પરની ધૂળ તેને ખટકે છેઃ કંઈ નહીં હંસાબેન પાસે તે સાફ કરાવી લઈશ. તે ટેબલનું પહેલું ડ્રોઅર ખોલે છે તેમાં બધું જ વ્યવસ્થિત છે. એકવાર રવીશે દાંતિયો શોધવા બધા ડ્રોઅર ફેંદી નાખ્યાં હતાં. ત્યારે તે સહેજ ચિડાઈ ગઈ હતી. ‘મને સહેજ પૂછયું હોત તો.’ અને એની આંખો ભીની થઈ ગઈ હતી. તે ડ્રેસીંગ ટેબલની સામે જ રાખેલા નાના ટેબલ પર બેસીને તૈયાર થવાનું શરૂ કરે. સૌથી ઉપરના ખાનામાં દાંતિયો, નાનકડો અરીસો અને કાજલની ડબ્બી. તેના વાળમાં જરાપણ સફેદાઈ દેખાય કે તે કાજળ વાળી આંગળી ત્યાં ફેરવી દે.

ઘણીવાર રવીશ કહે થોડી થોડી રૂપેરી રેખા સરસ લાગે. પણ તેને તો કાળા વાળ જ ગમતા. નાહીને જ બારે આવી હોય ત્યારે બહુ સુંદર લાગતી હોય. રૂપાળી છે ને? નીચેના ખાનામાંથી પાઉડર કાઢી સહેજ હાથમાં લઈ ચહેરા પર લગાવી દે. એક ખાનામાં કોરા કંકુની વિવિધ રંગની પ્લાસ્ટિકની ડબ્બી હોય, એક નજર પોતે પહેરેલી સાડીના રંગ તરફ કરી તે સાડીને અનુરૂપ રંગનો ચાંદલો કરે. તેા રૂપાળા ગોળમટોળ મોં પર મોટો ચાંદલો ખૂબ જ શોભે. તે આ બધું કરીને વાળ ઓળીને તૈયાર થાય ત્યારે જોનારા ખુશ થઈ ઉઠે અને પોતે પણ ખુશ થઈ ઉઠતી. સેલ્ફ કોન્ફીડન્સથી તેનો ચહેરો વધારે ઉજ્જવળ બનતો. આ બધું યાદ કરતાં આછેરંુ સ્મિત તેા ચહેરા પર સ્થિર થઈ ગયું અને આંખોમાં આંસુ. તેને હવે આ ડ્રેસીંગ ટેબલ પાસેથી ખસી જવું હતું, નહીં તો અરીસા માટે તેની આંખો તરસી જશે, અને આ રૂમમાં અરીસો આપવા કોઈ હાજર નથી. વળી તેને થયું કે તે ડ્રેસીંગ ટેબલ પાસેથી ખોટી ખસી ગઈ. ત્યાંથી જ પોતાના વોર્ડરોબમાંથી પીંક સાડી બ્લાઉઝ કાઢીને પહેરી લીધાં હોત તો? તેણે એક નજર પોતે પહેરેલા ગાઉન પર નાખી અને આંખને ભીની થતી રોકી લીધી. તેણે પથારીમાં સૂતાં સૂતાં જ પ્રભુને હાથ જોડ્યા. પ્રભુ મારી આંખો સાજી રાખીને તેં મને આ રમત રમતાં તો શીખવી, જોકે આ રમત તો તે બંધ આંખોએ પણ રમી શકતી હતી. ક્યારેક ક્યાંય જવાનું ન હોય તો પણ રવીશ વેણી લઈ ખુશખુશાલ ચહેરે ઘરમાં પ્રવેશતો. ‘કેમ આજે વેણી? ક્યાંય જવાનું છે?

‘બસ એમ જ લાવ્યો છું. તું સરસ તૈયાર થઈને મારી સામે બેસજે. વહુ-દીકરી તેા ફ્રેન્ડની પાર્ટીમાં ગયાં છે તો આપણે અહીં આપણી આ નાની બાલ્કનીમાં બેસી આ સામે ઉગેલા લીમડા સાથે વાતો કરીશું. ગાઈશું પણ ખરા. તેણે ધીમે સાદે કોઈ એક ગમતું ગીત ગાવાનું શરૂ કર્યું. તે એક કડીથી વધારે ન ગાઈ શકી. ગળામાં ખરેરાટી બાઝી ગઈ. છેલ્લે તેણે ક્યારે ગાયું હતું? યાદ કરવાની કોશીશ કરી, પણ વ્યર્થ! તેણે પથારીમાં સુતા સુતા જ બાલ્કનીનો ખૂણેખૂણો નિરખવો શરૂ કર્યો. બે ખુરશી સામસામી ગોઠવાયેલી અને વચ્ચે કાચના ટોપવાળી ટીપોઈ.. તેની પરદર્શકતા ખૂબ જ ગમી, સ્ટીલની રેલીંગને કારણે. વરાંડે કોઈ રૂપકડો યુવાન સુટેડબુટેડ તૈયાર થઈને સામે ઉભો ઉભો હાસ્ય વેરતો હોય તેવો લાગે. વરંડાના ખૂણામાં નાનકડી વૉશબેસીન પણ છે. અહીં વરંડામાં બેસીને ક્યારેક સેવ-મમરા, સીંગ-ચણા કે પોપકોર્  ખાધાં હોય તો હાથ ધોવામાં કામ આવે એવી. મોટે ભાગે તો તેઓ બંને સાંજના સમયે વરંડામાં બેસતાં. સાંજનો સમય એટલે સૂર્યાસ્તનો સમય. સૂર્ય આકાશને લાલ, કેસરી, ગુલાબી રંગે રંગતો રંગતો વિદાય લે. વરંડાના એક ખૂણામાં થોડા ફૂલછોડ પણ છે. સુગંધ ફેલાવવામાં તેઓ કોઈ કસર છોડતા ન હતા. વેણી ક્યાં? બે દિવસ પહેલાં વાળેલો ચોટલો ખાસ કંઈ વિંખાયો નથી, પણ વેણી નાખવા જેટલો સુંદર પણ નથી રહ્યો. બધાં જ કામોમાં તે કોઈ સહાયકને કેમ શોધે છે?

તેને થયું, ‘શું તે ક્યાંક ભૂલ કરી રહી છે? શા માટે તે કંઈક સારું વાંચવા માટે ચોપડી હાથમાં નથી લેતી? શા માટે?’ કેટલાં બધાં વરસો પહેલાં તેણે હેલન કેલરની આત્મકથા વાંચી હતી. તેમાં તેણે લખ્યું હતું કે, પ્રભુએ તમને આંખો આપી છે તો બધું ખૂબ જ રસથી આનંદથી નીરખો. પતંગિયાને ઉડતા જુઓ, તમારી આંખો વાટે તેો પીછો કરો, ફૂલોને ખીલતાં જુઓ. ઝાડની ડાળી પર ચડ-ઉતર કરતી ખિસકોલીને જુઓ. પ્રભુએ સર્જન કર્યું છે આ સૃષ્ટિનું. ખૂબ જ ઉલ્લાસપૂર્વક, તમે પ્રભુના આ સર્જનને માણો. ખૂબ માણો. ક્યારેક એવું બને કે, પછીના વરસોમાં આ બધું જોવા માટે તમારી પાસે આંખો ન હોય, કારણ ગમે તે હોય, આંખો તમે ગુમાવી હોય તો, પણ તમે જોયેલું યાદ કરીને તમે તે પ્રત્યક્ષ જોતા હો તેમ જીવી શકો ને? કોયલના મધુર અવાજ સાથે તમને તેનો ચળકતો, કાળો રંગ યાદ આવશે. મોરના ટહુકામાંથી તેની પાંખોમાં રહેલી રંગોની વિવિધતા જો તમે જોઈ હશે તો યાદ આવશે, અને તમે જોઈ નથી શકતા તેનું દુઃખ નહીં રહે.. મારા માટે પણ આવું કંઈક થશે ખરું? અત્યારે પોતે ચાલી નથી શકતી પણ તેનું મન, તેનું મગજ, હાથ બધું સરસ કામ આપી શકે જો તે ધારે તો !

આજે મને આવા સુંદર સુંદર વિચારો કેમ આવે છે? કદાચ આજે સવારે હું સુંદર તૈયાર થવાના મુડમાં હતી તેથી ! મારા મનને કોણે પ્રસન્નતાની છાલક મારી જાગૃત કર્યું? પ્રભુએ જ આ કામ કર્યું લાગે છે. તેણે બે હાથ જોડીને પ્રભુને વંદન કર્યા.

ત્યાં તો હંસાબેન ‘બા કંઈ જોઈએ છે’નો ટહુકો કરતાં તેા રૂમમાં આવ્યા. હા. હંસા આવને અહીં. મારા ડ્રેસીંગ ટેબલના ડ્રોઅરમાં પડેલી તૈયાર થવાની બધી વસ્તુ મને આપ. ચાંદલા માટે કોરો કંકુ, દાંતિયો, પાઉડર, મેશની ડબ્બી અને અરીસો તો ખાસ. હંસા પહેલાં મારું મોઢું લુછવા ભીનો કોરો નેપકીન આપજે. અને હંસા બે. આ પલંગને માથા તરફથી સહેજ ઉંચો કરો. હું થોડો તેના ટેકે બેસી શકું. તેણ મોગરાની વેણી હંસાબેન પાસે મંગાવી, નાખી અને રવીશ આવે તેની રાહ જોવા લાગી.

પાણી પોતાનો માર્ગ શોધી લે છે તેમ હું પણ આનંદીત થઈ કોઈને ઉપયોગી થવાનો, કોઈના હાસ્યનું કારણ બનવાનો માર્ગ શોધી લઈશ. વિચાર્યું, એક વર્ષની આ બીમારીમાં તેા જીવનમાંથી ઘણુંબધું છૂટી ગયું હતું. તેણે તે બધું જ સમેટવાનું આજથી જ શરૂ કર્યું. જે છૂટી ગયું હતું તેનાથી પણ તે અનેકગણું વધારે સમેટવા માંગતી હતી. ઘરના બધા આ નવા સ્વરૂપથી ખૂબ જ ખુશ થયા.

રવીશ કામ પર જતાં પહેલાં તેને પૂછવા આવ્યો, ‘કંઈ લાવું, તારા મટે રેવતી!’ અને તેણે મધુરું હસીને કહ્યું, ‘એક મોગરાની વેણી..’ સુલેખા : સાંજના શું જમશો મમ્મી? તો હસીને તે કહે, શીરો-પુરીને ભજીયા બનાવો, વરસાદ આવે છે ને? અને સાસુ-વહુ બંને હસી પડે છે. ‘મમ્મી વરસાદને તો હજી ઘણી વાર છે.’

‘જો ને મારા હાથ તો વરસાદમાં ભીના થઈ ગયા છે. આપણી કલ્પનાનો વરસાદ તો વરસી શકે ને! લાલ, લીલો, પીળો વરસાદ. તને કેવો રંગ ગમે કહે તો.’

જે ઘરને મમ્મીની બીમારીએ ઉદાસ કરી મૂક્યું હતું તે જ મમ્મીની સુંદર સુંદર વાતોથી સઘળું પુલકિત થઈ ગયું.

‘ઠંડા પહોરે જો આગળ નહીં વધો તો તડકા વખતે હેરાન થશો.’ ટાગોર આમ કહીને એમ જ કહેવા માંગતા કે યોગ્ય સમયે આગળ વધો. તેને થયું હવે તે આગળ વધશે, વધતી જ રહેશે. સત્સંગ માટે આજુબાજુની સ્ત્રીઓ હવે તેને ત્યાં આવે છે. અલકમલકની વાતો અને પ્રભુભજનનો કાર્યક્રમ સરસ ગોઠવાઈ જાય છે. નિશાળમાં રજા હોય ત્યારે આઠ-દસ બાળકોનું ટોળું કિલ્લોલતું તેને ત્યાં ધસી આવે છે. આંટી વાર્તા કરે અને બાળકો ખૂબ જ ખુશ. તેઓ રામ-સીતા, લક્ષ્મણની પણ વાર્તા કરે અને અલી ડોસાની પણ વાર્તા કરે. વાર્તા સાંભળીને ઘરે જતાં છોકરાઓે તે બિસ્કીટ, ચોકલેટ પણ આપે. બાળકો જતાં જતાં પૂછતાં જાય, આંટી કાલે કેટલા વાગે આવીએ? ‘હા. જરૂર આવજો. સસ્મિત કહે...

 

(‘કચ્છ ગુર્જરી’ના એપ્રિલ ૨૦૧૮ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates