મોબાઈલ કથા - દાદીમાની વ્યથા...

મોબાઈલ કથા - દાદીમાની વ્યથા... - રોશની ગૌતમ શાહ, ભુજ

(કાલ્પનિક : નાટ્ય સ્વરૂપ : એક પરિવારનું સવારનું દૃશ્ય)

‘અરે, પિંકી તારો મોબાઈલ લઈ જા. એના ટક-ટક અવાજથી હું માળા પણ શાંતિથી ગણી નથી શકતી.’ શારદાબહેને કહ્યું.

‘હા, દાદી.’ કહેતી પિંકી તેનો મોબાઈલ લેવા માટે દોડી. આજે દાદી શારદાબેનનો જન્મદિવસ છે. ગઈકાલે રાત્રે બાર વાગે બધાએ ભેગા થઈને શુભેચ્છા પાઠવી હતી ત્યારે તેનો મોબાઈલ દાદીના રૂમમાં રહી ગયો હતો. તેણે જોયું ઘણા મેસેજ આવ્યા હતા.

આજે સવારથી પ્રિયા મોબાઈલમાં મેસેજ કરી રહી છે. મમ્મી રેખાબહેન કહી કહીને થાક્યા પણ તે જલ્દીથી તૈયાર થવા માટે જતી નથી.

‘ક્યારની મોબાઈલમાં શું મેસેજ કરે છે?’ પિંકી બોલી. બહેનની વાતનો જવાબ આપ્યા વગર પ્રિયા મેસેજ ટાઈપ કરી રહી. પિંકી બહેનની બાજુમાં મોબાઈલ લઈને બેસી ગઈ. આજે તો ગ્રુપમાં ઘણાના બર્થડે છે. વળી ફઈફુઆનો મેરેજ ડે પણ છે. પ્રિયા મનોમન વિચાર કરતાં એક પછી એક બર્થડે મેસેજ મોકલાવે છે. ફઈ-ફુઆને પણ મેસેજ કર્યો. ગઈકાલે રાત્રે ૧૨ વાગે ફોન ઉપર શુભેચ્છાઓ પાઠવી હતી. યોગાનુયોગ દાદી શારદાબહેનનો જન્મદિવસ અને દીકરી-જમાઈના લગ્નની તારીખ એક જ હતી.

‘અરે કેટલી બધી કેક, આઈસ્ક્રીમ, ગુલદસ્તા મેસેજમાં મોકલી રહી છો. મેસેજ ટાઈપ કરો. વળી સિમ્બોલ શોધો.’ પિંકી ચિડાઈને બોલી.

‘તને શું તકલીફ છે?’ તારી જેમ એક-બે કેક નથી મોકલાવતી. હું તો નવું નવું શોધીને મેસેજમાં મોકલાવું છું.’ પ્રિયા બોલી.

‘આજે ફઈ-ફુઆનો મેરેજ ડે છે તેં મેસેજ કર્યો?’

‘ના. હવે કરીશ.’ પિંકી બોલી.

‘જલ્દી કરી લે. આપણો મેસેજ સૌથી પહેલાં જવો જોઈએ.’

પ્રિયાએ કહ્યું. ‘કેક, આઈસ્ક્રીમ, ગુલદસ્તો બધું જ શોધીને ટાઈપ કરીને મોકલાવજે. તને ક્યાં પૈસા પડે છે કંજૂસ.’ દર વખતે મારો મેસેજ કોપી કરીને ફોરવર્ડ કરશ.’

બંને બહેનોનો વાર્તાલાપ અંદર બેઠા દાદી સાંભળી રહ્યા હતા. માળા ગણીને તેઓ ઘૂંટણમાં બામની માલીશ કરી રહ્યા હતા.

‘બેટા, પ્રિયા આ મોબાઈલમાં કેક, આઈસ્ક્રીમ બધું જ મોકલાવી શકાય? વળી ગુલદસ્તો પણ.’ શારદાબહેને અચરજ સાથે પૂછયું.

‘હા.’ પ્રિયાએ વાત સરખી સાંભળી ન સાંભળીને જવાબ આપ્યો.

‘મારા તરફથી રીના અને રીતેશને લગ્નદિવસની શુભેચ્છા અને આઈસ્ક્રીમ મોકલાવજે. તેને બહુ ભાવે.’ દાદીએ નિર્દોષભાવે કહ્યું.

દાદી વિચાર કરતા રહ્યા. આ મોબાઈલ પણ કેવી વસ્તુ છે. જે હાથમાં લે તે જલ્દી છોડતું નથી. જવાબ પણ સરખો આપતું નથી. ગઈકાલે દીકરી રીનાને ફોનમાં ગુલાબજાંબુ બનાવવાની રીત કહેતા હતા અને ચાસણી કેવી બનાવવી એ કહેતા હતા ત્યાં જ ફોનનો નટ.. શું કહેવાય નેટવર્ક. હા નેટવર્ક ચાલ્યો ગયો. વાત પુરી થઈ નહીં. ગુલાબજાંબુ કેવા બન્યા હશે? ફરી તેનો ફોન પણ આવ્યો નહીં.

‘બંને બહેનો કેટલીવાર થઈ મોબાઈલ લઈને બેઠા છો. પ્રિયા તારે કૉલેજ ડે માટે ડ્રેસ નથી લેવો?’ મમ્મી રેખાબહેને રસોડામાંથી બહાર આવીને કહ્યું. કશુંક યાદ આવતાં તેઓ પણ પોતાનો મોબાઈલ લઈને મેસેજ કરવા લાગ્યા.

‘મારા માટે ચા-નાસ્તો તૈયાર કરજે.’ મનોજભાઈએ પત્ની રેખાબહેનને સંબોધીને મોટેથી કહ્યું અને ઓફીસ જવા માટે તૈયાર થવા લાગ્યા. ‘ચા થર્મોસમાં તૈયાર જ છે અને નાસ્તાના ડબ્બા ટેબલ પર રાખ્યા છે. જરા લઈ લેશો?’ રેખાબહેને કહ્યું અને ફરી મોબાઈલમાં ખોવાઈ ગયા.

‘આ ત્રણે મા દીકરી સવારના પહોરમાં મોબાઈલ લઈને બેઠા છે. સમયનું ભાન જ નથી.’ મનોજભાઈ મનોમન બોલ્યા. તેમણે મોબાઈલ હાથમાં લીધો. બહેન-બનેવીને લગ્નદિવસની શુભેચ્છા પાઠવવા. તેમાં કોઈ સારો વીડિયો મેસેજ આવેલો હતો તે જોવામાં રોકાયા.

‘પ્રિયા, કૉલેજ ડેમાં પહેરવા માટે પીંક કલરનો ગાઉન મોબાઈલ એપ ઉપર ઓર્ડર કર્યો હતો તેની ડિલીવરી આવી કે નહિં?’ પિંકીએ પૂછયું.

‘મોબાઈલથી કપડાં પણ મંગાવી શકાય? અને આ ગાઉન તો રાત્રે પહેરાય?’ શારદાબહેન સૂતાં સૂતાં વિચાર કરતા હતા. આજે તેમને ઘૂંટણમાં થોડી વધારે તકલીફ હતી.

બપોરે જમ્યા બાદ મા જ્યારે રૂમમાં સૂવા ગયા ત્યારે મનોજભાઈએ પૂછયું, ‘આજે માનો જન્મદિવસ છે. કેક મંગાવી કે નહિં?’ ‘હા’મેં ઓર્ડર કરી દીધી છે. સાંજે છ વાગે ડિલિવરી આવી જશે.’ પિંકીએ કહ્યું.

સાંજે બધાએ મળીને ઘરને શણગાર્યું અને તૈયાર થઈને શારદાબહેનને પગે લાગીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. કેક કાપી. સાથે મળીને સેલ્ફી લીધી.

‘પ્રિયા બેટા, તમે જે ગાઉન કાલે કૉલેજમાં પહેરશો એ તો રાત્રે પહેરાય નહિ? અને આ ડિલિવરી, સેલ્ફી આ બધું મને ન સમજાયું. પણ મને બહુ મજા આવી હોં!’ દાદીએ ખુશ થઈને કહ્યું. આ સાંભળી બધા હસી પડ્યા. બંને પૌત્રી દાદીને ભેટી પડી.

આપણે જોઈ શકીએ છીએ, આજના ટેક્નોલોજીના યુગમાં વધતો મોબાઈલનો ઉપયોગ. થોડા સમય પહેલાં ટી.વી. ઉપર જાહેરાત આવતી જેમાં ઘરના દરેક સભ્ય મોબાઈલમાં ખોવાયેલા છે. ચેટીંગ, મેસેજ ટાઈપીંગ ચાલુ છે. ઘરના સભ્યોના હાલચાલ પણ મોબાઈલ ઉપર પૂછવામાં આવે છે. આ તો થઈ મોબાઈલના અતિરેકની વાત. મોબાઈલના લાભ અને ગેરલાભ બંને છે.

જો આપણે સમજીને તેનો સદ્‌ઉપયોગ કરશું તો તે જરૂર ઉપયોગી બની રહેશે. મોબાઈલનો જરૂર પૂરતો ઉપયોગ કરીને સમયને સેવ કરીશું. મનદુઃખને ડિલિટ દૂર કરશું. શુભેચ્છાઓ. સારા સંદેશાઓ ફોરવર્ડ કરશું. અવારનવાર સ્નેહી-સંબંધની ફોન કરી તબિયતના સમાચાર મેળવશું. જરૂર પડે પ્રત્યક્ષ પહોંચી જશું અને મદદરૂપ થશું.

'Have a Good Day !'

 

 

(કચ્છ ગુર્જરીના સપ્ટેમ્બર માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates