મી ટુ?

મી ટુ? - સુષમા કમલેશ શેઠ, વડોદરા (માંડવી)

દરરોજ સવારે નિયત સમયે ડોરબેલ રણકે. ઘરનો દરવાજો ખોલતાં જ સામે હાથમાં મજબુતાઈથી પકડેલ લાંબા મોટા સાવરણા સાથે એક પગમાં ચાંદીનું જાડું કડું પહેરેલા તેના પાતળા પગ ઝડપથી ઘરની ચળકતી ફરશ પર મંડાય તે પહેલાં સસ્તા પર્ફ્યુમની કડક સુગંધ ઘરમાં દાખલ થઈ જાય. નાકના ચઢાવેલ ટીચકા સાથે અપાયેલ ઘરનો ગંધાતો કચરો દરવાજા બહાર રાખેલા અડકવોય ન ગમે તેવા તેના મોટા ડબ્બામાં દરરોજ ઠલવાય. કોઈ વ્યક્તિ કે ઘરની કોઈ વસ્તુને ભૂલથીયે અડકી ન જવાય તેમ સૌને માટે અસ્પૃશ્ય એવી ભંગિયણ ચળકતી નાકની ચૂંક સાથે નીચી નજરે બાથરુમ સંડાસ ભણી ધીમા પગલે જાય અને ચુપચાપ બધું ચોખ્ખુંચણાક કરી, જેમ આવેલી તેમ પાછી વળી જાય. તેનું નામ જાણવાની અમને ક્યારેય જરુર નહોતી જણાઈ. બસ તે હતી અમારા સૌ માટે એક ‘ભંગિયણ.’ કચરો ઊપાડનારીનું કચરા જેટલું જ મહત્વ.

જેવી તનની સાફ તેવી હાથનીયે ચોખ્ખી. એક વાર બાથરુમમાં મળેલ હીરાની વીંટી પરત કરતાં મારા હાથમાં ઊંચેથી વીંટી ફેંકતી બોલેલી, ‘મેલું કામ કરીએ પણ અમારં મન ચોખા હોં બુન.’ પહેલી વાર તેની સામું જોઈ હું મલકાઈ. તેની મારા પરત્વેની વિશ્વસનીયતા દાખવ્યા બદલ આંગળીના વેઢે ગણાય તેટલા રુપિયા તેમજ વધેલું જમવાનું મારી સમક્ષ ફેલાયેલી તેની ઓઢણીમાં ફેંકાયું. મારે પૂજાપાઠ કરવાના હજુ બાકી હતા. 

‘તેની ફરજ એ તો! તેમાં વળી આભાર કેવો?’ મનોમન બોલતાં મેં પીઠ ફેરવી દઈ મારી જાતને તેના આભારમાંથી મુક્ત કરવાના ભાવસહ આશ્વસ્ત કરી. એટલે જ જ્યારે મારે જાત્રાએ જવાનું થયું ત્યારે બીજી કોઈ ચિંતા નહોતી. એ એનું કામ વફાદારીપૂર્વક નિભાવશે તેવી ખાતરી હતી. 

પણ... ચોથે દિવસે હું ગિરીરાજજીની જાત્રા કરી પરત ફરી ત્યારે ગંદા બાથરુમ, ગંધાતા સંડાસ અને ઘરમાં એંઠવાડ ભરેલા કચરાના ડબ્બા જોઈ હું રઘવાઈ થઈ તેને બોલાવવા દોડી ગઈ. જોતાં સૂગ ચઢે તેવી ગરોળીને આરામથી એંઠવાડ આસપાસ ફરતી જોઈ તેને પકડવા મથું તે પહેલા તો એ એક તુચ્છ જીવડું સ્વાહા કરી ક્યાંક સરકી ગઈ. ‘છેવટે તો આ હલકી નકામી જાત.’ હાથમાનું ઝાડુ ફેંકતાં મેં બબડાટ કર્યો.

‘કેમ કચરો નથી ઉપાડ્યો?’ ક્રોધથી તમતમતો તીખો સવાલ ભંગિયણ તરફ હવામાં ફંગોળાયો.

ધીમે રહીને ઊંચકાતી તેની મોટી કાળી પાંપણોમાંથી તણખા ઝર્યા જે ઝીલવા હું અસક્ષમ હતી. તેણે અપલક નેત્રે મારી સમક્ષ જોયા કર્યું પછી જરા અચકાઈને બોલી, ‘તમારા ઘરનો કચરો મારી અંદર ભરી લીધો બુન. આંહીં... પૈહા આપી કેતા’તા ચુપ રે’જે. હવ મું કોને સું કઉં? અમારી જાત નીચી. તમ મોટા માણં. સંડાસમંઈ એસીડ હાથવગું હતું પણ બુન, સાયેબલોક જેવી અમારી હિંમત નૈને.’ અને ધ્રુસકા સાથે જોડાયેલા તેના બે હાથ મેં પકડી લીધાં જાણે માફી તેણે નહિ મારે માંગવાની હતી. તેની ચિબુક ઊંચી કરી ત્યારે પહેલી વાર તેના ચહેરા પરના છૂંદણા તરફ નજર પડતાં મને લક્ષમાં આવ્યું કે તેની મુખાકૃતિ આકર્ષક હતી, તેના ઘટીલા દેહ જેવી જ. ‘શું? કેમ? ક્યારે?’ પૂછવાનો અર્થ નહોતો. એક વરવી કડવી સચ્ચાઈનો વિશ્વાસ કરાવતી તેની મોટી મોટી ભીની આંખોએ ‘મારો માણસ આવું ન કરે’ તેવો મારો અહમ ભાંગીને ચૂર ચૂર નાંખ્યો.

‘હવે હું કોને અને શું કહું? મારા ઘરનો કચરો કયાં ઠાલવું? ઊંચે ઓટલે બેસી તાલ જોયા કરતો આ સમાજ શું કહેશે? નીચું કોણ? એ કે અમે? મારે મારી જાતને, મારા પત્ની ધર્મને સંભાળવો જ રહ્રયો.’ મારા હૈયાને હચમચાવતા શબ્દો હોઠે ન આવી શક્યા. મગજમાં ઊઠતા કેટલાય સવાલો નાગની જેમ ફેણ ઊંચી કરતા રહ્યા અને પછી મારાથી અનાયાસ તેને ભેટી પડાયું. તગતગતી ચાર આંખો લાચારી અનુભવતી કશું જ બોલી નહિ છતાંય બધું સમજાઈ ગયું. કદાચ બંને પક્ષે અનુભવાતી વ્યથા એકસમાન હતી. એ એક નારી. હું એક નારી. ન કોઈ ભંગિયણ ન કોઈ શેઠાણી. બન્ને નિસહાય! હ્રદયભંગી. 

દિશાવિહિન મગજ ફાટફાટ થતું હતું. શું પુરુષ માત્ર...? ઘૃણા ઊપજતી હતી માનવજાત પર. કહેવાતા સમગ્ર ઉચ્ચ સમાજ પર. મારે #મી ટુમાં જોડાવવું કે યુ ટુ!માં? મગજ બહેર મારી ગયું.

પથારીમાં પડી પડી હું દાઝી રહી હતી. તે રાત્રે પલંગમાં મારી સમીપ સરકતા મહેશને ધક્કો મારતાં મારાથી બોલી પડાયું, ‘આઘો હટ! ના અડકીશ મને. ખસીજા પ્લીઝ અને હવેથી કાયમ દૂર જ રહેજે.’ મહેશને ગાલે જાણે થપ્પડ પડી. તે મને આંખો ફાડી જોવા માંડ્યો.

મને લાગ્યું કે હવામાં પેલી તેજ પરફ્યુમની સુગંધ રેલાઈને જાણે મારો આભાર માનતી મને કહી રહી હોય, ‘તમારી ગંદકી અમે સાફ કરી દઈએ બુન. અમારાં તન ભલે મેલા થાય પણ મન ચોખ્ખાં. તમારાં તન ચોખ્ખાં પણ મન...’ 

તે રાત્રે ઊંઘમાંથી ઝબકી જઈ વાતાવરણને હચમચાવતી મારા મોઢેથી નીકળેલી એક બહાવરી ચીસ ઘરની સાવ બહેરી ચાર દિવાલોને અફળાઈને ખૂબ જોરથી ફરી મારા જ કાનોમાં પડઘાઈ. હું નિ:સહાય નહોતી જ.

અને પછી હું બની ગઈ, “અસ્પૃશ્ય.” હાસ્ય રેલાવી, જાણે પેલી ભંગિયણને કહેતી હોઊં “મી ટુ” 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates