મૌનનો મહિમા, અભિવ્યક્તિની મહત્તા

મૌનનો મહિમા, અભિવ્યક્તિની મહત્તા - કીર્તિચંદ્ર શાહ, મલાડ

મૌનનો મહિમા સ્વયમ્‌સિદ્ધ છે. માત્ર ઔપચારિકતા ખાતર મૌન રાખ્યું હોય તેના પણ લાભ મળે. મૌનના ગીત ગવાયા છે, પરંતુ અભિવ્યક્તિની મહત્તા એટલી દૃશ્યમાન થઈ નથી.

બીજી બાજુ અભિવ્યક્તિની અકુશળતા આપણને ખૂંચતી નથી. અભિવ્યક્તિ આપણી હસ્તી, આપણા અસ્તિત્વનું અભિન્ન અંગ છે. એ કુદરતની દેણ છે. ભૂખ, મૈથુન અને ભયની જેમ જ. આપણે સમાજમાં રહીએ એટલે આપણી અભિવ્યક્તિને અને કૃત્યોને ઠંઠારીએ, મઠારીએ ખરા; પરંતુ વ્યક્ત કરવાની ક્ષમતા અને ઉત્કંઠા તો અસ્તિત્વ જ આપે છે.

હું કંઈ વ્યક્ત કરું; દા.ત. ‘હું તને પ્રેમ કરું છું’ કે ‘હું તને ધિક્કારું છું’ તો એ શબ્દો લક્ષ્ય પર પહોંચશે. અર્થ પ્રગટાવશે અને ભાવ પણ જગાવશે. શબ્દો અર્થમૂલક અને ભાવમૂલક હોય છે.

આમ ઝિલાતા શબ્દો, અર્થ અને ભાવ પ્રગટાવતા શબ્દોનું વર્તુળ બને. આમ બનવાની સંભાવનાઓને કારણે આપણે સામાજિક પ્રાણી તરીકે સ્થાપિત થઈએ છીએ. અભિવ્યક્તિના પ્રસાર અને અસરો વ્યાપક હોય છે. એમાં સંવાદિતા છે એટલે કે બહોળા સમુદાયને સમાન અર્થ/ભાવ આપે છે. આપણે, મનુષ્યએ ભાષા અને લિપિ વિકસાવ્યાં છે અને પ્રત્યેક ભાષા પોતીકા બહોળા સમુદાયમાં સમાન ભાવ અને અર્થ જન્માવે છે. એમ સમાજ, કોમ, રાષ્ટ્ર બને છે. આ બધાની નસેનસમાં અભિવ્યક્તિનું લોહી છે.

ભાષા અને લિપિ છે તો સિમ્બોલ. પરંતુ એના દાયરામાં આવનાર સૌને સરખા ભાવ અને અર્થ અને મૂલ્યો આપે છે. પશુપક્ષીઓ પાસે ભાષા અને લિપિ નથી એટલે એમના સંજ્ઞાત્મક અવાજ, ઉડાન અને નૃત્ય મર્યાદિત ક્ષેત્રમાં રહી જાય છે. પશુપક્ષીના સમાજ બનતા નથી.

અભિવ્યક્તિ ભાષામાં હોય, સ્પર્શમાં હોય, શરીરના હાવભાવ અને આંખના હાવભાવમાં પણ હોય. શરીર અને આંખના ભાવોનું ક્ષેત્ર મર્યાદિત રહે છે. જ્યારે બોલાયેલા અને લખાયેલા શબ્દોના ફલક અતિ વિશાળ હોય છે. એવી જ રીતે આપણા કર્મો, કૃત્યો પણ અભિવ્યક્તિ છે. જેના પ્રતિબિંબ અને અસરો વ્યાપક હોય છે. બોલાતા શબ્દોના આરોહ-અવરોહો ભાવાર્થો બદલાવે છે. શાંતિથી બોલાયેલ શબ્દો, ઉંચા અવાજે બોલતા શબ્દો, ઠાવકાઈથી બોલાતા શબ્દો, અર્થોને જુદા જુદા રંગ આપે છે.

ગીત, સંગીત, નૃત્ય, નાટક અને સ્થાપત્ય એ બધું જ અભિવ્યક્તિ છે. જ્ઞાનવિજ્ઞાનની ઉપાસના, સેવાકાર્યો, જપ-તપના મૂળમાં પણ અભિવ્યક્તિ છે. અધ્યાત્મના મૂળમાં પણ જે ખેવના છે તે અભિવ્યક્તિ છે. સમાજના માળખાઓ, રાજકારણ, શિક્ષણ અને ન્યાયપ્રથામાં પણ કોઈની ને કોઈની દેણ છે જે અભિવ્યક્તિ છે.

આપણા અજંપાઓ અને પ્રસન્નતા પણ વકતવ્ય જ છે ને?

આપણા સમગ્ર સમાજ, સમગ્ર સંસ્કૃતિની ઈમારતના પાયામાં અભિવ્યક્તિ જ છે.

પરંતુ અભિવ્યક્તિ કલ્યાણકારક જ હોય એવું ઓછું અને હાનિકારક વિશેષ હોય છે. જનસાધારણની અભિવ્યક્તિ કોઈને કોઈ કષાયમિશ્રિત હોય છે. એમાં ક્રોધ હોય, ઈર્ષા હોય, ગર્વ ઘમંડ હોય, લાલસા અને ભય હોય, આકાંક્ષા અને પૂર્વગ્રહો હોય. ગ્રુપ કે ટોળા અભિવ્યક્તિમાં અજ્ઞાન, મૂર્ખામી અને દૂરાગ્રહ હોય તો એ લોહીતરસી પણ બની શકે. રાષ્ટ્રો પણ ગ્રુપના સ્વરૂપ છે.

માનવ સમાજના લગભગ ૪૦૦૦ વરસના ઈતિહાસમાંથી ૩૭૦૦થી વધુ વરસો લોહીયાળ હતા એમ કહેવાય છે.

અભિવ્યક્તિ આપણને આપણા કેન્દ્રથી દૂર લઈ જાય છે. શું કોઈ અભિવ્યક્તિ એવી પણ હોય જે આપણા કેન્દ્રને, અહ્‌મને ‘હું’ને વિખેરી શકે?

કર્મયોગ અને ભક્તિયોગમાં એવું બને. આવી ઘટના જોકે વિરલ જ હોય.

મૌન આપણને આપણા કેન્દ્રમાં સ્થાપિત કરી શકે. રણનીતિ તરીકે અપનાવેલ મૌન પણ કાર્યસાધક બને. દા.ત. કોલાહલ, કચકચ કે બકવાસ ચાલતા હોય ત્યારે ચૂપ રહીએ તો ખોટા પડતા, મૂર્ખ ઠરતા કે હાંસીને પાત્ર બનતા બચી જઈએ.

વાણી/વાચાના મૌન વખતે પણ આપણા વિચારો ચાલતા જ હોય, ભાવો વહેતા હોય, ચહેરાના અને શરીરના હાવભાવ સુદ્ધાં ચલિત હોય. આ એક સર્વસામાન્ય અનુભવ છે કે, જ્યારે આપણે આપણી સામેની વ્યક્તિ બોલતી હોય ત્યારે પૂરા ધ્યાનપૂર્વક સાંભળવાના બદલે આપણા જવાબો તૈયાર કરતા હોઈએ છીએ. પ્રતિભાવ ગોઠવતા હોઈએ છીએ.

મૌનનો ઉચ્ચતર તબક્કો છે- લાગણીઓ, ભાવનાઓ, વિચારોની ઉછળકૂદ શાંત કરવી. યાંત્રિક રીતે આમ કરવા જતાં દમન થાય.

ભાવનાઓ, લાગણીઓના સ્વરૂપ બદલાવી શકાય. ક્રોધને બદલે ક્ષમા, પોતાના વિચારને બદલે સામેના પક્ષના વિચારોને આવકાર, એમ થઈ શકે. સામે પક્ષે પૂર્વગ્રહ હોય, આવેશ હોય તો તેવા ભાવ/ આવેશોને વ્યક્તિથી જુદા કરીને જોઈ શકાય. મનુ ખુલ્લું રાખીને, મોકળું રાખીને સાંભળી શકાય. કોઈ આપણા સંપ્રદાય, કોમ કે દેશ માટે ઘસાતું જ બોલે ત્યારે ભલે એ વિચારો અપનાવીએ નહિ પરંતુ ખુલ્લા મનથી સાંભળીએ. એ બની શકે.

આ રીતે વાણીનું અને ભાવનાઓનું મૌન સધાય.

તર્ક, બુદ્ધિ અને ચિત્‌ની સમગ્ર દશા વિખેરાઈ જાય એવી દશા સમાધિની છે. ભલે એ ટૂંકા ગાળાની કે લાંબા ગાળાની હોય પણ એ શ્રેષ્ઠતમ દશા છે.

એ અષ્ટાંગયોગ દ્વારા કે સ્વયમ્‌ ખિલવેલી પદ્ધતિ દ્વારા કે વિપશ્યના દ્વારા પ્રાપ્ત કરી શકાય. સમાધિઅવસ્થાની વાત કોઈના મનોરંજનની વાત નથી. આ ભૂમિમાં કેટલાએ સાધકોએ એ દશા પ્રાપ્ત કરી છે. એના પર આપણો ઈજારો નથી. પણ એના સંસ્કારબીજ અહીં-ભારતવર્ષમાં વધુ વેરાયા છે, વધુ પથરાયા છે.

સંગીતની સાધના કરનારાઓમાંથી કોઈકને આવા અનુભવ થાય છે. સંગીતસામ્રાજ્ઞી માસુબ્બાલક્ષ્મીએ એક ઈન્ટરવ્યુમાં કહેલું કે સંગીતની સાધના કરતાં કરતાં એમને સમાધિભાવનો અનુભવ થાય છે.

તો એક Rap Musicના બડેખાંનો ઈન્ટરવ્યુ રિડર્સ ડાઈજેસ્ટમાં છપાયેલો, જે મેં વાંચેલ છે. એણે કહ્યું કે સંગીતના લય-ધ્વનિઓ વચ્ચેની જે શાંત ક્ષણો હોય છે એ અલૌકિક સંગીત છે.

 

 

(કચ્છ ગુર્જરીના ઓક્ટોબર-નવેમ્બર માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates