'ન બોલવામાં નવ ગુણ' કહેવત તો સૌ એ સાંભળી જ હશે. કોઈ બડબડીયા પાછી વિરોધી કહેવત વિચારે... જી હાં, 'બોલે તેના બોર વેચાય'. કહેવત તો બને સાચી... પણ અલગ અલગ પરિસ્થિતિ માં.. રોજબરોજની જીવનશૈલીમાં, પરિવાર માં, અમુક સંજોગોમાં, અમુક સમયે જો મૌનનું હથિયાર વાપરતા આવડે તો કેટલાય સંબંધો કડવાશના ઘૂંટડાથી બચી શકે, પરિવારો અને મન તૂટતા બચી શકે.
લોકડાઉનમાં 'મહાભારત'ફરી જોવાની મજા પડી. કદાચ દ્રૌપદીનું એક વાક્ય 'અંધે જાયા અંધ' એટલે કે 'આંધળા ના પુત્ર આંધળા' મહાભારત માટે નિમિત્ત બન્યું. સંસારમાં કોઈને કોઈ રીતે પરિવાર, મિત્રો કે અન્ય વ્યક્તિથી અણગમો થાય, બોલાચાલી થાય ત્યારે વાણીનો ઉપયોગ સંયમથી થાય તો નાના ઝગડા, મોટા મતભેદનું કારણ બનતા અટકી શકે.
શાસ્ત્રોમાં કહ્યું છે કે 'જય ભાસે' અર્થાત જતનપૂર્વક બોલો. કોઈના મનને ઠેંસ પહોંચે તેવું ન બોલો. જો સારું ન બોલી શકાય તો મૌન અપનાવો. મૌન કોઈ પણ મતભેદને પૂર્ણવિરામ આપી શકે છે. બોલતા પહેલા સો વાર વિચારો. કોઈ પણ શબ્દથી કોઈનો અહમ ઘવાય તો પછી તે સંબંધ 'એક સાંધતા તેર તૂટે' એવો થઈ જાય છે.
કહેવાય છે કે 'તલવારના ઘા રૂઝાય છે, પણ વાણીના ઘા રૂઝાતા નથી 'કોઈ પણ જગ્યાએ સંઘર્ષ ઉભો થતો લાગે, ત્યારે વાણીમાં વિવેક કેળવવો. જૈન ધર્મમાં પણ વચન ગુપ્તિનો ઉલ્લેખ છે. કહેવાય છે કે મનુષ્ય બોલવાનું 2-3 વર્ષે શીખી જાય છ, પણ ક્યાં ચૂપ રહેવું એ શીખતાં કદાચ જિંદગી નીકળી જાય છે.
સાચું શુ, ખોટું શું, ઈશ્વર પર છોડી દો. ખાલી સબંધો સાચવવા નહિ, પણ ખુદના માટે, આત્મિક શાંતિ માટે, મૌન કેળવી જોજો, જીવન મધુર બની જશે!
જૂઠ તો ખુદા કો ન ભાયે,
સચ કભી કડવા હો જાયે,
'મૌન' કે શસ્ત્ર સે તું
ખુશીઓ કે દરવાજે ખોલ,
અગર બોલના પડે તો ભી,
તોલ મોલ કે બોલ..
તોલ મોલ કે બોલ..