માતૃભાષાનું મહત્ત્વ

માતૃભાષાનું મહત્ત્વ - ચંદ્રા દિલીપ ઝવેરી, અર્નાકુલમ (કોચીન)

જરૂરિયાત પ્રમાણે અને અનુકૂળતા હોય, તક મળે અને નવી ભાષા શીખવાની ધગશ હોય તો વ્યક્તિ ઈચ્છા મુજબ ઘણી ભાષાઓનું જ્ઞાન મેળવી શકવા સમર્થ હોય છે. પોતાની માતૃભાષાની સાથે ભારતની કે વિદેશની અન્ય ભાષા ઘણી વ્યક્તિઓ ખૂબ જ સરળતાથી શીખી લેતી હોય છે. એ જ રીતે આપણે પણ વિદેશોમાં કે ભારતના અન્ય રાજ્યોમાં વસવાટ કરતા હોય, વ્યક્તિનો જન્મ જ અન્ય રાજ્યમાં થયો હોય, તેમ છતાં શાળામાં જે તે રાજ્યની ભાષા સાથે બાળકને એલ.કે.જી. કે યુ.કે.જી.થી જ એબીસીડીની સાથે આપણી માતૃભાષા શીખવવાની શરૂઆત કક્કો, બારાખડીથી કરવી જોઈએ. બાળકો એક સાથે બે. ત્રણ ભાષા સરળતાથી શીખી શકે છે. બાળક સ્કૂલમાં જાય છે ત્યારે તેને ઘરમાં બોલાતી માતૃભાષા જ તે સમજી શકે છે છતાં પણ જે તે રાજ્યની ભાષામાં થોડા સમયમાં બાળક વાતચીત કરતું થઈ જાય છે તેથી બાળપણમાં જ માતૃભાષા શીખવવાનું શરૂ કરાય તો જ બાળક લખતાં વાંચતાં શીખી શકે. બાળપણમાં શીખેલી ભાષા જીવનપર્યંત ભૂલાતી નથી.

થોડું આગળ વિચારીએ તો ગુજરાતી સાહિત્યમાં બાળસાહિત્યનો અખૂટ ભંડાર છે. આવાં પુસ્તકો, નાની વાર્તાઓ, બોધ આપતી વાર્તાઓ જોડકણાં આ બધું બાળક રસપૂર્વક વાંચશે. આમ ગુજરાતી ભાષા પ્રત્યેનો રસ બાળકોમાં વિકસાવી શકાય. થોડા મોટાં બાળકો માટે શબ્દરમત એટલે કે ક્રોસવર્ડ જેવી રમતો ખૂબ ઉપયોગી સાબિત થાય. આ શબ્દરમત દ્વારા બાળકો અને મોટાઓમાં પણ ગુજરાતી ભાષાનું શબ્દભંડોળ વધારવાનો ઉત્તમ માર્ગ છે. દરેક ગુજરાતી માટે આ જરૂરી છે. આપણા ગુજરાતી સામાયિકોમાં પણ આ શબ્દરમત જેવી સ્પર્ધાઓને સ્થાન આપવું જોઈએ એવી મારી માન્યતા છે.

સ્કૂલમાં જ ગુજરાતી ભાષાનું શિક્ષણ મળે એવી વ્યવસ્થા ગુજરાતની બહાર વસતા ગુજરાતીઓ માટે શક્ય નથી હોતી તેથી અલગથી ભાષા શીખવવા માટે ટ્યુશન દ્વારા અથવા ઘરમાં પ્રયત્ન કરવા જરૂરી બને છે. સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ માટે અન્ય ભાષાને મહત્ત્વ આપવું એ બાબત ભવિષ્યનાં ઘડતર માટે જરૂરી બને છે પણ માતૃભાષાને ભૂલી ન જવાય એવી ઘરનાં સભ્યો કાળજી રાખે તો બાળક ગુજરાતી લખતો વાંચતો થઈ શકે છે. પોતાની ભાષા માટે આટલું તો દરેક પરિવાર કરી જ શકે છે, કે જેથી માતૃભાષાનું ગૌરવ અવશ્ય જાળવી શકીએ.

‘ન પૈસાનો ઘમંડ છે, ન નામનો ઘમંડ છે,

ગુજરાતીને ત્યાં જન્મ થયો છે,

ગુજરાતી હોવાનો મને ઘમંડ છે.’

જીવનપર્યંત દરેક ગુજરાતીને ગુજરાતી હોવાનું ગૌરવ હોવું જોઈએ. પોતાની માતૃભાષાના વિકાસથી આપણી સંસ્કૃતિ અને દેશનો વિકાસ થાય છે. ‘અનેકતામાં એકતા’સૂત્રને સિદ્ધ કરવા માટે અન્ય ભાષાઓ શીખવાની સાથે માતૃભાષા શીખવી અનિવાર્ય છે. ભારતનાં રાજ્યોનાં અલગ અલગ તહેવાર, રીત-રિવાજ, પહેરવેશ, ખાણીપીણી બધું જ અપનાવીએ છીએ. વિદેશનું પણ ઘણું અપનાવ્યું છે. ‘સાલમુબારક’ના બદલે આપણે ‘હેપી ન્યુ યર’ કહીએ છીએ. નાતાલ (ક્રીસમસ) ઉજવીએ છીએ. ફાધર્સ ડે, મધર્સ ડે, ફ્રેન્ડશીપ ડે, વેલન્ટાઈન ડે આ બધું અપનાવ્યું છે. એ બતાવે છે કે વિશ્વ આખાની સંસ્કૃતિનું માન જાળવીએ છીએ. એ વિશ્વ માનવ પ્રત્યેનો અન્યોન્ય માટેનો પ્રેમ પ્રદર્શિત થાય છે એ સારી વાત છે. પણ સાથે આપણી સંસ્કૃતિ અને માતૃભાષાની અવગણના તો ન જ થવી જોઈએ.

ઘણા માણસો પોતાનું બાળક અંગ્રેજી ભાષા ફટાફટ બોલે છે, ગુજરાતી ભાષા નથી આવડતી તે માટે જાહેરમાં પ્રદર્શન કરી ગૌરવ લેતા જોવા મળે છે પણ આ ગૌરવની નહીં શરમની વાત છે. માતૃભાષામાં બોલતાં, વાંચતાં, સમજતાં આવડવું જોઈએ એવો આગ્રહ આપણે રાખવો જોઈએ. ઘરમાં ગુજરાતીમાં જ વાત કરવી, દરેક ગુજરાતીએ અરસપરસ ગુજરાતીમાં જ વાતચીત કરવી એવો નિયમ દરેક રાખે તો આપણી સંસ્કૃતિ, માતૃભષાને પ્રગતિનાં પંથે આગળ વધારવા માટેનો અમૂલ્ય ફાળો આપવાનો અવસર મળશે. આપણી માતૃભાષા નામશેષ થતી અટકશે, ભાષાનો રકાશ થતો અટકશે. ગુજરાતી સંસ્કૃતિ અને ભાષાનો વિકાસ કરવો એ દરેક ગુજરતીની ફરજ છે.

માતૃભાષા સાંભળવાથી મન આનંદિત થઈ જાય છે. દિલની લાગણી, ભાવ, વિચારો પોતાની ભાષામાં સમજવાનું અને વ્યક્ત કરવાનું સહેલું બને છે. માતૃભાષા ન આવડે તો વ્યક્તિ પોતાના સમાજ, ધર્મ અને સંબંધો-સંસ્કૃતિથી ધીમે ધીમે અલગ થતો જાય છે અને અન્ય ભાષામાં પણ સહજતા નથી કેળવી શકતો. આવી વ્યક્તિ ‘ધોબીનો કૂતરો ન ઘરનો ન ઘાટનો’ જેવી સ્થિતિમાં મૂકાઈ જાય છે. ગુજરાતી ભાષા અને સંસ્કૃતિનું મહત્ત્વ એક ગુજરાતી તરીકે સમજવું જરૂરી બને છે. દરેક ગુજરાતીએ નિયમ લેવો જોઈએ કે આપણે આપણા વારસદારોને ગુજરાતી ભાષા અને સંસ્કૃતિનો અમૂલ્ય વારસો આપીને જ રહીશું. આ ગુજરાતી વ્યક્તિ તરીકેની આપણી શાન છે. ગુજરાતનું ગૌરવ છે. ‘જય જય ગરવી ગુજરાત’

સપ્ટેમ્બર-૨૦૧૫નાં ૧૦, ૧૧ અને ૧૨ તારીખે ભોપાલમાં વિશ્વ હિન્દી ભાષાનું ૧૦માં સંમેલનનું ઉદ્દઘાટન કરતાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું હતું કે ‘પોતાની ભાષાનું સંવર્ધન કરવું એ દરેક પેઢીની જવાબદારી છે.’

 

 

 

(કચ્છ ગુર્જરી ફેબ્રૂઆરી ૨૦૨૦ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)  

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates