માતા પિતાનું સહઅસ્તિત્વ

માતા પિતાનું સહઅસ્તિત્વ - રોશની ગૌતમ શાહ, ભુજ

પિતા નામની હસ્તી જે સદા સંતાનો માટે છત્ર-છાયા બની રહે છે, સંરક્ષક બની રહે છે, તેમના સ્નેહનો સરવાળો કરવાનો પ્રતિકાત્મક દિવસ એટલે ફાધર્સ ડે સ્મરણ દિન. બાકી તો ‘ફાધર્સ ડે’હોય કે ‘મધર્સ ડે’એ ફક્ત એક દિવસ પુરતું નથી, પણ દરેક દિવસ આપણા માટે ‘ફાધર્સ ડે’‘મધર્સ ડે હોય છે. માતા-પિતાને સંતાનરૂપી અમૂલ્ય ભેટ મળે છે તેમ સંતાનોને પણ પરમપિતા તરફથી માતા-પિતા રૂપી શ્રેષ્ઠ ભેટ મળે છે, જેની કોઈ તુલના નથી.

અહીં વાત કરશું માતા-પિતાના સહઅસ્તિત્વની. માતા જનનીની જોડ નહીં જડે એમ પિતા પણ છે અજોડ. બંનેમાં કોણ વધુ મહત્ત્વનું છે? કોણ વધુ મહાન છે? એ પ્રશ્ન અસ્થાને છે. મા કદી પિતાનું સ્થાન નથી લઈ શકતી અને પિતા કદી માતાનું સ્થાન નથી લઈ શકતા. મા દિલથી વધુ વિચારતી હોય તો પિતા દિમાગનો ઉપયોગ વધુ કરતા હોય, પણ પોતાના સંતાન પ્રત્યે તેમના હૃદયની લાગણી એકસમાન હોય છે. પિતા, માતા જેટલા વ્યક્ત નથી થઈ શકતા. તેઓ આસાનીથી રડી નથી શકતા. પોતાના હૃદયમાં ઘણું બધું દબાવીને રાખે છે. આપણા માટે માતા સ્નેહનું ઝરણું છે તો પિતા સ્વતંત્રપણે નિર્ભયતાથી વિહરવા માટેનું આકાશ છે. સંતાનોના દુઃખમાં માંની આંખોમાં અશ્રુ પ્રત્યક્ષ જોઈ શકાય છે જ્યારે પિતા સંતાનો સામે ક્યારે પણ કૂણા-નબળા પડતા નથી. તેઓ પોતાના આંસુ હૃદયમાં સમાવી લે છે. અંદરથી નરમ અને ઉપરથી સખત દેખાતા પિતા કઠોર બનીને પણ સંતાનોનું ઘડતર કરે છે. એક સફળ અને સશક્ત વ્યક્તિ તરીકેનું ચણતર કરે છે. એક પિતા જ સંતાનો માટે કલ્પવૃક્ષ કે કામધેનુ છે. જે તેમની દરેક ઈચ્છા, દરેક માગણીને પૂરી કરવાની કોશિશ કરે છે, પણ પોતાની વ્યક્તિગત તકલીફ, દુઃખને તેમના સુધી પહોંચવા નથી દેતા. માતાના ખોળામાં હૂંફ છે, પિતાના સાનિધ્યમાં નિડરતાનું વાવેતર છે. બાળક જીવનમાં પડશે, હારશે તો માની મમતા તેને પંપાળશે પણ પિતાની મમતા કઠોર બનીને, ઠપકારીને તેને ઉભો કરી આગળ ચાલવા, આગળ વધવા ફરી ફરીને પ્રેરિત કરશે જેથી જીવનમાં આવનારા સંકટો- પડકારોનો સામનો નિડરતાથી, હિંમતથી કરી શકે.

મા બાળકને કેડે ઉપાડે, પિતા નાનપણમાં બાળકને પોતાની પીઠ ઉપર બેસાડી ઘોડો બની રમાડે અને અપ્રત્યક્ષ સમજાવે- તું નિરાશ ન થજે, હતાશ ન થજે, તારી સાથે આ મજબૂત પીઠબળ છે, તારે પણ મજબૂત બનવાનું છે. માતા-પિતા માટે દીકરો કે દીકરી બંને માટે એકસરખો પ્રેમ હોય છે, પણ દીકરીના દિલમાં પિતા માટે અનોખું સ્થાન હોય અને પિતાના હૃદયમાં પણ દીકરી માટે વિશેષ વ્હાલ હોય છે. કારણ, તેઓ જાણે છે કે તે હમેશાં પોતાની સાથે નથી રહેવાની. સમય થતાં દીકરી સાસરે જશે. એ વિષાદ તેમને કમજોર બનાવે છે. કદાચ એટલે જ તેઓ દીકરીને હથેળીમાં રાખે છે. જેમ-જેમ તે મોટી થાય છે તેમ તેની કહેલી દરેક વાત માને છે. દીકરી પણ પિતાને મીઠો ઠપકો આપી તેની કાળજી લે છે. બાળક માટે પિતાની હાજરી સૂર્ય સમાન છે, જો તે ન હોય તો બાળકના જીવનમાં અંધારું છવાઈ જાય છે. પિતા એક પહેલી છે. જેને સમજવી મુશ્કેલ છે, તે તો પિતા બનવા દ્વારા જ સમજી શકાય માટે પપ્પાને સમજવાની માથાકૂટ છોડી તેમને ફક્ત પ્રેમ કરીએ.

આજે આપણા દેશમાં ઘણા એવા તત્ત્વો છે, એવા વ્યક્તિત્વ છે જે પોતાના દુર્વ્યવહાર દ્વારા પિતાની છબીને કલંકિત કરે છે. જે દુઃખની વાત છે. જેના વિરોધરૂપે ઘણા સરકસ નીકળે છે. પરિસ્થિતિ સુધરે તો દેશનું વાતાવરણ પણ સ્વચ્છ, સુઘડ રહે અને દેશના નાગરિક નિડરપણે, નિશ્ચિંત રીતે રહી શકે. આપણે ગમે તેટલા મોટા થઈ જઈએ તો પણ માતા-પિતા કરતાં મોટા થઈ શકવાના નથી. એકવાર આપણા માતા-પિતાને સલામ ભરીએ અને પરમપિતાને પ્રાર્થના કરીએ કે તેમનું ઋણ ચૂકવવા સામર્થ્ય બક્ષે.

 

 

 

(કચ્છ ગુર્જરીના ડિસેમ્બર માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates