માતાની મનોકામના

માતાની મનોકામના - રોશની ગૌતમ શાહ, ભુજ

સ્ત્રી, અકે  દીકરી છે વહુ છે પત્ની છે તાે અ  માતા પણ છે નારીનાં વિધવિધ રૂપ. પણ જ્યારે સ્ત્રી માતા બને છે ત્યારે તે પોતાના અસ્તિત્વને સંપૂર્ણ થયું માને છે. દરેક માતાને પોતાનું સંતાન વહાલું હોય છે. હંમેશાં તેમનું હિત ઈચ્છતી હોય છે. આજના આધુનિક હરીફાઈના યુગમાં પોતાના સંતાનો પણ પ્રગતિ કરે એવી ઈચ્છા દરેક માતાની રહે છે. એક મા જે પોતાના સંતાનોની વધુ નિકટ હોય છે, તે તઓને ભણતર સાથે અનેક બીજી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે છે તે માટે જરૂરી ભાગ-દોડ પણ કરે છે. પોતાના ઘરકામમાંથી સમય ફાળવીને તે સંતાનો માટે શક્ય એટલો ભોગ આપવા તત્પર રહે છે.

આજના ટેક્નોલોજીના યુગમાં જેમ સગવડતા અને સુવિધાઓ વધી તેમ વ્યક્તિ પોતાની જીવનશૈલીને વધુ ઉચ્ચ અને સાધનસંપન્ન બનાવવા માટે આર્થિક ઉપાજર્નના ક્ષેત્રે, તેમજ અન્ય માહિતીના ક્ષેત્રે વધારે વ્યસ્ત બનતો ગયો છે. આ દોડધામભરી જીવનશૈલી, તેમજ વાહનવ્યવહાર સંબંધિત નિયમોની અવગણના કરવી, જે વ્યક્તિના જીવનને દાવ પર લગાડી દે છે. બેફામ ચલાવતા વાહન ચાલક, વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરે છે જેના કારણે અકાળે વ્યક્તિ મોતના મુખમાં ધકેલાઈ જાય છે. આવા સમયમાં ઘરમાં રહેલા વડીલો અને માતા-પિતાને પોતાના સંતાનોની ચિંતા થવી ઉચિત છે. પછી તે નિશાળે જતું સંતાન હોય કે પછી કામ પર જતા વયસ્ક સંતાન હોય. તેઓ ઘેર ન પહોંચે ત્યાં સુધી તેમની ચિંતા રહે છે. પુલવામામાં જ્યારે આંતકી હુમલો થયો ત્યારે એ શહીદોની માતા, પત્ની, પરિવારની શું માનસિક દશા થઈ હશે. એ આપણે સહુ સમજી શકીએ છીએ. તેઓ માટે એકતરફ ગર્વની લાગણી હશે તો બીજી તરફ પોતાના સંતાન જે શહીદ થયા તેમની ખોટ કોઈ પૂરી નહીંકરી શકે એ વ્યથા હશે. ઘરની હદ મૂકી સરહદ ઉપર જવું સહેલુંં નથી. એ જવાનો દેશની રક્ષા માટે જાગે છે ત્યારે આપણે શાંતિથી ઉંઘી શકીએ છીએ. આપણે કેન્ડલ માર્ચ દ્વારા અને સ્વેચ્છાએ બંધ પાડીને એ શહીદોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ, પણ જે પરિવારના તેઓ સભ્ય છે તેમના જીવનભરના ખાલીપાને નહીં ભરી શકીએ. એ શહીદો માટે આપણને ગર્વ છે. જે દેશની રક્ષા કાજે સરહદ ઉપર તૈનાત છે એ વીર જવાનોને સલામ છે. દેશની સુરક્ષા માટે પોતાના સંતાનોને વિરતા અને શહીદીના પાઠ ભણાવતી એ માતાને પણ સલામ છે. બીજી તરફ પરિસ્થિતિ વશ અથવા અન્ય પ્રલોભનોના કારણે પોતાના સંતાનો વિદ્રોહી, આતંકી બને ત્યારે એ માને પણ જરૂર સંતાપ થાય છે.

આજે સ્ત્રી સશક્તિકરણનો માહોલ છે. સ્ત્રીદરેક ક્ષેત્રમાં આગળ છે. તેમ છતાં પણ આપણી દીકરી સંપૂર્ણપણે સુરક્ષિત નથી. અમાનવીય વર્તન કરનારા, અસામાજિક તત્વો એવા જડ વ્યક્તિઓથી સાવધ રહેવું પડે છે. દીકરીની મા સતત ઉદ્‌વેગમાં જીવતી હોય છે. આવા સમયે વ્યક્તિએ પોતે અને પોતાના સંતાનોને સ્વ-રક્ષાના પાઠ શીખવવા જરૂરી બને છે. સમાજમાં બનતી આવી આકસ્મિક, અમાનવીય ઘટના કે પછી દેશના વીર જવાનોની શહીદીની ઘટના- દરેક વખતે એક માતા, પત્ની અને પરિવારના સભ્યોની મનઃસ્થિતિ ઘણી જ દુઃખદ હોય છે. કદાચ નિમ્ન અને જડ-રૂઢિચૂસ્ત સમાજમાંથી આવતા લોકોની આવી માનસિકતા વિકસિત થતાં સમાજ માટે, દેશ માટે ક્યારેક અવરોધરૂપ બને છે.

માતા જ્યારે બાળક નાનું હોય ત્યારે તેને ઘોડિયામાં સુવડાવી હિચકાવે અને સાથે સાથે હાલરડાં ગાતી જાય. એવું એક હાલરડું... એ પંક્તિ.

‘તમે મારા દેવના દીધેલ છો, તમે મારા મનના માનેલ છો.

આવ્યા ત્યારે અમર થઈને રો’!..

આ હાલરડું એવી માતાના હૃદયમાંથી વહેતું થયું હશે જેને ઘણા દેવ-દેવી પૂજ્યા બાદ સંતાન પ્રાપ્તિની મનોકામના પૂરી થઈ હશે. માટે તે અમરત્વની માગણી બાળક માટે કરે છે. એક માતાનું હૃદય જ આવી અશક્ય માંગણી કરી શકે જે હાલરડું પ્રાર્થનાની કક્ષાએ પહોંચી જાય છે. દરેક માતા પોતાના સંતાન માટે દીર્ઘાયુષ્ય માગે છે. બાળક સ્વસ્થ, સદ્‌ગુણી અને સમાજની સારી વ્યક્તિ તેમજ દેશનો સારો નાગરિક બને એ જ દરેક માતાની મનોકામના હોય છે. ઈશ્વર તેઓની મનોકામના પૂર્ણ કરે.

 

 

(કચ્છ ગુર્જરી સપ્ટેમ્બર ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates