મારી મહત્ત્વાકાંક્ષા

મારી મહત્ત્વાકાંક્ષા - ધ્વની ગિરીશ સંઘવી, અંજાર

પ્રસ્તાવના : આજના માણસોની જે જે મહત્ત્વાકાંક્ષાઓ છે તેમાં સૌથી અગ્રીમ પૈસા અને સત્તા છે. જેમાં પછી તેના માટે કંઈ પણ કરી શકે છે અને આમાં તેણે આ દુનિયામાં શેના માટે અવતર મળ્યો છે તે ભૂલી જવાય છે.

આ ઉપરાંત માણસની જે ભોગવિલાસવૃત્તિ છે જેમાં પોતાને જીવન સારી રીતે જીવવા અન્ય કેટલાની જિંદગીનો ભોગ તે લઈ લે છે તેની તેને ખબર કે ભાન નથી રહેતું.

આ ઉપરાંત આજની વ્યક્તિઓને પૈસા અને સત્તાનું આકર્ષણ ઉભું થયું પણ એટલા માટે જ છે કારણ કે તેની બાહ્ય જગત તરફની દોડ છે અને આજે વિશ્વમાં કોઈને ગાંધીજી કે સ્વામી વિવેકાનંદ કે અબ્રાહમ લિંકન નથી બનવું પરંતુ માત્ર ધનવાન અને સત્તાવાન બનવું છે કારણકે આજની દુનિયાના લોકો મહત્ત્વ જ સત્તાવાન કે ધનવાનને આપે છે. તેથી દુનિયા ગાડરીયા પ્રવાહની જેમ આગળ વધે છે.

આવા આ યુગમાં મારી મહત્ત્વાકાંક્ષા ‘માનવ’ બની વિશ્વના દેશના, સમાજના લોકોને‘માનવ’ બનવા પ્રેરિત કરવાની છે. તેથી મેં આ વિષય પસંદ કરી મારી અભિવ્યક્તિ રજૂ કરેલ છે.

***

If you can't be a 'Superman'

Just be a 'Richman.'

If you can't be a 'Richman'

Just be a 'Gentleman'

If you can't be a 'Gentleman'

Atleast Just be a 'man'.

***

આજનો દરેક માનવ ઈચ્છાઓ અને મહત્ત્વાકાંક્ષાઓથી ભરપુર છે. કોઈને C.A., C.S., M.B.A., Industrialist, Engineer, Politician જેવી ડિગ્રીઓ મેળવી પૈસા કમાવવાની મહત્ત્વાકાંક્ષા છે પણ મને આવી કોઈપણ ડિગ્રીઓ મેળવતાં પહેલાં માનવ બનવાની મહત્ત્વાકાંક્ષા છે. કારણકે માનવતાની ડિગ્રી કોઈ સ્કૂલ કે કૉલેજ નહીં આપી શકે, પૈસા ખર્ચીને પણ આ ડિગ્રી નહિ મેળવી શકાય. એ તો માત્ર મારી વાણી, વર્તન, વ્યવહાર થકી જ મેળવી શકાશે તેથી જ મને આ માનવતાની ડિગ્રી મેળવવાની મહત્ત્વાકાંક્ષા છે.

‘માનવ’ શબ્દનો અર્થ શો?

મા- માતા, નવ-નવ-નવ માસ

કોઈપણ જાતના સ્વાર્થ વિના પ્રેમ, લાગણી, સંસ્કારનો વારસો આપી ઘડતર કરી આ ધરતી પર લાવે ત્યારે આપણે તેને ‘માનવ’તરીકે ઓળખીએ છીએ. તેનો યથાર્થ શો?

આ ‘માનવ’ શબ્દની યથાર્થતા પુરવાર કરતો એક પ્રસંગ મને યાદ આવે છે.

એક જાન જાનૈયાઓની સાથે જંગલમાં રાત્રિના સમયે અંધકારમાં પસાર થઈ રહી હતી. તેવામાં અમુક બહારવટિયાઓએ અચાનક ત્રાડ પાડી કે ‘તમારો કિંમતી માલસામાન અમને આપી દો નહીં તો પોતાની જાન બચાવી નહીં શકો.’ સૌના ભય વચ્ચે એક વડીલ આગળ આવ્યા અને બહારવટિયાના સરદારને પડકાર ફેંક્યો કે, ‘તમે કોણ છો? બહાર નીકળો’ આ અવાજ સાંભળી તેમનો સરદાર વિચાર કરવા લાગ્યો કે અવાજ મેં ક્યાંક સાંભળ્યો છે અને ભૂતકાળને યાદ કરતાં કરતાં પોતાના સાથીએને કહે છે કે આ બધા લોકોને તેમના નિશ્ચિત સ્થળે પહોંચાડી દો અને આ જાનૈયાઓની સુરક્ષાની જવાબદારી પોતે લઈ શેઠના પગમાં પડે છે ત્યારે ત્યાં ઉભેલા લોકો અને અન્ય ચોરો આશ્ચર્યમાં મુકાઈ જાય છે. તે સમયે સરદાર કહે છે કે, શેઠ, ભૂતકાળમાં તમારા ખેતર પાસેથી બપોરના સમયે ખૂબ તરસ્યો પસાર થતો હતો ત્યારે તમે મને ખેતરમાં લઈ જઈ ભોજન કરાવ્યું હતું ત્યારે તમે મને ઓળખતા ન હતા કે ‘હું બહારવટિયો છું.’ ‘શેઠ, જેના ઘરનું મેં‘લુણ’ ખાધું હોય તેનું ઋણ હું ક્યારેય ન ચૂકવી શકું.’

આપ અને આપની સાથેના લોકો નિભર્ય બની આગળ વધો.

તમારા દૃષ્ટિકોણથી આને ‘બહારવટિયો કહેવાય કે ઘરનો સભ્ય?’

આ પ્રસંગ સાથે આજની પરિસ્થિતિ જોઈએ તો આપણે બહારવટિયા કે ઘરના સભ્ય ? એક વિચારણીય ઘટના છે.

આ તો વાત જીવતા માણસોની પરંતુ મારા દૃષ્ટિકોણથી જે-જે તત્ત્વો વિના જીવન શક્ય જ નથી તેવા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, વિજળી આ દરેક તત્ત્વોનો ખપપૂરતો જ ઉપયોગ કરી તેનો વેડફાટ ન કરી હું ‘માનવ’બનવાની મહત્ત્વાકાંક્ષા પૂરી કરી શકીશ. સજીવ પદાર્થોની સાથે પ્રાણીઓ પણ આપણને કેટલા સહાયરૂપ અને બોધ પમાડનાર બને છે તે દર્શાવતો અને બોધ પમાડનાર બને છે તે દર્શાવતો જિનઆગમનો અવિસ્મણીય પ્રસંગ છે.

એક જંગલમાં વારંવાર દાવાનળ ફાટી નીકળતો, અનેક પશુ-પક્ષીઓ ત્યાં રહેતા હતા પરંતુ તેમાંથી એક હાથીને આ દાવાનળથી બચવાનો ઉપાય સૂયો અને તેણે ઘાસ ઉખેડી એક મોટું મંડલ બનાવવાનું વિચાર્યું. ઘણા દિવસોની મહેનત પછી આ મંડલ તૈયાર કર્યું. થોડા સમય પછી એક વખત દાવાનળ ફાટી નીકળતાં જંગલનાં બધાં પશુ-પક્ષીઓ પોતાની જાન બચાવવા મંડલમાં આવી ગયાં. મંડલ ખીચોખીચ થઈ જતા એક નાનું સસલું હાથીએ પગમાં ખંજવાળ આવતા ઉંચો કર્યો તો તે જગ્યામાં ભરાઈ ગયું. ખંજવાળ થઈ જતાં પગ નીચે મૂકવા જતાં સસલું જોયું તો પગ નીચે ન મૂક્યો. લગભગ ૨ાા દિવસ દાવાનળ ચાલ્યો અને હાથીનો પગ અદ્ધર જ રહ્યો અને આખરે પગ નીચે મૂકતાં તેના શરીરનું સંતુલન ન જળવાતાં નીચે પડી ગયો અને તેનું જીવન સમાપ્ત થઈ ગયું આમ, પોતાના ભોગે અન્ય માટે કંઈક કરી છૂટવાની ભાવના જો એક જાનવર કેળવી શકતો હોય તો એક માનવ તરીકે હું ક્યાં?

આમ, આ સત્ય પ્રસંગ તો આટલો જ છે, પરંતુ એક હાથીને આપણે શું કહીશું?

‘જાનવર કે મહામાનવ?’

આજના વિજ્ઞાને પ્રગતિના અનેક શિખરો સર કર્યાં છે. હૃદયનું અને બીજા અંગોનું પ્રત્યારોપણ કરવામાં પણ સફળતા મેળવી છે પરંતુ તેમાં પ્રેમ + લાગણી + સહકાર + માનવતા+ સંસ્કાર ક્યાં? જો આ એક સિદ્ધિ વિજ્ઞાન પ્રાપ્ત કરી લે તો હવે તે સંપૂર્ણ વિજ્ઞાન બની ગયું છે એમ કહી શકાય.

અંતમાં એટલું જ કહીશ કે,

આજે જે સંબંધથી આપણે બધા જોડાયેલા છીએ એવા સંબંધને ઈમાનદારીથી નિભાવી અને આ જીવન સાર્થક બનાવીએ. મેં આ વિષય પસંદ કરી મારી અભિવ્યક્તિ આપની સમક્ષ રજૂ કરવાનો નાનકડો પ્રયાસ કર્યો છે. જેને સફળ બનાવવા હું અને તમે સાથે જોડાઈ જઈએ અને આપણે ‘માનવ’ બનીએ અને ‘આપણા’સૌને માનવ બનવામાં મદદ કરીએ આપણા વર્તન દ્વારા.

 

 

(કચ્છ ગુર્જરી ઓગસ્ટ ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates