મારા જીવનની યાદગાર ક્ષણો

મારા જીવનની યાદગાર ક્ષણો - વિનયચંદ્ર રસિકલાલ શાહ, નાગપુર (માંડવી)

કુદરતની દેન તો અનેરી જ છે. પ્રત્યેક મનુષ્યના જીવનમાં વિવિધ પ્રકૃતિની યાદગાર ક્ષણો આવે છે. ક્ષણો મીઠા-કડવા, ઉત્સાહવર્ધક, ગંભીર-દુઃખદાયી, વ્યક્તિગત સિદ્ધિઓનો આનંદ, જીવન-મરણના ટર્નિંગ પોઈન્ટવાળી ક્ષણો પણ હોઈ શકે છે.

વર્ષ ૧૯૫૦માં મારો જન્મ પૂર્વ આફ્રિકાના ઝાંઝીબાર દ્વિપમાં જૈનકુળમાં થયો હતો. આ ટાપુ વિશ્વમાં લવીંગ ઉત્પાદનના પ્રમુખસ્થાનથી ઓળખાય છે. અહીંની મુખ્ય પ્રજા સુવાહીલી (ગોલા) છે, અને બીજી પ્રજા આરબ પણ મોટી સંખ્યામાં હતી. વર્ષોથી અહીં આરબ સુલતાનનું સામ્રાજ્ય હતું. વર્ષ ૧૯૦૦ના આસપાસના સમયમાં સુવાહીલી પ્રજા ગુલામીનું જીવન જીવતી હતી. વર્તમાન સમયમાં જેમ પશુ-પક્ષી, ઘેટાબકરાનું બજારમાં ખરીદ-વેચાણ થાય છે એ જ પ્રમાણે આરબ લોકો સુવાહીલી પ્રજાનું ખરીદ-વેચાણ કરતા, ખેતરમાં બળદની જેમ કામ કરાવતા, પીંજરામાં કેદ કરીને રાખવામાં આવતા. ટૂંકમાં આરબો સુવાહીલીનું ભયાનક શોષણ કરતા, ક્રૂરતા, દુરાચાર તથા અત્યાચારની કોઈ સીમા ન હતી. આ ભૂતકાળની ક્ષણોની સત્ય ઘટનાની જાણકારી અમારા દાદા-વડીલોથી જાણેલ છે.

સમય શાંત થતાં અહીં ટાપુમાં ધંધારોજગાર અર્થે યુરોપ, ભારત, પાકિસ્તાન તથા અન્ય દેશોથી વિવિધ પ્રજાનું આગમન થયું. કચ્છના માંડવીબંદરથી, મુંબઈથી આપણા બાંધવો પણ મોટી સંખ્યામાં અહીં આવ્યા. એ સમયમાં માંડવીબંદર આયાત-નિકાસ વ્યાપારનું મુખ્ય કેન્દ્ર હતું. અહીં જૈનોની વસ્તી વધવાથી જૈન વ્યાપારીઓ એ ટાપુમાં ભવ્ય જૈન ઘર-દેરાસરનું નિર્માણ કરાવ્યું. અહીં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, પર્યુષણ પર્વ, દિવાળી, નવરાત્રિના ઉત્સવો ઘણા ધામધૂમથી મનાવાતા. અહીં ગુજરાતી, અંગ્રેજી માધ્યમની શાળાઓ પણ હતી. ટૂંકમાં લોકો અહીં રામરાજ્યનું જીવન જીવતા હતા.

૧૯૬૨નું વર્ષ આ ટાપુ માટે માનવહિંસા અને સામાજિક, ધાર્મિક અસ્થિરતા, અશાંતિનું વર્ષ હતું. પૂનમની રાત હતી. લોકો પથારીમાં પોઢેલા હતા. એકાએક ભયંકર ગોળીબાર થવાનો અવાજ થયો, માનવવેદના, કીકીયારી, દોડાદોડ થયાનો આભાસ થયો. જરૂર કોઈ અપ્રિય ઘટના થઈ હશે? યુદ્ધ જેવા ક્ષણો હતા. એવા સમાચાર મળ્યા કે ગ્રામિણ વિસ્તારમાં સુવાહીલી તથા આરબ વચ્ચે ભયંકર બળવો થયો છે. મુખ્ય બળવો આરબ વિરુદ્ધ હતો, મોટી સંખ્યામાં આરબપ્રજાનું નરસંહાર થયું, ઘરદાર બાળી નાખવામાં આવ્યા. અહીંનો આરબ રાજા પોતાનો જીવ બચાવવા માટે રાતોરાત પરિવાર સાથે સમુદ્રમાર્ગથી વિદેશ (લંડન) જવા માટે પલાયન થઈ ગયો. બીજા દિવસે બળવાખોરોએ શહેર વિસ્તારમાં પ્રવેશ કર્યો. અહીં ભયાનક હિંસા તથા મોતનું તાંડવ સર્જાયું. અહીં સોના-ચાંદીની દુકાનો, બેંકો, કાપડ તથા અન્ય દુકાનોમાં ભયંકર લૂંટ ચલાવી. ગોળીબારમાં એલીફન્ટ બુલેટનો ભરપુર ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમારી તથા આપણા કચ્છનાં બાંધવોની લગભગ ઘરદુકાનો આજ વિસ્તારમાં (દર્જાની સ્ટ્રીટમાં) હતા. અમારી દુકાન તોડવાનો પ્રયત્ન થયો, અમારા બધાના દિલના ધબકારા વધી ગયા હતા. ઘરની બહાર જવાના બધા રસ્તા બંધ હતા. ખરેખર ભયાનક જીવન-મરણની ક્ષણો હતી. અમે ખરા અંતઃકરણથી ક્ષણે ક્ષણે નવકાર મહામંત્રના જાપ ચાલુ રાખ્યા. કહેવાય છે કે ભલુ કરનારનું ભલું પહેલાં થાય છે.

નવકાર મહામંત્રના પ્રભાવથી બળવાખોરોનું દિલ પરિવર્તન થયું. એક બળવાખોરે બીજા સાથીબળવાખોરોને ટકોર કરી. સુચન કર્યું. આ ઘરદુકાન તોડવાના અને લૂંટવાના નથી. આ દુકાનદાર આપણો શુભચિંતક છે, ગરીબોને મદદ કરે છે, ભારતવાસી છે, ગાંધીજીનો અનુયાયી છે. ગાંધીજીએ પૂર્વ આફ્રિકામાં પણ અંગ્રેજ તથા આરબ વિરુદ્ધ સ્વતંત્રતાની લડત કરી હતી. ગાંધીજીના પ્રેમભર્યા મીઠા શબ્દોથી અમને જીવનદાન મળ્યું.

એકાએક ભાગ્યની દિશા બદલાઈ. પાડોશી દેશોની શાંતિસેનાનું આગમન થયું. ભારતદેશની પણ સુરક્ષા મળી, સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા ભોજન તથા રાહતશિબીરની વ્યવસ્થા થઈ. અમારી સ્વદેશ પાછા આવવાની વ્યવસ્થા થઈ. અમારી સતત ૧૩ દિવસની સમુદ્રમાર્ગની મુસાફરી હતી. મુસાફરીમાં અમને કડવા અનુભવો થયા. જ્યારે અમારી કપાલા સ્ટીમર સમુદ્રના મધ્ય ભાગમાં આવી ત્યારે ભયાનક તોફાન, વાવાઝોડું, પાણીની ઊંચી ઊંચી લહેરોથી સ્ટીમર ડોલવા લાગી. શું સ્ટીમર ડૂબી જશે? શું વિશાળ મહાસાગરમાં અમારી જળસમાધિ થશે? બધા યાત્રીઓના જીવ અદ્ધર થઈ ગયા હતા. જીવન-મરણની ક્ષણો હતી. અમારા પ્રત્યેક સંકટના સમયે નવકાર મંત્રના જાપ ચાલુ હતા.

ખરેખર નવકાર મંત્રના પ્રભાવથી અમે બધા મૃત્યુના મુખમાંથી સ્વદેશ પાછા આવી ગયા. જીવન આનંદની યાદગાર ક્ષણો અધુરી રહી ગઈ...

 

 

 

(શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા-૨૦૧૫)

 

(કચ્છ ગુર્જરીના ડિસેમ્બર માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates