મારા જીવનની યાદગાર ક્ષણો

મારા જીવનની યાદગાર ક્ષણો - શ્રીમતી કુસુમબેન જગદીશ શાહ, કોચીન (ભુજ)

મંગલ પાવનકારી ક્ષણો, જીવનની ઉત્કૃષ્ટ ક્ષણો, કલ્યાણકારી ક્ષણો, દિલમાં ભગવાન પ્રગટાવનારી ક્ષણો, શાંતિ તુષ્ટિ પુષ્ટિ આપતી ક્ષણો, આત્મ રિદ્ધિ, સિદ્ધિ આપતી ક્ષણો, છેલ્લે પદનિર્વાણ પામતી ક્ષણો.

શું કહું? શું લખું? એક નહીં અનેક યાદગાર ક્ષણો છે.

પોષ સુદ પૂનમ. વિક્રમ સંવત ૨૦૦૩ના જન્મ પામી. આજે ૨૦૭૧ની સાલે ૬૮ વર્ષ પૂર્ણ કર્યા. આ વર્ષો દરમિયાનની અઢળક યાદગાર ક્ષણો છે. જે મારા જીવનમાં પ્રતિક્ષણે ચક્ષુ સમક્ષ તરવરે છે. જન્મ મદ્રાસમાં થયો. નાની હતી ત્યારથી જ જૈન પાઠશાળા જવાનું અને એક ચિત્તે જૈન અભ્યાસ કરવામાં દિલચસ્પી હતી. માત્ર પાંચ વર્ષની નાની ઉંમરે ચૈત્ર સુદ તેરસ (મહાવીર જન્મ)ને દિવસે પાઠશાળાના શિક્ષકે કહ્યું. મહાવીર ભગવાનનું જીવનચરિત્ર કોણ કહેશે? તરત જ ઉભી થઈ. મહાવીર ભગવાનનું જીવન ચરિત્ર બોલી ગઈ. નિર્ભયપણે અને છટાથી. મારા જીવનની એ ક્ષણ યાદ આવતાં અત્યારે પણ રોમાંચ થાય છે. મારા જીવનની એ પહેલી યાદગાર ક્ષણથી અત્યાર સુધીની દરેક ક્ષણ ધાર્મિક પ્રવૃત્તિ - અભ્યાસ, તપ, ચિંતન, મનન અને ધર્મકથા જ છે.

ત્યારબાદ સાત વર્ષની ઉંમરે ૧૪ પૂર્વના ૧૪ એકાસણા અને છેલ્લો ૧૫મો ઉપવાસ કર્યા. આચાર્ય લક્ષ્મણસૂરિશ્વરજી મહારાજનું ચોમાસું હતું. નાની ઉંમરે આ તપ કરતાં વ્યાખ્યાનમાં મહારાજસાહેબે મને પૂછયું. શું જોઈએ છે? મેં કહ્યું દીક્ષા. કારણકે તે સમયે અમારા ઘરમાં મારા સૌથી મોટા બહેન (રમીલાબહેન) દીક્ષા લેવાના હતા. તરત જ મને એક શ્રાવકભાઈએ ચરવળાની પ્રભાવના કરી એ દિવસ મારા માટે જાણે સંયમ લીધો હોય તેટલો યાદગાર બની રહ્યો છે.

૧૦ વર્ષની થઈ ત્યારે મારા એ બહેને દીક્ષા લીધી. એ આજે પણ શાસનજ્યોતિ તથા તીર્થદીપિકાને નામે પ્રસિદ્ધ છે. કારતક વદ-૨ના દીક્ષા થઈ. મહાસુદ પાંચમના વડી દીક્ષા થઈ. તે બંને દિવસે હું ખૂબ જ ધર્મઆરાધના કરું છું અને એ પણ મારા માટે યાદગાર ક્ષણો છે.

૧૩ વર્ષની ઉંમરે જ્ઞાનપાંચમ શરૂ કરી. દર મહિને સુદ પાંચમના ઉપવાસ- ક્રિયા-પ્રતિક્રમણ-પૂજા વગેરે કરું. અને એ જ દિવસે લગભગ શાળાની પરીક્ષાઓ આવે છતાં ખુમારીથી ૧૮ વર્ષની ઉંમરે જ્ઞાનપાંચમ પૂર્ણ કરી જે યાદગાર ક્ષણો આજે પણ મને જ્ઞાનગંગા પ્રાપ્ત કરવામાં સહાયભૂત છે.

૧૫ વર્ષની ઉંમરે શંખેશ્વર પાર્શ્વનાથનો અઠ્ઠમ અને શંખેશ્વરની યાત્રા એ તો મારા જીવનની ઉત્કૃષ્ટ ક્ષણો છે.

૨૦ વર્ષની ઉંમરે દિવાળીની ચોવિહારી છઠ્ઠને એક લાખ મંત્રનો જાપ એ ક્ષણો યાદ કરતાં ખરેખર દિલમાં પ્રભુરૂપી દીવડો પ્રગટે છે. દિવાળીને દિવસે શ્રી મહાવીર સ્વામી સર્વજ્ઞાય નમઃ તપ દિવસે, રાત્રે શ્રી મહાવીર સ્વામી પારંગતાય નમઃ ને બેસતા વર્ષને દિવસે શ્રી ગૌતમસ્વામી સર્વજ્ઞાય નમઃની ૨૦ માળા ગણતાં ખરેખર જાણે પ્રભુનો સાક્ષાત્કાર થાય છે.

૨૧-૨૨ વર્ષની ઉંમરે વ્યાખ્યાનમાં મહારાજ સાહેબના પ્રવચનો સાંભળી, શિબીરમાં ભાગ લઈ જૈન તત્ત્વજ્ઞાનની પરીક્ષા આપી જેમાં પ્રથમ ક્રમાંક આવતાં બહુમાન અને પારિતોષિક મળતાં જાણે તે ક્ષણો તત્વચિંતનમાં ગરકાવ કરે છે. ત્યારબાદ ૨૩ વર્ષની ઉંમરે પર્યુષણમાં ચૌસઠ પહોરી પૌષધ- એકાસણા, ઉપવાસ કરતાં સંયમજીવનની અનુભૂતિ આજે પણ આત્માને તુષ્ટિ-પુષ્ટિ કરે છે.

૨૬ વર્ષની ઉંમરે લગ્ન થતાં ફરી અઠ્ઠમનો તપ કર્યો અને આનંદની વાત એ છે કે તે દિવસો દરમિયાન પ્રભુતામાં પગલાં મંડાઈ ગયાં હતાં એટલે કે માતૃત્વ પ્રાપ્ત કર્યું અને ગર્ભમાં રહેલા બાળકે પણ પ્રથમ મહિનામાં અઠ્ઠમ કરી અને તેને પરિણામે આજે પણ બાળકમાં ધાર્મિક સંસ્કારોના દર્શન થાય છે. એ ક્ષણો કેટલી અવર્ણનીય છે તે તો હૃદય જ જાણે!

લગ્ન બાદ દર મહિને એક આયંબિલ જરૂર કરવાનું પણ તે કેવું? ૧ દ્રવ્ય તેમાં ૧ વર્ણ અને મીઠા વગરનું!! જેમાં શ્રીપાળ રાજા ને મયણા સુંદરીએ નવપદની ઓળી કરી હતી તેવો જ આયંબિલ કરવાનો. ૨૦ વર્ષ આ રીતે આયંબિલ કર્યા તે દિવસો ક્ષણો મારા માટે ધન્ય છે. ત્યારબાદ નવપદની ૧૦ ઓળી કરી. ફરી એક અઠ્ઠમ કરી. જાણે તપ કરતાં એવી તો આનંદની ક્ષણો મળતી કે ગૃહસ્થ જીવન ભૂલી સંયમી બનવાનું મન થતું. દર પર્યુષણમાં ૮ એકાસણા ને છેલ્લો ઉપવાસ કરતાં આનંદની છોળો ઉડતી.

આજથી એક વર્ષ પહેલાં એટલે ઈ.સ. ૨૦૧૪માં જૈનદર્શનનો ત્રણ વર્ષીય ડીપ્લોમાનો અભ્યાસ કરી ડીસ્ટીંક્શન સાથે (૯૦% માર્કસ) મેળવી પરીક્ષા પાસ કરી જેને કારણે પારિતોષિક તથા સર્ટિફિકેટ મળ્યા તે મેળવતાં જાણે દિલમાં જૈન તત્ત્વજ્ઞાનનો અદ્‌ભુત દીવો પ્રગટ્યો. એ ક્ષણોએ મને અંધકારમાંથી પ્રકાશ તરફ પ્રયાણ કરાવ્યું. જીવન દરમિયાન સમેતશિખરની યાત્રા, શત્રુંજયનો ડુંગર, રાજગૃહિના પાંચ ડુંગર, ગિરનારનો ડુંગર- યાત્રા કરતાં ખરેખર અરિહંત સાથેના તાદાત્મ્ય અને સાનિધ્યની અનુભૂતિ આલ્હાદક ક્ષણો થોડી ભૂલાય.

સૌથી મોટાબહેન સંયમમાં જતાં દર વર્ષે ચોમાસામાં તેમના દર્શને જતાં. સાધુ સમુદાય સાથેના સત્‌સંગ તથા આરાધનાની ક્ષણો તો એટલી યાદ આવે છે પૂછો મત. બસ અંતમાં એક જ અરમાન છે ને એવી યાદગાર ક્ષણોની અપેક્ષા રાખું છું કે જે દરમિયાન સંસારમાંથી વિદાય-મૃત્યુ પામી મહાવિદેહમાં જન્મ લઈ સીમંધરસ્વામી પાસે ૮ વર્ષની ઉંમરે સંયમ ધારણ કરી એવું ઉત્કૃષ્ટ સંયમ પાળું કે બસ પદનિર્વાણ મેળવું. તે માટે હાલે ઘણા પ્રયત્નો સાધના, સત્સંગ, ચિંતન, આત્મ નિરીક્ષણ કરું છું. ૧૦૧ લાખના અનેક જાપ, શત્રુંજય લઘુ કલ્પનું સતત રટણ. ત્રુતિમંડલ સ્ત્રોતનું સ્મરણ તથા મહામંત્ર ૐ અ સિ યા ઉ સા સમ્યક્‌ દર્શન-જ્ઞાન ચારિત્રેભ્યો નમઃનો ૨૭ અક્ષરનો મંત્રજાપ ૧ લાખનો પૂર્ણ કર્યોં. ૐ હ્રીં શ્રી ચાંદાયણદેવ પંચાંગુલી પરિપુજીતાય શ્રી શ્રી સીમંધરસ્વામીને નમઃનો પણ૧ લાખનો જપ કર્યો. ઉપરાંત સમતાપૂર્વક સામાયિક ૧૦૮ લોગસ્સના સતત જાપ, ૩ લોક (ઉર્ધ્વ- તિછર-અધો)ના શાશ્વત ચૈત્યો તથા બિંબોના દર્શન-સ્મરણ-અનંત સિદ્ધોને નમન, ૨૦ વિહરમાન તિર્થંકરોને નિશદીન પ્રણામ અને અઢી દ્વિપમાં ૧૮૦૦૦ શિલાંગ ધરનાર મુનીઓને વંદન કરું છું. બસ ભવસાગર તરવા માટે ખૂબ જ પ્રયત્ન કરું છું ને જાગૃત છું અને એક જ યાદગાર ક્ષણોની રાહ જોઉં છું કે જ્યારે સમાધિપૂર્વક દેહનો ત્યાગ કરી આત્માની ઉર્ધ્વગતિને પામું.

 

 

 

(કચ્છ ગુર્જરીના એપ્રિલ ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

(શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા-૨૦૧૭)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates