માનવતાની મહેક

માનવતાની મહેક - રોશની ગૌતમ શાહ, વર્ધમાન નગર (ભુજ)

વિશ્વ આખું આજે કોરોના જેવી મહામારી સામે ઝઝૂમી રહયું છે. દરેક વ્યકિત ભયભીત છે. કારણ આ એક ચેપી રોગ છે. આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તેમની સરકાર આ સંકટનો સામનો કરવા કટીબધ્ધ છે. તેના માટે જરૂરી એવાં નકકર પગલાં લેવાઈ રહયાં છે. આ મહામારી ને નાથવા લોકોને પોતાના ઘરોમાં રહી સોશિયલ ડિસ્ટેન્સનું પાલન કરવા અનુરોધ કર્યો છે. સાથે જરૂરી કાળજી લેવાનું સૂચન કર્યુ છે. છતાં પણ આ મહામારી ઝડપથી ફેલાઈ રહી છે. અમુક શહેરોને બાદ કરતાં બીજા શહેરોમાં મૃત્યુ આંક વધી રહયો છે. આ બાબતે આખું સરકારી તંત્ર સતર્ક થઈ ગયું છે. આ મહામારી ફેલાવાનું કારણ શોધવા માટે અને તેને ફેલાતું અટકાવવાં માટે જરૂરી પગલાં લેવાં સજજ બની ગયાં છે.

આવા સંકટના સમયે જયારે એક વ્યકિત બીજી સાથે અંતર રાખીને વ્યવહાર કરતો હોય ત્યારે આપણા દેશના લાખો ડોકટર, નર્સ, પેરામેડીકલ સ્ટાફ, પોલીસકર્મીઓ ખડેપગે વાઈરસગ્રસ્ત લોકોની સારવાર અને સુરક્ષા કરી રહયા છે, પોતાના જીવનની પરવાહ કર્યા વગર તેઓ આ સેવાયજ્ઞમાં જોડાયા છે. તેમના આ અવિરત ચાલતા સેવાકાર્યને,દેશપ્રેમને હૃદયપૂર્વક સલામ છે. આજે તેઓ ઈશ્વરીય રૂપ બની પોતાનું યોગદાન આપી રહયા છે. પોતાનાં પરિવાર, સંતાનોથી દૂર રહી ઉત્તમ કામગીરી કરી રહયા છે. આ પરિસ્થિતિમાં તેઓના પરિવારનો સાથસહકાર પણ સરાહનીય છે. સાથે સમાજના એવા લોકો છે જે પોતાના સ્વખર્ચે ગરીબ અને જરૂરતમંદ પરિવારોને જયાં અન્નપાણીની અસુવિધા છે ત્યાં ભોજન પહોંચાડી રહયા છે તથા અન્ય જરૂરી સહાય કરી રહયા છે. સરકારશ્રી તો તેઓનુ કામ કરી રહયા છે પણ સાથે દયા કરુણાથી સભર આવા માનવીઓ જે સ્વેચ્છાએ સાથસહકાર આપી રહયા છે, માનવતાની મહેક ફેલાવી રહયા છે તેમને ખૂબખૂબ ધન્યવાદ છે.

દેશના તમામ ડોકટર્સ,નર્સ, પોલીસકર્મીઓ, સફાઈકામદાર જે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહયા છે તે દરેકને સલામ. વંદન. નમન. સમગ્ર દેશને તેમના માટે ગર્વ છે. સરકારશ્રીએ કરેલા નિર્ણય અને નિવેદનનો આપણે પણ ગંભીરતાથી પાલન કરીને આ વૈશ્વિક સંકટને દૂર કરવામાં આપણું યોગદાન આપીએ.

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates