મૈત્રીની પરિભાષા

મૈત્રીની પરિભાષા - રોશની ગૌતમ શાહ, ભુજ

‘મમ્મી, બે દિવસ બાદ પરીક્ષા ફી ભરવાનો છેલ્લો દિવસ છે. ફી નહીં ભરાય તો પરીક્ષા આપવા નહીં મળે.’ નવમા ધોરણમાં ભણતા પ્રશાંતે તેની મમ્મી રીનાબહેનને કહ્યું. ‘બેટા આવતી કાલ સુધી તારી ફી માટે રૂપિયાની સગવડ થઈ જશે.’ રીનાબહેને વ્હાલથી પુત્રના માથા ઉપર હાથ ફેરવતાં કહ્યું. પતિના અણધાર્યા અવસાન બાદ રીનાબહેન ઉપર દીકરા પ્રશાંત અને દીકરી સોનુની જવાબદારી આવી ગઈ. પતિની નોકરી સાધારણ હોવાના કારણે તેઓ પાસે ખાસ બચત ન હતી. રીનાબહેન સીવણકાર્ય કરીને પોતાનો જીવનનિર્વાહ કરતા હતા. મા-દીકરાની વાત બહાર બેઠેલો પારસ સાંભળી રહ્યો. પ્રશાંત અને પારસ ખાસ મિત્રો હતા. પોતાની આર્થિક સ્થિતિ સદ્ધર ન હોવા છતાં પણ પોતાને મળેલ ખિસ્સાખર્ચની બચતના રૂપિયા બીજે દિવસે આવીને તેણે પ્રશાંતને ફી ભરવા માટે આપ્યા. પ્રશાંત તો મિત્રના લાગણી જોઈ અને ગળગળો થઈ ગયો અને કહ્યું મિત્ર, તારા આ રૂપિયા તને જલદીથી પરત કરી દઈશ. પ્રશાંતની મમ્મી અને પારસના માતાપિતા તેમની મિત્રતાનું આ ઉત્તમ કાર્ય જોઈને હર્ષિત થયા.

**

‘અરે અંકિત. આ વખતે તો તારી બર્થડે પાર્ટી જોરદાર થવી જોઈએ. તને ક્યાં પૈસાની કમી છે. તારા પપ્પા તો મોટા બીઝનેસમેન છે.’ અંકિતને તેના ૧૮મા બર્થડેની પાર્ટી માટે તેના મિત્રો તેને કહી રહ્યા હતા. અંકિતને પણ મનોમન અમીર પિતાનો પુત્ર હોવાનો રૂઆબ હતો. તે મનોમન હરખાઈ રહ્યો. અંકિતના મિત્રોને ફક્ત પૈસા પસંદ હતા. તેઓ ફક્ત અમીરીને માન આપતા. છેલબટાઉ મિત્રો હતા. તેઓની સંગતથી હોશિયાર હોવા છતાં અંકિતની કારકિર્દી ડહોળાઈ રહી હતી.

જીવનમાં આપણે ઘણી વ્યક્તિઓ સાથે બોલવા-ચાલવાનો વ્યવહાર હોય છે. ઘણા આપણા વિદ્યાર્થી જીવનના મિત્રો હોય છે. આપણા સ્વભાવ અને સંસ્કાર થકી પણ આપણું મિત્રવર્તુળ બને છે. પણ શું દરેકને મિત્ર કહેવું યોગ્ય છે? શું આમાંના દરેક આપણા સાચા મિત્રો છે? હા. મિત્રતા પારસ અને પ્રશાંત જેવી હોવી જોઈએ. જે વિકટ પરિસ્થિતિમાં પણ મિત્રનો સાથ નથી છોડતા. નહિ કે અંકિતના મિત્રો જેવી જે ફક્ત પૈસાના પુજારી હોય. પૈસો હોય ત્યાં સુધી જ મિત્રતા રાખે બાકી તો સમય જ તેમને ઓળખાવે છે. જીવનમાં વધારે નહીં પણ બે-ત્રણ મિત્રો એવા હોવા જોઈએ જેના સાનિધ્યમાં દુઃખ સહન કરવાની શક્તિ મળે અને આનંદની પળો દ્વિગુણિત થતી હોય. સાચા મિત્રો તમારી ખૂબીઓની સરાહના કરે છે અને ખામીઓથી અવગત કરાવે છે. મિત્ર આપણું સત્વ હણી નથી લેતો. પણ આપણા સત્વને સલામત રાખે છે. મિત્રતા એક એવો સંબંધ છે જ્યાં ‘હું છું ને’ ફક્ત આ ત્રણ શબ્દો તેને હૈયાધારણ આપે છે. જીવનમાં સારા મિત્રો મળવા, સાચા મિત્રો મળવા એ પણ ભાગ્યની વાત છે. આપણી પાસે જો આવા મિત્રોની મૂડી છે તો સહેજ વધુ જતનથી મિત્રની ઈજ્જત કરીએ અને મિત્રતાને માણીએ.

 

 

 

(કચ્છ ગુર્જરીના ડિસેમ્બર માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates