મહાવીરની સફળતા - મારી દૃષ્ટિએ

મહાવીરની સફળતા - મારી દૃષ્ટિએ - કુમાર જિનેશ શાહ, ગાંધીધામ

જીવનમાં એટલા ઉંચે બિરાજમાન થયેલી વ્યક્તિ કે જેને જોઈને એમના જેવું થવાની તીવ્ર પ્રેરણા થાય એને સફળ વ્યક્તિ કહી શકાય. માનવી, પેઢી કે કંપની સફળ અથવા નિષ્ફળ હોય, પરંતુ ઈશ્વર સફળ કે વિફળ હોય? કદાચ ના હોય. તેમ છતાં મહાવીરની સફળતાને આપણે મૂલવવી છે. કારણકે તીર્થંકર હોવા છતાં મહાવીરે સ્વયંને કદી ઈશ્વર કહ્યા નથી. એમનામાં દૈવી સત્વ હતું. સળંગ ૧૨ વરસ તપ કર્યું. કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. ભૂત, વર્તમાન અને ભવિષ્યના સંપૂર્ણ રહસ્યો જેને આંખના પલકારામાં પ્રગટ થઈ ગયા હોય એમની સફળતાનું મૂલ્યાંકન કેવી રીતે કરવું?

પૂરોગામી ૨૩ તીર્થંકરોએ શીખવેલી જીવન જીવવાની રીતનો પ્રચાર-પ્રસાર ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીરના જીવનકાળ દરમિયાન અને એમના નિર્વાણ પછી પણ અવિરતપણે થયો છે. જેને આપણે જૈન ધર્મ કહીએ છીએ. કોઈ એક વ્યક્તિની સર્વગ્રાહ્યતાને સફળતા માનીએ તો ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથ અને ૨૪મા વર્ધમાન મહાવીર સૌથી વધુ ‘નામકર્મ’ ધરાવે છે. એ પાછળના કારણો તો અનેક હશે. અલબત્ત, થોડાંક મુદ્દાઓ તપાસી જઈશું તો આજની દૃષ્ટિએ સફળતાનું માપદંડ પામી શકીશું. સફળતાના જે કારણો ૨૭૦૦ વર્ષ પહેલાં મહાવીરની સામે હતા એ જ આપણી સમક્ષ છે અ ને એ જ  આવનારી પેઢી સામે પણ રહેશે.

૧) સરળતા : એ સમયના પ્રચલિત ધર્મોમાં પ્રદર્શન અને આડંબરનું પ્રમાણ ખૂબ ઊંચું હતું. એની સામે મહાવીરે તદ્દન સરળ, સહજ રીત આપી. ભૌતિકતાના ત્યાગની વાત પછી આવે છે. પ્રથમ તો શરીરને પણ અવગણીને તેઓએ આત્મા સાથેનો સીધો સંબંધ પ્રતિપાદિત કર્યો. શરીર એ સાધન ખરું પણ સાધ્ય તો આત્મા જ છે. સ્થૂળતામાંથી સૂક્ષ્મતામાં પ્રવેશતાં શીખવ્યું.

૨) સમાનતા : નાના-મોટાનો ભેદ તો દૂરની વાત. મહાવીરે જીવમાત્રને સમાન ગણ્યા. એકીન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી સહુ સરખા. વનસ્પતિવાયુ- અગ્નિ બધામાં જીવોની ઉપસ્થિતિ સ્પષ્ટ કરી અને સૌને પોતાના જેવા માનવા પ્રેરિત કર્યા. રાજા -રંક , સ્વામી-સેવક, શેઠ-સાધુ, સ્ત્રી- પુરુષ, ગુરુ-શિષ્ય સૌને સમાન સ્તર પર રાખ્યા. જેથી દરેક જીવ પોતાના જેવો અને પોતે પ્રત્યેક જેવા લાગવા લાગ્યાં. આ વિચાર માત્રથી અનેક સંઘર્ષો અને સંતાપો સમાપ્ત થઈ ગયા. આથી લોકોએ મહાવીરના શરણે શાતા અનુભવી.

૩) ત્યાગીને પામો : પોતાનું રાજસી જીવન ત્યાગી દીધા પછી જ કહ્યું કે ભોગ કરતાં ત્યાગ ઉત્તમ છે. એષણા-લાલસા-મોહ છૂટી જતાં જીવન સરળ થઈ જાય છે. અસ્તિત્વને હવાથી સૂક્ષ્મ અનુભવી શકાય છે.

૪) આડંબરરહિત જીવન : લઘુતમ વસ્તુઓથી પણ મહત્તમ આનંદ અનુભવી શકાય છે. ધન-સંપતિ, વૈભવ-સત્તાનો ત્યાગ તો ઠીક, તેઓએ વસ્ત્ર સુદ્ધાં તજી દીધાં. નાનામાં નાના માણસને તેઓ પોતાના જેવા લાગવા લાગ્યાં. એટલે નાના-મોટા સૌએ એમનો સહજ સ્વીકાર કરી લીધો.

૫) જનપદી ભાષા : મહાવીરથી પહેલાં ધર્મ ઉપર પંડિતો અને બ્રાહ્યણોનો એકાધિકાર હતો. તેઓ સંસ્કૃત જેવી પરિસ્કૃત ભાષા વાપરતા. તેને દેવભાષા કહેતા અને બીજા કોઈને ઝટ શીખવા નહોતા દેતા. જેથી એમની ઈજારાશાહી ચાલતી રહે. જ્યારે કે મહાવીરે પોતાની બધી જ દેશના પાલીપ્રાકૃત જેવી જનપદી ભાષામાં આપી. લોકબોલીમાં બોલવાથી લોકોના હૈયામાં તરત ઊતરી ગયા. દેશના આપવા માટે ઈન્દ્ર દ્વારા નિર્મિત સમોશરણની રચના એવી અદ્‌ભુત રીતે થતી કે દેવ, યક્ષ, કિન્નર, માનવ, પશુ, પંખી સૌને ભગવાનની વાણી પોતાની ભાષામાં અનુવાદિત થઈને સંભળાતી હતી. પોતાની ભાષામાં બોલનાર વ્યક્તિ દરેકને પ્રિયકર લાગે કારણ કે માતૃભાષા માત સમાન હેતાળ હોય છે.

૬) અસીમ કરણુા : જીવમાત્રને પાના જેવા માનવાનું કહેનારા મહાવીરે અહિંસાના પ્રસાર દ્વારા અસીમ કરુણાનો સંદેશ વહાવ્યો. સ્વયં જીવો અને અન્યને જીવવા દ્યો જ નહિ પણ સ્વયં જીવો અને અન્યને જીવવામાં સહાયક બનો- આ એમનો બીજમંત્ર હતો આથી સહજપણે જીવમાત્ર પ્રત્યે મૈત્રીભાવની લાગણી પ્રવર્તી ગઈ.

૭) અજાતશત્રુતા : અરિ એટલે કે શત્રુનો અંત કરીને ‘અરિહંત’ ના થવાય. તેઓએ ક્ષમા જેવા અહિંસક અસ્ત્રથી શત્રુતાને મૈત્રીમાં ફેરવીને શત્રુ પર વિજય મેળવતા શીખવ્યું. આમ અજાતશત્રુ બની જતાં તેઓ સ્વયં અરિહંત બન્યા અને અન્યને પણ એમના જેવા થવા પ્રેરિત કર્યા. આત્માના છ શત્રુઓ છે- કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર્ય. અરિહંત થવું હોય તો આ છ દુશ્મનો પર વિજય મેળવવો જ રહ્યો.

૮) પર્યાવવરણ મિત્ર : ૨૩મા તિર્થંકર પાર્શ્વનાથ અને ૨૪મા મહાવીર મહાન પર્યાવરણવિદ્‌ હતા. તેઓએ સમગ્ર સૃષ્ટિમાં જીવની હાજરી નોંધીને પર્યાવરણની રક્ષા કરવાનો અનન્ય સંદેશ વહેતો કર્યો. જૈન ધર્મ પ્રમાણે જીવવાની રીત સૌથી વધુ પર્યાવરણ-મિત્ર પદ્ધતિ છે. કહી શકાય કે જૈન જીવનશૈલી સૌથી વધુ ઈકો-ફ્રેન્ડલી છે. પર્યાવરણની રક્ષા થશે તો જ સમસ્ત વિશ્વ રક્ષિત રહેશે.

૯) વૈજ્ઞાનિક અભિગમ : એ સમયની અમર્યાદ જીવનરીતિના કારણે રોગ અને મૃત્યુનું પ્રમાણ બેફામ હતું. મહાવીરે આહાર-વિહાર-વિચારની વૈજ્ઞાનિક રીત શીખવી. શું ભક્ષ્ય છે અને શું અભક્ષ્ય એવું માત્ર કહી ના દીધું પણ તેની પાછળનો વૈજ્ઞાનિક અભિગમ સ્પષ્ટ કર્યો. આજનું વિજ્ઞાન એને ઉત્તમ જીવનશૈલી કહીને અવકારે છે. કંદમૂળનો ત્યાગ, ઉકાળેલું પાણી પીવું, સૂર્યાસ્ત પહેલાં જમવું, કઠોળનો ઉપયોગ, પ્રતિક્રમણ દ્વારા સ્વયંમાં પાછું ફરવું, સામાયિકથી વિચારોની શુદ્ધિ.. દરેક ઉપદેશનો વૈજ્ઞાનિક આધાર છે.

૧૦) સ્યાદવાદ : વિશ્વમાં હું છું તો અન્ય પણ છે. સૌ સમાન છે. કર્મની સત્તા સર્વોપરી છે. ભૂતકાળમાં કરેલું ભવિષ્યમાં ફલિત થશે. આજનું કરેલું કાલે સામે આવશે. સુખ અને દુઃખ માત્ર કર્મને આધીન છે. એ આપણા સિંચિત કર્મોનું પરિણામ છે. જ્યોતિષ, ભાગ્ય, હોમ-હવન-આડંબર બધું મિથ્યા છે. સમગ્ર ઘટના પાછળ કર્મ-રાજાનો હાથ હોય ત્યારે જાતક વધુ હળવો થઈ શકે છે અને ભવિષ્યમાં સાવચેત રહીને ઉત્તમ કર્મો કરવા પ્રેરાય છે. પરિણામે એનું જીવન ઉત્તરોત્તર સરળ-સહજ થતું જાય છે.

૧૧) પ્રમાદનો ત્યાગ : મનુષ્યનું જીવન પીળું થઈને ખરી જતા પાન જેવું છે. આજે કોળવું, ઉગવું, ખીલવું અને કાલે ખરી જવું. ઘાસના તણખલાની ટોચે બાઝેલા ઝાકળબિંદુ જેવું ક્ષણિક છે. માટે કોઈપણ ઉત્તમ કામ કરવામાં પળભરનો પ્રમાદ ના કરવો. આળસ ખંખેરીને કામ કરવા પાછળ ઉદ્યમશીલ બનવું એ તો સફળતાની પહેલી શરત છે.

૧૨) ક્ષમા : ક્ષમા અે માક્ષે ના ે ભવ્ય દરવાજા ે છે ક્ષમામાં પ્રકાશ છે તો વેરમાં અંધકાર છે. ક્ષમામાં સ્વભાવ છે, વેરમાં વિભાવ છે. ક્ષમામાં સાંધો છે, વેરમાં વાંધો છે. ક્ષમામાં સરળતા છે, વેરમાં વક્રતા છે. ક્ષમા વીરનું આભૂષણ છે. એટલે જ ક્ષમાની મહત્તા સ્વીકારીને અન્યને સમજાવનારા ‘મહાવીર’ થયા.

આ તમામ મુદ્દાઓને આજના સંદર્ભમાં કોઈપણ વ્યક્તિ - પેઢી-કંપનીના મેનેજમેન્ટ પ્રોગ્રામમાં ફિટ કરીને જોઈશું તો લાગશે કે કોઈની પણ સફળતા પાછળ આવાં જ કારણો જવાબદાર હોય છે. એ સમયના અને આજના લોકો પણ મહાવીર દ્વારા દર્શાવેલી શૈલીથી જીવવાની પ્રેરણા મેળવીને શાતા અને સફળતા પામી શકે છે. આ સફળતા મહાવીરની નથી. એમના દ્વારા પ્રચલિત ધર્મની નથી. આ સફળતા જીવ માત્રની છે. સરળતા, સહજતા અને નિજતામાં રહેવાથી વધુ આહ્‌લાદક બીજું કશું નથી.

 

 

 

(કચ્છ ગુર્જરી ઓક્ટોબર - નવેમ્બર ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)  

Post your comment

Comments

No one has commented on this page yet.

RSS feed for comments on this page | RSS feed for all comments

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates