માધાપરની વીરાંગનાઓની સાહસિકતા

માધાપરની વીરાંગનાઓની સાહસિકતા - દર્શના શેઠ, ગાંધીધામ (ગઢશીશા)

આ કહાની ૧૯૭૧ પછી ભારત-પાકિસ્તાન જંગની છે. આ જંગમાં કચ્છ જિલ્લાની- માધાપર ગામની મહિલાઓએ બહાદુરીની મિશાલ પેશ કરી છે એનું આ આબેહૂબ વર્ણન છે. હવે આના પરથી ફિલ્મ પણ બનાવી રહ્યા છે. Bhuj - The Pride of India, જેમાં અજય દેવગન- Squadron leader Vijay Kartikનો રોલ કરવાના છે. તો ચાલો માધાપર ગામની નારીઓની શૌર્યગાથા વિશે જાણીએ.

જ્યારે ૧૯૭૧ ભારત-પાકિસ્તાન યુદ્ધ ચાલતું હતું ત્યારે પાકિસ્તાની વિમાનોએ ભુજ એરફોર્સ એરબેજ ઉપર બોમ્બ નાખી તબાહ કરી નાખ્યો.

૩ ડિસેમ્બર ૧૯૭૧થી ૧૭ ડિસેમ્બર ૧૯૭૧ પાકિસ્તાની વિમાનોએ માલવે બોંબ ૨૨ રોકેટ નાખીને એરોડ્રામની તબાહી સર્જી ત્યારે ત્યાંના લોકો એ છોડીને બીજા ગામોમાં રહેવા ચાલી નીકળ્યા.

આ જંગમાં ભારતીય વાયુસેના જામનગરના હવાઈ અડ્ડા ઈલાકાનો ઉપયોગ કરતી હતી પરંતુ કચ્છ પાકિસ્તાનની નજીક હોવાના કારણે એરોડ્રામ યોગ્ય હોવો ખૂબ જરૂરી હતો. પાકિસ્તાન બોંબના કારણે ૧૨ ફૂટનો એરોડ્રામમાં ખાડો થઈ ગયો હતો. તેના જ કારણે ભારતીય વાયુસેનાના વિમાનો ઉડી શકતાં ન હતાં. આ એરોડ્રામ જલ્દીથી જલ્દી યોગ્ય થઈ જાય તે માટે વાયુસેનાએ ત્યાંના મજદૂરોની મદદ માંગી પરંતુ જંગના અતિશય ભયાનક માહોલમાં કોઈએ મદદ માટે હા ન પાડી.

ત્યારે વાયુસેનાએ માધાપરના ગામવાસીઓને વાત કરી ત્યારે ભયાનક વિકટ પરિસ્થિતિમાં પરિવાર અને પોતાના સંતાનોને છોડીને ત્યાંની મહિલાઓ વાયુસેનાની સાથે જોડાઈ. રનવેની મરમ્મત તથા એરોડ્રામ બનાવવાનું કાર્ય શરૂ કર્યું. પરંતુ પાકિસ્તાની વિમાનો તે આવતા જ હતા.

પાકિસ્તાની વિમાનોથી બચવા માટે વિજય કાર્નિકે પહેલેથી જ કહી દીધું હતું આ મહિલાઓને કે, પાકિસ્તાની વિમાનોનું સાયરન વાગે ત્યારે કામ છોડીને બાજુમાં ઝાડી-ઝાખરાંમાં છુપી જવું અને વિમાન જાય ત્યારે ફરીથી કામમાં લાગી જવું.

કામના પહેલા દિવસે તો ફક્ત પાણીથી કામ ચલાવવું પડ્યું મહિલાઓને. પરંતુ બીજા દિવસે બાજુમાં સ્વામી નારાયણ મંદિરથી તેમના માટે ફળ આવ્યા અને આવી રીતે રાતપાળી કામ કરીને ખંત મહેનતથી, નિડરતા, સાહસિકતાથી ૩૦૦ વીરાંગનાઓએ ૭૨ કલાકની અંદર એટલે ફક્ત ત્રણ દિવસમાં જ એરોડ્રામ તૈયાર કરી દીધો અને ચોથા દિવસે ચાર વાગે ભારતીય વિમાનની ઉડાન ચાલુ થઈ ગઈ.

ભારતના જાંબાઝ સિપાહીઓએ પાકિસ્તાની સેનાને મુંહતોડ જવાબ આપીને ૧૯૭૧નું યુદ્ધ જીતી લીધું.

આ યુદ્ધ પછી મહિલાઓનો સંપર્ક કર્યો ત્યારે એક મહિલા એવી હતી જેનો પુત્ર ફક્ત અઢાર મહિનાનો, સંતાનને પાડોશીના ઘરે મૂકી આવી હતી. ત્યારે પાડોશીઓએ એને કહ્યું કે કદાચ તને કંઈ થશે તો તારા સંતાનની કોણ જવાબદારી લેશે! ત્યારે એ મહિલા પાસે જવાબ તો ન હતો પણ એણે કહ્યું કે આ સમયે મારા દેશને મારી જરૂર છે. આ મહિલાઓમાં એટલું બધું જોશ હતું કે અગર ચોથા દિવસે પણ વાયુ સેનાને જરૂર પડત તો ‘અમે તૈયાર છીએ’ એમ કહેતી હતી.

વિજય કાર્નિકે મહિલાઓને ધન્યવાદ આપ્યા અને કહ્યું કે ૩૦૦ વીરાંગનામાંથી કોઈની પણ જાન જાત તો અમારા માટે નુકસાન હતું. આ મહિલાઓની વીરતાની યાદમાં સાલ ૨૦૧૫માં માધાપર ગામના મુખ્ય દ્વારમાં વીરાંગનાઓનું સ્મારક બનાવવામાં આવ્યું છે. આ સ્મારક રક્ષણ મંત્રી મનોહર પરિકર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સમર્પિત કર્યું છે.

આ ૩૦૦ જાંબાઝ વીરાંગનાઓએ બતાવી દીધું કે જ્યારે જ્યારે દેશમાં આપત્તિ આવશે ત્યારે દેશની એક એક વ્યક્તિ દેશ માટે તૈયાર રહેશે અને દેશ માટે પોતાની જાન પણ ન્યોછાવર કરી કુરબાની આપશે..

હોઠો પે સચ્ચાઈ રહેતી હૈ જહાં દિલમેં સફાઈ રહેતી હૈ,

હમ ઉસ દેશ કે વાસી હૈ, જિસ દેશ મેં ગંગા બહેતી હૈ.

 

 

 

(કચ્છ ગુર્જરી જાન્યુઆરી ૨૦૨૦ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)  

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates