મારી તમારી વાત

મારી તમારી વાત - ડૉ. અલકા સુનીલ શાહ, વડોદરા

દિવાળીની રજાઓ પૂરી થઈ ગઈ. સમય ક્યાં વીતતો રહે છે ખબર જ નથી પડતી. નવરાત્રિ આવે કે ઘરમાં સાફ-સફાઈના કામકાજ શરૂ થઈ જાય. ઘરનો ખૂણેખૂણો એકદમ જ ચોખ્ખો ચમકતો કરી નાખવા માટે બધી જ ગૃહિણીઓ મંડી પડે. સફાઈના કામ પૂરા થાય ન થાય ત્યાં તો મીઠાઈઓ- ફરસાણ બનાવવામાં લાગી જવાનું - એમ થાય કે દિવસના કલાકો જાણે ઓછા પડે છે. તહેવારોની મોસમમાં રસોડાની રાણીનું કામ વધી જાય છે. મારી પણ આ જ હાલત હતી. તેમાંય આ વખતે તો સગાસ્વજન ોને રૂબરૂ મળીને શુભેચ્છા પાઠવવાનું તો આ કોરોનાના કારણે અટકી જ ગયું છે. બધાને ફોનથી શુભેચ્છા સંદેશ પાઠવીને સંતોષ મેળવવાનું જરાક દુઃખદ તો હતું, પણ શું થાય?

આ સમયે અચાનક મને યાદ આવ્યું. અરે, મારી બચપનની સખી નીતાને તો શુભકામના પાઠવવાનું જ રહી ગયું છે! વળી નીતા તો મારી પાડોશમાં જ રહે. એ મારું સૌથી મોટું સદ્‌નસીબ છે એટલે વિચારેલું કે નિરાંતે બધું પતાવીને એને મળવા જઈશ અને પછી અમે બંને આરામથી બેસીને ગપ્પા મારીશું એટલે ઘરનું બધું કામકાજ પતાવીને હું નીતાને ઘેર જવા નીકળી. હજુ તો એના ઘરમાં પગ મૂકું ત્યાં જ એની નાનકડી દીકરી પરિશી દોડતી આવીને મને કહે, ‘ચાલો ને માસી.. મારી મમ્મા મારાથી રિસાઈ ગઈ છે. આજે તો મારા સાથે રમતીય નથી અને રડ્યા જ કરે છે. હું તમને બોલાવવા જ આવતી હતી. તમે મમ્માને સમજાવો ને કે એ ના રડે.’ મનમાં ચિંતાની લાગણી સાથે મેં નીતાના બેડરૂમમાં ડોકિયું કર્યું તો રડમસ- આંસુ નીતરતો નીતાને ચહેરો દેખાયો. મારી વહાલી સખીની આ હાલત જોઈને હૈયું વલોવાઈ ગયું. સતત હસતી, હસાવતી રહેતી નીતા, બધાની દરેકેદરેક ફરમાઈશ દોડી-દોડીને પૂરી કરતી, કદી ન થાકતી આ નીતાને આજે શું થયું છે કે આટલી રડે છે! મને કંઈ સમજાયું નહીં.

પરીને એની ભાવતી ચોકલેટસ અને એની મનગમતી બાર્બી ડોલની ભેટ આપીને એને રમવા માટે બહાર મોકલી. હું નીતા પાસે ગઈ. મને જોઈ ડૂસકા ભરતી નીતા કહે, ‘શૈલુ આપણી લાગણીઓ ને આપણો થાક કેમ કોઈને કદી ન દેખાય હેં? ઢગલો કામ કર્યા પછી પણ કંઈ બાકી તો નથી રહી જતું ને એવી ચિંતા મનને સતત કેમ કોરી ખાય છે? અને હા, જો ભૂલેચૂકેય એકાદ કામ બાકી રહી જાય તો એમાં મારો જ વાંક? મને કેમ કોઈ ક્યારેય એમ નથી કહેતું કે નીતા આજ તુંય થાકી છે, થોડીવાર સમય કાઢીને પગ વાળીને બેસ તો ખરી.’

એના મનનો ઉભરો એ ઠાલવી દે. હળવી બને એ માટે મારું મૌન રહેવું જરૂરી હતું. મારી પ્રશ્નાર્થ ભરી આંખોને વાંચી લઈને નીતા બોલવા લાગી.

‘શૈલુ છેલ્લા એક મહિનાથી આ સાફસફાઈના બધા કામ એકલે હાથે કરું છું. મારી બાઈ રેખાના વરને પહેલા કોરોના થયો અને પછી એ પણ પટકાઈ એટલે એના ભાગનુંય બધું કામ મારા ફાળે આવી ગયું અને આ દિવસોમાં નવી કોઈ બાઈ આવે પણ નહીં. રોજેરોજના કામ ઉપરાંત બાળકોની અવનવી માંગણીઓ- મમ્મી આજે તો ચાઈનીઝ બનાવો, તો ક્યારેક વળી પપ્પાજીની મસ્ત મજાના કાઠિયાવાડી ભોજનની ઈચ્છા પૂરી કરવાની હોય. આ સમયમાં બહારથી તો કશું જ ઓર્ડર કરવાનું નથી એટલે જાતમહેનત ઝિંદાબાદ. એમાં વળી આ ઓનલાઈન બાળકોનું ભણવાનું ને ભણાવવાનું મારું કામ ચાલે. વળી દિવાળી આવે એટલે વરસમાં એકવાર બનતા ઘૂઘરા-મઠિયા ને ચોળાફળી જેવા નાસ્તાઓ બનાવવાના આવ્યા એકલે હાથે. સવારથી સાંજ સુધી હું બધું કરું છું. મમ્મીજી તો મન હોય તો થોડી મદદ કરાવે. એટલે રાત પડે ને એવી થાકી જાઉં કે વાત કરવાનાય હોશકોશ ન રહે તોય બીજા દિવસે સવાર પડે ને કામ માટે મમ્મીજીનું લિસ્ટ તૈયાર જ હોય.’ ‘નીતા આજે બધા પડદા ધોઈ નાખીએ તો? અને હા. નવી બેડશીટ લગાવીશું ને? બાથરૂમ ક્યારે ધોવાના છે? આ બધા જ કામ પતી જાય એટલે છેલ્લે ઘર પણ ધોઈ નાખીએ.’ આવા કેટલાય કામોની યાદી તૈયાર જ હોય. પણ શૈલુ, બધું આ વખતે મારાથી ન થયું. બાથરૂમ ધોવાના રહી ગયા. દર વખતે તો રેખાની મદદ હોય એટલે અમે બંને માળિયાથી માંડીને બધું જ પતાવતા. પણ આ વખતે એકલે મેળ ન પડ્યો એટલે મેં વિચારેલું કે પછી સમય મળ્યે ધીરે ધીરે બાકી રહેલ કામ દિવાળી પછી કરીશ. મનમાં એમ પણ હતું કે એ સમયે નીરજને પણ ત્રણ-ચાર દિવસની રજા હશે તો એનીય મદદ મને મળી રહેશે. મને થોડો ટેકો રહેશે અને તને તો ખબર છે કે નીરજ કદી ના કહે જ નહીં. બસ, આ કારણે જ મમ્મીજી નારાજ થઈ ગયા. દિવાળીના દિવસથી મોં ફુંગરાવીને બેઠા છે.

કહે કે, ‘અમે તો એકલે હાથે દિવાળી આવતાં પહેલાં જ ઘર આખું અરીસા જેવું ચકમક ચોખ્ખું કરી દેતા. કશુંય બાકી ન રાખતા. તારા પપ્પાજી પાસે તો કદીય કોઈ કામ નથી કરાવ્યું. એમને પાણીનો પ્યાલો સુદ્ધાં સામેથી જ ધર્યો છે ને આ બાપડા નીરજને માંડ ચાર દિવસની રજા મળી છે એમાં એને નિરાંતે પગ વાળીને બેસવાના બદલે તું મદદ કરવાનું કહે છે?’ આખરે ગુસ્સે થઈ જાતે બાથરૂમ ધોવા બેસી ગયા. નીરજ પપ્પાજી બધાએ સમજાવ્યા પણ એમની નારાજગી તો મારી સામે હતી ને. એટલે ધરાર ન માન્યા.

ઘૂંટણના દુઃખાવાની તકલીફ તો એમને ઘણા સમયથી હતી જ. પણ એકલે હું બધું હજુય કરી શકું છું, ના ગર્વમાં. ખીજાઈને કામ કર્યું હવે બે દિવસથી એમના પગ બહુ દુઃખે છે અને એ બધાના રોષનો ભોગ આ નીતા બની ગઈ છે. હવે તું જ કહે, આમાં મારો વાંક એટલો જ હતો ને કે આ વર્ષે બાથરૂમની ટાઈલ્સ ચકમકતી રાખવાનું કામ મારાથી ન થયું તો એમાં આટલી નારાજગી? મને તો એમણે કદીય નથી કહ્યું કે બેટા, તું ય થાકી હશે, તારાય પગ દુઃખતા હશે. થોડો આરામ કરી લે ને.. મારો થાક, મારી ઉદાસીની કોઈ ગણના જ નહીં? ગમે તેટલું કરવા છતાં વહુ તો આખરે પારકી જ ને.

રડતી નીતાની વાત એકદમ સાચી જ હતી પણ આમાં શું થઈ શકે? માંડ માંડ નીતાને સમજાવી મેં શાંત પાડી. ‘નીતુ જે થયું તે ભૂલી જા, મન પર ન લે. બધું બરાબર થઈ જશે’ આવા ઠાલાં આશ્વાસનો એને આપતી રહી એની સાથે થોડો સમય ગાળી હું ઘેર પાછી ફરી. મનમાં વિચારોનું ઘોડાપુર ઉમટ્યું હતું. આવી બાહ્ય સાફ સફાઈ તો દર વર્ષે દિવાળી આવતા પહેલાં આપણે સૌ કરીએ જ છીએ. બધું કામ દિવાળી પહેલાં જ સમયસર થવું જ જોઈએ. ને વળી પુરુષોને તો ઘરના કામકાજમાં મદદ કરવાનું કહેવાય જ નહિ. આવી બધી ભ્રામક માન્યતાના જાળા ક્યારે સાફ કરી અંતરની સફાઈ કરીશું? પરણીને આવેલી વહુને લક્ષ્મી કહીને વધાવી છે તો એને હૂંફ, લાગણી અને પ્રેમના બે મીઠા બોલની જરૂર છે એ વાત ક્યારે સમજાશે? એક વ્યક્તિ પાસેથી દરેકેદરેક કામ સમયસર થવા જ જોઈએ’ની અપેક્ષા વધુ પડતી નથી?

ગૃહિણી એ ઘરનો આધારસ્તંભ છે. એનો ટેકો બનીને આપણે સૌ એની પડખે ઊભા રહીએ. એની આંખો કદીય ન છલકાય. એનું સ્વમાન કદી ન ઘવાય એ વાત આપણે સૌ સમજીએ તો જ પરિવારનો પ્રેમ અને ઐક્ય સદાય જળવાશે એવું નથી લાગતું?

 

 

 

(કચ્છ ગુર્જરી ફેબ્રુઆરી ૨૦૨૧ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates