મારી મહત્ત્વાકાંક્ષા

મારી મહત્ત્વાકાંક્ષા - નીલમબેન અરવિંદભાઈ નાનાલાલ સંઘવી, મુંદ્રા

‘આશા ન હોય તો જીવવુ નકામું, સામા નિશાન વિણનું સહુ તાકવાનું..’ સૌ કોઈ આગળ વધવા ઈચ્છે છે. આગળ વધવાની ઈચ્છા રાખવી એ માણસની સ્વાભાવિક વૃત્તિ છે. દરેક વ્યક્તિને કોઈક મહત્ત્વપૂર્ણ પદ મેળવવાની ઈચ્છા હોય છે. જો વ્યક્તિને પોતાની રૂચિનું કામ મળી રહે તો તેને એ કામ કરવામાં આનંદ આવે છે. સત્તા, પદવી, સંપત્તિ, આદર કે કીર્તિ મેળવવાની પ્રબળ ઝંખના એટલે મહત્ત્વાકાંક્ષા. સંતોષમાં સુખ હોઈ શકે છે, પરંતુ સંતોષમાં પ્રગતિ નથી. આથી દરેક વ્યક્તિએ પોતાની શક્તિની મર્યાદામાં રહીને પણ મહત્ત્વાકાંક્ષા તો રાખવી જ જોઈએ. મારી મહત્ત્વાકાંક્ષા શાળાના આચાર્યા થવાની છે. આચાર્યા થવાની ઈચ્છા મને કેમ થઈ? તે માટે આપણે તેની પૂર્વભૂમિકા જોઈએ. અતીતમાં ડોકિયું કરીએ.

આજથી લગભગ છ દાયકા પૂર્વેની આ વાત છે. હું પહેલા ધોરણમાં હતી. ત્યારે આજના જેવું ભારવાળું ભણતર ન હતું. પાટી અને પેન લઈને જવાનું અને શિક્ષક માની જેમ ભણાવે. મા-બાપને કંઈ ચિંતા જ નહીં. જાતે જવાનું અને આવવાનું. સરસ્વતી દેવી સહાય એટલે ઊંઠા, અઢીયા, રામ સુધીના પાડા શીખ્યા. આજે તો કોઈને પાડા આવડતા જ નથી. કેલક્યુલેટર હોય તો હિસાબ થાય. નાનપણથી જ ભણવામાં અવ્વલ નંબર. સાથે ઈત્તરપ્રવૃત્તિમાં પણ એટલો જ રસ. નાટક, ગરબા, ડાન્સ, વકતૃત્વ, સુલેખન, નિબંધ લેખન, રમતગમત વગેરેમાં ભાગ લઈ નંબર મેળવી ઈનામો મેળવતી.

પ્રાથમિક શિક્ષણથી ઉચ્ચ માધ્યમિક સુધીનું શિક્ષણ માંડવીની શેઠ ખી. રા. કન્યા વિદ્યાલયમાં મેળવ્યું. પ્રિન્સિપાલ ઈન્દુબેન તથા પ્રભાબેનની મારા ઉપર પ્રથમથી જ મીઠી નજર. ટ્યુશન શું એ એસ.એસ.સી.માં આવ્યાં ત્યાં સુધી ખબર જ ન હતી. વર્ગમાં ભણવાનું અને ઘેર જઈ લેશન કરવાનું. આજની જેમ મા-બાપને કોઈ ટેન્શન ન રહેતું. આગળ ભણવાની ઈચ્છા પરંતુ તે જમાનામાં છોકરીઓ બહાર ભણવા ન જાય એવા વિચારો એટલે મન મારીને બેસવું પડ્યું. પરંતુ અંદર એક તીવ્ર ઈચ્છા કે કંઈક તો કરવું જ છે. ઘરની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને જે શાળામાં ભણી એનું ઋણ ચૂકવવા એમાં ૭ વર્ષ નોકરી કરી. ત્યારે ટાઈપીંગનો જમાનો એટલે તેમાં પારંગત થઈ.

પ્રિન્સીપાલે બોલાવી. ઈન્ટરવ્યુ લેવાયો. જેમાં પાસ થઈ અને મને નોકરી મળી ગઈ. મેં વધાવી લીધી. શાળામાં ૫મી સપ્ટેમ્બરે શિક્ષકદિન ઉજવાય.  શિક્ષક બનીએ. વર્ગમાં ભણાવીએ. ખૂબ જ આનંદ આવતો. ક્યારેક આચાર્ય બનવાનું આવતું. આ બધું જોઈ મનમાં નક્કી કર્યું કે ભવિષ્યમાં શાળાના આચાર્યા બનવું. ફૂલ જેમ સુવાસથી લોકોને આકર્ષે છે એમ હું મારા આચરણ દ્વારા વિદ્યાર્થીઓમાં પ્રિય બનું. હું શાળામાં સમયસર પહોંચું. શાળાની પ્રાર્થનાસભામાં વિદ્યાર્થીઓને રોજ એક-એક જીવનોપયોગી પ્રસંગ કહી સંભળાવું. પ્રસંગોપાત્ત વિદ્યાર્થીઓને મહાન પુરુષો, સાહિત્યકારો, વિજ્ઞાનીઓ, શહીદો વગેરેના જીવન વિશે અને એમણે કરેલા ઉમદા કાર્યો વિશે માહિતી આપું. હું મારી શાળામાં અવારનવાર વિદ્વાન વકતાઓના પ્રવચનો પણ ગોઠવું. શાળામાં વર્ગશિક્ષણ અતિમહત્ત્વનું હોય છે. શાળાના શિક્ષકો વર્ગમાં સમયસર જાય અને વિદ્યાર્થીઓને ઉત્સાહપૂર્વક ભણાવે તેનું ધ્યાન રાખું. શાળાના શિક્ષકો શિક્ષણની જુદી જુદી પદ્ધતિઓ અપનાવે અને તેમાં આધુનિક શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરે તેવો આગ્રહ રાખી માર્ગદર્શન આપું. વિદ્યાર્થીઓ એકાગ્રતાથી અભ્યાસ કરે અને લેશન નિયમિત કરીને લાવ્યા છે કે નહીં તેનું વખતોવખત ચકાસણી કરું. અનિયમિત અને અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓના વાલીઓને શાળામાં બોલાવીને તેમને જરૂરી માર્ગદર્શન આપું. શનિ-રવિવારે નબળા વિદ્યાર્થીઓ માટે શાળામાં વધારાના વર્ગો પણ શરૂ કરાવું. શાળાના તમામ કર્મચારીઓ સાથે હું પરિવારભાવના કેળવું. વિદ્યાર્થીઓને જીવનમાં ઉપયોગી બને એવું શિક્ષણ મળી રહે તે માટે હું શિક્ષકો દ્વારા ઈત્તર-પ્રવૃત્તિઓનું આયોજન કરાવું. વર્ગસફાઈ, મેદાનસફાઈ, ગામ સફાઈ અને શ્રમ શિબિર વગેરે દ્વારા વિદ્યાર્થીઓને સ્વચ્છતા અને સ્વાવલંબનના પાઠ શીખવું. રક્તદાન, નિરક્ષરતા નિવારણ, વૃદ્ધાશ્રમની મુલાકાત વગેરે પ્રવૃત્તિઓ દ્વારા મારા વિદ્યાર્થીઓ સમાજોપયોગી કાર્ય કરતા થાય એવી મારી લાગણી છે. ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અને ‘સ્વચ્છ ભારત’ના સૂત્રો સાર્થક થાય. સાહસિકતાના પાઠ શીખે તે માટે હું પ્રવાસ અને પર્વતારોહણ જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરું. બાળકના વિકાસમાં માતાનો વિશેષ ફાળો હોય છે. એક સંસ્કારી માતા સો શિક્ષકોની ગરજ સારે છે એટલે માતાઓને બાળઉછેરની સરસ તાલીમ મળી રહે તે માટે તાલીમ શિબિરોનું આયોજન કરું. વિવિધ ક્ષેત્રે ગુણવત્તા ધરાવનારાઓને પુરસ્કારો આપું. હું વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે તેમ જ શિક્ષકો અને વાલીઓ વચ્ચે સુમેળભર્યું વાતાવરણ સજર્વાના કાર્યક્રમોને અગ્રીમતા આપું. સૌ પ્રથમ તેઓ શિક્ષણ માતૃભાષામાં મેળવે તેવો આગ્રહ રાખું. આ બધી પ્રવૃત્તિઓ હું નિઃસ્વાર્થભાવે અને મારી ફરજ સમજીને કરું.

હું આચાર્યા તરીકે એવી સુંદર કામગીરી બજાવું કે જેથી સમાજ માટે ઉપયોગી જીવન જીવ્યાનો મને પૂર્ણસંતોષ અને આનંદ પ્રાપ્ત થાય.

અત્રે નોંધવું ખૂબ જરૂરી છે કે દરેક વ્યક્તિએ પોતાની મહત્ત્વાકાંક્ષાની એક લક્ષ્મણરેખા દોરવી જોઈએ. મહત્ત્વાકાંક્ષી હોય એ સારી બાબત છે પણ મહત્ત્વાકાંક્ષા જ્યારે એક ઝનૂનનું રૂપ ધારણ કરે ત્યારે એ વ્યક્તિ અને સમાજ માટે જોખમી બની જાય છે. આખો ઈતિહાસ નહીં પણ ઈતિહાસના લોહીથી ખરૂડાયેલા પાના વાંચીશું તો સ્પષ્ટ ખ્યાલ આવશે કે અમર્યાદિત મહત્ત્વાકાંક્ષા એ માટે જવાબદાર હતી.

હિટલર- નેપોલિયન બોનાપાર્ટ- ચંગીશખાન- આ અને આવા સંખ્યાબંધ પાત્રો ઈતિહાસના પૃષ્ઠોમાં સ્થાન પામ્યા છે. અને આ બધાની મહત્ત્વાકાંક્ષાએ લોહીની નદીઓ વહેવડાવી હતી. મહત્ત્વાકાંક્ષા, સામ્રાજ્યવાદ પૈસો - સત્તા અને પ્રતિષ્ઠાની એક હદ સુધીની હોય તો એને વ્યાજબી ઠેરવી પણ શકાય પણ ઈતિહાસે આપણને અનેક વખત અરીસો બતાવીને ચેતવ્યા છે કે માણસની મહત્ત્વાકાંક્ષા ક્યારેય મર્યાદામાં રહી નથી. વ્યક્તિ જ્યારે વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષામાં - ‘હવે બસ’ બોલે ત્યારે સમજવું કે હવે એ ખરા અર્થમાં મહત્ત્વાકાંક્ષી હતો. અનુભવે એ પણ સમજાયું છે કે મહત્ત્વાકાંક્ષાનું ભૂત જ્યારે વ્યક્તિના માનસમાં ધૂણવા લાગે ત્યારે અનેક અનર્થો પણ ઉભા કરે છે અને એટલે જ મહત્ત્વાકાંક્ષાની પૂર્તિમાં ઉપર કહ્યું તેમ લક્ષ્મણરેખાની સાથે એ પૂર્ણ કરવા માટે સાધનશુદ્ધિ, આચાર અને વિચાર શુદ્ધિની સાથે વિવેકભાનની હાજરી મહત્ત્વની શરત બની જાય છે. મહત્ત્વાકાંક્ષી હોવું એ સહેજ પણ ખોટું નથી પણ શરતોને આધીન રહીને. અધૂરી રહેલી મહત્ત્વાકાંક્ષા પૂર્ણ કરવા માટે વ્યક્તિ બાદમાં પોતાના સંતાનો ઉપર પોતાની મહત્ત્વાકાંક્ષા જ્યારે ઠોકી બેસાડે અને એને તેમ કરવા દબાણ કરે છે ત્યારે ન સુધારી શકાય એવી ભૂલો કે અનર્થોની પરંપરા સર્જાય છે.

 

(શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટસાહિત્ય સ્પર્ધા-૨૦૧૭)

(‘કચ્છ ગુર્જરી’ના મે ૨૦૧૮ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates