મા તારી જિંદગીને ભરી દે ખુશીઓથી

મા તારી જિંદગીને ભરી દે ખુશીઓથી - હીરા ભોગીલાલ દોશી, ડોંબીવલી (માંડવી)

મા કોરા કાગળનું પણ અતિ મૂલ્યવાન છે. એના પર જે લખાય એ કાગળના કોરાપણ કરતાં તો વધારે મૂલ્યવાન હોવું જોઈએ.

બાળકોની તીવ્ર ઈચ્છા છે કે મા પોતાના માટે થોડો સમય કાઢે, પણ મા તો આખો દિવસ ઘરમાં જ કંઈને કંઈ કર્યા જ કરે છે. બાળકોના અરમાન છે કે મા આયુષ્યના છેલ્લાં વર્ષો ખુશી સાથે જીવે અને પોતાના બધા શોખ પૂરા કરે પણ મા ને તો બે ઘડી બેસવાના સમય જ ક્યાં છે?

દીકરા કહે છે, મા તું આ ઘરમાં આવી હતી ત્યારે વીસ વર્ષની હતી. તું નવી જિંદગી શરૂ કરવા આંખોમાં વિસ્મય અને મનમાં અરમાનો લઈને આવી. દુનિયાદારી અને સામાજિક હકીકતોથી અજાણ હતી. જવાબદારીથી તારું જીવન ખર્ચાઈ ગયું અને તને સીધી સ્ત્રી બનાવી દીધી. એક ખાસ ઉંમરની મસ્તી, બેફિકરાઈ કે અલ્લડતા શું છે. એ સમજવાનો તને મોકો જ ન મળ્યો.

તેં જાતમહેનત કરીને અમને ભણાવી-ગણાવી મોટા કર્યા. તારા સંતાનોને જન્મ આપી તે અમારા માટે એક એવું ઋણ કે અમો તેને ક્યારેય ચૂકવી શકવાના નથી. અમોને જે પાંખો મળી અને અમે ઉડી ગયા અમારી મનગમતી દિશામાં એ જ પાંખોને સહારે જેમાં પ્રેમ, લાગણી, હૂંફ અને હિંમત અને સ્વમાનની તાકાત તેં ભરી આપી હતી. અમે નીકળ્યા ભણવા માટે, કમાવવા માટે, નવા અનુભવ માટે. એક અજાણ્યા રસ્તા પર હંમેશા માટે ચાલી ગયા. ત્યારે તારી બંગડી તૂટવાનો સાંભળેલો અવાજ આજે પણ તારા સંતાનોને હચમચાવી જાય છે.

તું એકલી થઈ ગઈ હતી પણ આજે તારા દીકરાઓ-વહુઓ અને પૌત્રા-પૌત્રીઓ તારી સાથે જ છે. તારા પરિવારમાં બધાની ઈચ્છા છે કે હવે તારે પાંખો ફેલાવવાની છે. ઉડવાનું છે. તું ઉડીશ મનગમતી દિશામાં. આગળ શું મળશે અને પાછળ શું છૂટશે એની પરવા કર્યા વગર. સંબંધોના સરવાળા, બાદબાકી અને ગુણાકાર-ભાગાકાર બાજુ પર મૂકી તું ઉડજે. તું વાતો કરજે. તારી સાથે જે મળે તેની સાથે, કોઈ મળે કે હસી જવાય કે રડી જવાય તો બંને રીતે દિલ ખોલી લેજે.

સાડીનો કલર કે માથા પરની બીંદી, હાથમાં કંગન, પગમાં મોજડી પહેરજે, કોઈ શું કહેશે કે શું થશે કે શું લાગશે જેવી ચિંતાને બાળીને એની રાખ હંમેશા માટે કોઈ નદીમાં પધરાવી દેજે. ક્ષિતિજની પેલે પારથી પપ્પા ફરી મલકાઈ પડશે. તું જીવી લે. વિસજર્ન થાય તે પહેલાં તારું સજર્ન કરી લે.

તારા દરેક શોખને પૂરા કર, તું કહે છે કે મને ‘કચ્છ ગુજર્રી’ના અંકમાં લેખો લખવા ગમે છે તો તું તારા મનમાં ઉદ્‌ભવતા વિચારોને લેખમાં લખી તારા શોખને પૂરા કર.

અત્યારે ભલે તારા દેહમાં કરચલીઓ પડી છે પણ તારા હૃદયમાં જોમ અને જુસ્સો છે. તારા શોખને પૂરા કરી તારી જિંદગીને ખુશીઓથી ભરી દે. મા તમે ઘણું જીવો.

- તારા જ સંતાનો.

 

 

(કચ્છ ગુર્જરી માર્ચ ૨૦૨૦ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates