લેખ એક રંગ અનેક

લેખ એક રંગ અનેક - હીરા ભોગીલાલ દોશી, ડોંબીવલી (માંડવી)

૧) આ આશીર્વાદ પણ જબરી ચીજ છે. આપણે જ આપણા માથા પર આપણો હાથ જોઈએ તો અફસોસ વ્યક્ત કરીએ છીએ. અરેરે! મરી ગયા, તૂટી ગયા.. પણ આ જ હાથ બીજા કોઈના માથા પર જાય તો આશીર્વાદ બની જાય છે. એક હાથ કામ ટૂ ઈન વન.

૨) તમો બધાને ગમો તેવી ઈચ્છા રાખવી એ ખોબામાં દરિયો સમાવવા જેવી વાત છે.

૩) માત્ર મંદિર બનાવીને આસ્થાને પોષવાને બદલે ઘરમાં આવતી દીકરીને પણ જીવતા જાગતાં માતાજીની જેમ પૂજવામાં આવે તો ઘર પણ એક મંદિર સમાન બની જાય.

૪) સંસારનું બંધન, ધનનું બંધન, પ્રતિષ્ઠાનું બંધન બધું ભેગું કરતા ગયા. સંપત્તિને સુખ સમજી લીધું. ગળામાં સોનાની ચેન પહેરી નીકળી પડ્યા, પણ એ ભૂલી ગયા ‘જબ તક ગલેમેં ચેન, તબ તક મન બેચેન’ ચોરાવાનો, લૂંટાવાનો ભય. તો સોના કૌન સા અચ્છા? ભૌતિક સોના, કિ રાત કો ચૈન સે સો શકે વો સોના? અબ આપ સોચો તો ફિર સુખી કૌન- સોનેકી ચેનવાલા યા ચૈન સે સોનેવાલા?

૫) મુંબઈની સુગંધ, મુંબઈની એનર્જી. આ બધું તમે મુંબઈની હવામાં અનુભવી શકો અને મુંબઈથી દૂર રહીને પાછા આવ્યા પછી જ આ વાતાવરણને ફીલ કરી શકો. મુંબઈ અલગ અલગ જ એનર્જી-લેવલ ધરાવે છે. મુંબઈ ક્યારે સૂતું નથી, હંમેશા ભાગતું જ રહે છે. સૌથી બેસ્ટ એ છે કે એ ફરિયાદ વિના આગળ વધતું રહે છે. મુંબઈ ક્યારેય થાકતું નથી. ઉદાસ થતું નથી, અને ક્યારેય હારતું પણ નથી.

૬) મતભેદ હોય તેનો અર્થ એવો નથી કે સંબંધો કોરાણે મુકાઈ ગયા છે. મનભેદ હોય ત્યાં જ આવું બને છે. આજે મતભેદ તરત મનભેદમાં ફેરવાઈ જાય છે. તરત જ એકબીજા સામે આવી જાય છે. એકબીજા વાતો કરતા બંધ થઈ જાય છે, વ્યવહાર અટકી જાય છે. સંબંધો પર પૂર્ણવિરામ મૂકાય છે. આ ભૂલ માનવીએ ક્યારેય ન કરવી જોઈએ એવી ભૂલ જો અજાણતાં પણ થઈ જાય તો માત્ર અહમ્‌ જીતશો પણ સંબંધ અને લાગણીની બાબતમાં હાર તમારા પક્ષે રહેશે તે નિશ્ચિત છે. મનનો અભિગમ બદલવાથી તમે તમારી આખી જિંદગીને બદલી શકો છો.

૭) શાંત મન ન રહે તો વાંધો નહીં, માત્ર જીભ શાંત રહે તોય ઘણું છે.

૮) સારો માણસ કેવો હોવો જોઈએ તેની દલીલોમાં હવે વધુ સમય વેડફવા કરતાં આપણે સારા માણસ બનવાનો પ્રયત્ન કરીએ.

૯) જેને શીખતાં આવડે છે, તેને બધું આવડે છે.

૧૦) આ જગતમાંથી હું એક જ વાર નીકળવાનો છું તેથી હું જો કોઈ સારું કામ કરી શકું તેમ હોઉં તો લાવ અત્યારે જ કરી લઉં, ફરીથી હું અહીંથી પસાર થઈ શકું તેમ નથી!

૧૧) તમે ક્યાંથી આવ્યા તે મહત્ત્વનું નથી, જેટલું મહત્ત્વનું તમે ક્યાં જઈ રહ્યા છો એનું છે.

૧૨) એ માણસ સૌથી વધુ સુખી છે કે જે નિયતિ સામે પડકાર ફેંકી શકે. ‘મારી આવતી કાલ ભલે ખરાબમાં ખરાબ હોય, મને આનંદ છે કે મેં મારો આજનો દિવસ પૂરેપૂરો માણી લીધો છે.’

૧૩) મસ્તી નથી જીવનમાં, એ જીવનની હસ્તી નથી, અને હસતાં હસતાં જિંદગાની ગાળવી કૈં સસ્તી નથી.

૧૪) લેખક લખે છે ત્યારે એકલો હોય છે પણ વંચાય છે ત્યારે લાખો તેની સાથે હોય છે.

 

 

 

(કચ્છ ગુર્જરી ઓક્ટોબર - નવેમ્બર ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates