લગ્નોત્સવના વિધી-પ્રતિકો

લગ્નોત્સવના વિધી-પ્રતિકો - ગીતા હિતેશ શાહ, ભુજ (અંગીયા)

લગ્ન એટલે સંસ્કૃતમાં "cJ²' ધાતુ પરથી બન્યો છે એનો અર્થ સ્પર્શ દ્વારા મિલન થાય છે. મન એક થવા માટે બે મન જોડાય તેનું નામ લગ્ન. ચિત્તના આંતરિક સૌંદર્યને જોનાર અને સમજનાર આત્માનો અનુભવ કરી શકે છે. લગ્ન જીવનની આ જ સાચી સાધના છે. લગ્નવિધી અને તેમાં વપરાતી સાધન-સામગ્રી અને પ્રતિકો ગૃહસ્થાશ્રમને સફળ બનાવવા ઘણા ઉપયોગી છે.

વરઘોડો : વરઘોડાની પ્રથા પાછળ ઘોડાને ઈન્દ્રિયોરૂપી કલ્પેલ છે. ઈન્દ્રિયો ઉપર કાબુ મેળવવા માટે લગ્નસંસ્કાર કરવામાં આવે છે. લગ્નજીવન એટલે અંકુશિત જીવન.

પોખણું (વલોણું) : પોખવાની ચીજોમાં વલોણું હોય છે. વલોણા થકી દહીંમાંથી માખણ કાઢી જે રીતે મંથન કરવામાં આવે છે તે રીતે લગ્નજીવનમાં મંથનની સાધના વડે દોહન કરી જીવનને પ્રેમમય બનાવાય છે.

પોખણું  (તરાક) : લગ્નજીવન રેટિયા જેવું  છે. પતિ-પત્નીરૂપી તેનાં બે ચક્રો છે. પ્રેમની દોરી વડે આ ચાક બંધાયેલા અને ફરતા રહે તો જ તરાકમાંથી સ્નેહરૂપી સુતર નીકળશે.

પોખણું (મુશળ) : સંસાર વ્યવહારમાં વાસનાઓને ખાંડણીયામાં મુશળથી ખાંડી પ્રેમને અંખડ રાખવો.

પોખણું  (ધુસરી) : જિંદગી એ રથ છે.  રથ ચલાવવા માટે પતિ-પત્નીરૂપી બે પૈડાંઓની જરૂર છે. જીવનરથને શીલ અને શિસ્તના ચીલામાં રાખશો તો જીવનનો ભાર લાગશે નહિ.

વરમાળા : કદીએ ન તૂટે એવા પ્રેમના તારે એકબીજા સાથે જોડાય છે. ફૂલના હારથી કન્યા વરરાજાનું સ્વાગત કરે છે અને લગ્નવિધી વખતે સુતરના હાર વરકન્યાના ગળામાં પહેરાવવામાં આવે છે. સુતરના એક તાંતણે બે હૈયા ક બને છે.

મંગળસૂત્ર : લગ્ન મંડપમાં બેઠા પછી વરરાજા સ્વહસ્તે કન્યાને મંગળસૂત્ર પહેરાવે છે અને ત્યારબાદ બધી લગ્નવિધી આરંભાય છે. મંગળસૂત્રને સૌભાગ્યનું આભૂષણ ગણવામાં આવે છે એટલે કે મંગળસૂત્ર ધારણ કરતી પત્નીનો સુહાગ સદા અખંડ રહે છે.

પાણિગ્રહણ (હસ્તમેળાપ) : માતાપિતા પોતાની સર્વ ગુણ સંપન્ન એવી પુત્રીને તેવા જ સંસ્કારી કુટુંબના સર્વગુણ સંપન્ન એવા પુત્રના હાથમાં સોંપે છે. આમાં અગ્નિ અને પાણીની સાક્ષીએ બે વ્યક્તિના જોડાણ ઉપરાંત બે સંસ્કારોનું જોડાણ થાય છે. તેનું નામ પાણિગ્રહણ.

મંગળફેરા : મંગળફેરાની વિધીમાં પ્રથમ ત્રણ ફેરા ફરતી વખતે કન્યા આગળ રહે છે અને પતિ તેની પાછળ દોરાય છે. એનો અર્થ એ છે કે ઘરનાં દરેક વ્યવહારમાં સ્ત્રીના ત્રણ મત રહેશે અને પુરુષનો એક મત રહેશે. ધર્મ, અર્થ અને કામ. આ ત્રણમાં સ્ત્રીના મતે ચાલીને ઘરમાં ધર્મનું પાલન કરે. ચોથા ફેરામાં પુરુષ આગળ રહે છે. ચોથો પુરુષાર્થ મોક્ષ છે. આમ, ઉપનિષદના સારરૂપ મંગળતત્ત્વો મંગળફેરાની ક્રિયામાં વણી લેવામાં આવે છે.

સપ્તપદી : સપ્તપદી દ્વારા વરકન્યા અરસપરસ સાત પ્રતિજ્ઞાઓ લે છે. સપ્તપદીને એક એક પગલે વરકન્યાને એક પછી એક અધિકાર આપતો જાય છે. પોતાના માન, પાન, અન્ન, ધાન, ધન, આરોગ્ય વગેરેમાં પોતાના જેટલો જ ભાગ આપે છે. પત્નીને પોતાની ઈષ્ટમિત્ર ગણે છે. જેની સામે પત્ની પણ દરેક પગલે પતિને અનુસરવાની વિવિધ પ્રતિજ્ઞાઓ લે છે.

મંગલાષ્ટક : લગ્નવિધી પૂર્ણ થતાં મંગલાષ્ટક ગાવામાં આવે છે. આ આઠ અષ્ટકો દ્વારા દંપતિના જીવનમાં માંગલ્ય પ્રગટાવીને પ્રસન્ન દાંપત્યજીવનનો અનુરોધ કરાય છે અને આ રીતે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સાધવા માટે લગ્નજીવનની અગત્યતા સ્વીકારાય છે.

રામણદીવડો (સંસ્કારદીપ) : કન્યા વિદાય વખતે રામણ દીવડો પ્રગટાવવામાં આવે છે. આ જ્ઞાનદીપને પ્રગટાવીને કન્યાના માતાપિતા ઈચ્છે છે કે જે રીતે પિતાના ઘરને અજવાળ્યું છે તે રીતે શીલ અને સંસ્કારની સુવાસથી તારા પતિના તારા પતિના ઘરનો પણ અજવાળજે આમ, સંસ્કારના દાયજાનું પ્રતીક.

મા-માટલું : માની મમતા અગાધ છે. ‘મા’નો પ્રેમ સાગર સમાન છે. કન્યાવિદાય વખતે તે પુત્રીના જીવનનું માંગલ્ય ઈચ્છતી હોય છે. આવા સાગર સમા માતૃપ્રેમને ગાગર સમા મા માટલામાં ભરવામાં આવે છે અને રિદ્ધિ-સિદ્ધિના પ્રતિક સ્વરૂપે નાની-મોટી વસ્તુઓ શુભ ચોઘડિયે માટલામાં માની મમતાના પ્રતિકરૂપે ભરવામાં આવે છે.

 

 

 

(કચ્છ ગુર્જરી સપ્ટેમ્બર ૨૦૨૦ માસના અંકમાં પ્રસિદ્ધ થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates