ભગવાન, થોડી જિંદગી બાકી રાખજે કે મારા કચ્છ દેશમાં મારે જીવવું છે! કોણ જાણે આ કેવી મુંબઈમાં આવી ગયો છું, બધાને એમ છે કે હું ફાવી ગયો છું,
અહીં કોઈ કોઈને બોલાવતાં બીએ છે, ને મારા દેશમાં લોકો એકબીજાને જોઈને જીવે છે, અનહદ ઠંડીમાં લેપટોપ સાથે એક રૂમમાં પુરાઈ ગયો છું ને બધાને એમ કે હું ફાવી ગયો છું.
અહીં માણસમાંથી દોસ્ત નીકળી ગયો છે ને લોકોનો સ્વભાવ બધાને ભરખી ગયો છે, લાગણી વગરના માણસો સાથે ફસાઈ ગયો છું, ને બધાને એમ કે હું ફાવી ગયો છું,
કોણ જાણે આ કેવા દેશમાં આવી ગયો છું, બધાને એમ છે હું ફાવી ગયો છું.
ખાવું છું, ને ઓફીસ જાઉં છું, માણસમાંથી જાણે મશીન બની ગયો છું, આઝાદ ગામમાંથી અહીં આવી ફરી ગુલામ બની ગયો છું, ને બધાને એમ કે હું ફાવી ગયો છું.
ભગવાન, થોડી જિંદગી બાકી રાખજે કે મારા દેશમાં મારે જીવવું છે, ફરી ટોળે વળી પેલા ગલ્લે બેસવું છે, બાઈક પર ત્રણ સવારી રખડવું છે. ભગવાન, પોતાના લોકોથી છૂટો પડી ગયો છું, ને બધાને એમ કે હું ફાવી ગયો છું.
કોણ જાણે આ કેવા દેશમાં આવી ગયો છું, બધાને એમ છે કે હું ફાવી ગયો છું..
દરેક કચ્છીને સમર્પિત...
(કચ્છ ગુર્જરીના માર્ચ ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)