કચ્છ ગુર્જરીને એક પત્ર

કચ્છ ગુર્જરીને એક પત્ર - રેખાબન જે. સંઘવી, અંબરનાથ

શ્રીયુત મહેન્દ્રભાઈ,

‘કચ્છ ગુર્જરી’ અંક જ્યારથી ચાલુ થયો ત્યારથી અમે મેમ્બર છીએ. આજ વર્ષોથી હર મહિને બરાબર અંક અમને મળી જાય છે. ને એમાં આવેલ વિગતો, લેખો આપણી નાતના સમાચારો, પ્રોગ્રામની જાહેરાત, નાના-મોટા વિદ્યાર્થીઓએ ભણવામાં ઉચ્ચ ડિગ્રી મેળવવામાં કરેલ આગેકૂચ અને સમાજે કરેલ એમનું સન્માન, તપસ્વીનું સન્માન, દાતાઓનું સન્માન. આમ બધી જાતની આપણા જાતના લોકોએ કરેલ પ્રગતિ આ ‘કચ્છ ગુર્જરી’ના માધ્યમથી જાણી ઘણો જ આનંદ ને અભિમાન થાય છે.. આપણા લોકોની પ્રગતિ ઘર બેઠે જાણવા મળે છે. લગ્ન માટેની જાહેરાત પણ છાપવામાં આવે છે. એ બહુ જ જરૂરી છે.

લોકો આજકાલ ક્યાંય દૂર દૂર વસતા હોય છે, પણ આપણું ‘કચ્છ ગુર્જરી’ મેગેઝીન આપણા લોકોને આપણી આંખ સમક્ષ લાવે છે. આમાં જ બધાને મળીને ઘણો જ આનંદ આવે છે અને હવે તો લેખો લખી મોકલવાની કોમ્પીટીશનમાં ઘણાં બધાં બહેનો અને ભાઈઓ ભાગ લે છે, ને સરસ સરસ વાંચવા ગમે એવા લખાણો મોકલે છે. બહેનો પણ ખૂબ સરસ લેખ લખી મોકલે છે. વાંચીને ઘણો જ આનંદ આવે છે. છપાઈકામ પણ અને ભાષા પણ શુદ્ધ હોય છે.

આપણી જ્ઞાતિનું ‘કચ્છ ગુર્જરી’ અંક વર્ષોથી ચલાવનાર અને ચાલુ રાખનાર અને શુદ્ધ ભાષા- છપાઈકામ માટે જે બધા સખત મહેનત કરે છે. વધારે સારું બનાવતાં જાય છે, તે એના માટે ‘કચ્છ ગુર્જરી’ની ટીમને સર્વેને મારા અને દરેક ભાઈ-બહેનો તરફથી હું અભિનંદન આપું છું. મારી ઉંમર તો અત્યારે ૭૫ વર્ષની ઉપર છે. હું પહેલેથી મેમ્બર છું અને એક એક મેગેઝીન મેં વાંચેલ છે. હજુ મારી પાસે બધા મેગેઝીન છે. કોઈને જોઈતા હોય તો જરૂર સંપર્ક કરે.

બીજી વાત, મે-૨૦૧૮ના અંકમાં‘વહીથી વસતિપત્રક અને હવે ઈ ડીરેક્ટરી’ જે બહાર પડી છે. એનો ઈતિહાસ શ્રીયુત ભાઈ જગદીશભાઈ શાહએ લખી મોકલેલ છે. એ વાંચ્યા પછી સમજાય છે કે એ લેખ લખવા માટે તેમણે બધી વિગતો એકઠી કરી તે જાણકારી આપી તેથી સમજાય છે કે એ લખવા માટે એમણે ખૂબ જ મહેનત કરેલ છે. આટલી બધી વિગતો શોધીને લખવી એ ખૂબ મુશ્કેલ કાર્ય છે અને એવો જાણકારીભર્યો લેખ તો શ્રી જગદીશભાઈ જ લખી શકે. સખત મહેનત માગી લે તેવું કામ છે અને એ માટે તેમને મારા ને સમાજના સર્વે ભાઈ બહેનો તરફથી ખૂબ જ શુભેચ્છા ને અભિનંદન આપું છું. એમના માટે પ્રભુને પ્રાર્થના કરું છું કે હજું પણ ઘણું ઘણું લખે ને લોકોને જાણકારી આપે, એમણે ઘણું અઘરું કામ કરેલ છે તેમને મારી શુભેચ્છા.

‘કચ્છ ગુર્જરી’ના સંપાદક શ્રીયુત મહેન્દ્રભાઈને મારા પ્રણામ. સાચું કહું તો મને તમે જે ‘સંપાદકની કલમે’ લખો છો તે ખૂબ જ સચોટ અને સમજવા જેવું હોય છે. હું જરૂર કહીશ કે તમે આજના જમાનાને અનુરૂપ-ઉપયોગી સ્વીકારવા જેવી વિગત હોય છે. એમની કોલમ દરેકે વાંચવી જેથી આપણને ખ્યાલ આવશે કે એમને લોકોની કેટલી ચિંતા અને લાગણી છે. છેલ્લા ૧૧ વર્ષ હું ઓમાનમાં વધારે રહેતી, અહીં પણ આવતી-જતી જેટલું વાંચવાનું થતું એટલું વાંચતી, પણ હાલ હું અહીં જ છું. તો હું મહેન્દ્રભાઈની કોલમ જરૂર વાંચું છું. થોડા વખત પહેલાં તેમનો એક લેખ વિદ્યાર્થીઓ પર હતો એમાં કહેવાનું તાત્પર્ય એ હતું કે દરેક વિદ્યાર્થીએ મહેનત કરવી, રીઝલ્ટ આવે તે સ્વીકારવું, દુઃખી થઈ કોઈ એવું પગલું ન ભરવું કે પાછળ મા-બાપને દુઃખી કરીએ. દુનિયામાં ઘણું જ કરવાનું છે તો અલગ રસ્તે આગળ વધવું. જિંદગી જીવવા માટે છે, ભગવાનને સાથે રાખી સાચે રસ્તે ચાલવું.

મહેન્દ્રભાઈના બીજા એક લેખમાં સમાજની ચિંતા કરતાં કહે છે- જાતિમાં લગ્ન કરવા સારા. સાચી વાત છે. સમજવાનું છે. પોતાની જ્ઞાતિમાં જ લગ્ન થાય એમાં જ સારું રહે છે. પણ આજકાલ ભણેલા છોકરાં, ભણેલી છોકરીઓને પસંદ નથી કરતા એટલે બહારના મુરતિયા જોવા પડે છે. મા-બાપને કંઈ પસંદ નથી હોતું. મને લાગે છે મા-બાપે સમજાવવું જોઈએ કે લગ્ન આપણી જ્ઞાતિમાં જ થવું જોઈએ. અજાણ્યામાં કરવાથી દુઃખી થવાનો વારો આવે છે અને બીજી ઘણી સમસ્યાઓ ઉભી થાય છે. સમાજની આમન્યામાં રહેવું જોઈએ.

શ્રી મહેન્દ્રભાઈ આપણે જે પણ કોઈ મુદ્દા વિશે સમજાવે છે એ એમની માનવજાત પ્રતિ લાગણી અને ચિંતા જણાય છે એમને મારી શુભેચ્છા અને અભિનંદન.

**

ફેબ્રુઆરી ’૧૮માં મેં જરા ચિંતિત લખાણ લખેલ જે મહેન્દ્રભાઈએ ‘કચ્છ ગુર્જરી’માં બધા સામે વાંચવા મુકેલ પણ કોઈ તરફથી કંઈ પ્રતિભાવ ન આવ્યો એ નિરાશાજનક છે. ૪૦થી ૫૦ વર્ષની ૧૫-૨૦ વ્યક્તિ પણ ‘અમે છીએ ને?’ એવો ઉદ્‌ગાર ન આવ્યો. સમજાયું કે આપણે લોકો દાન કરવામાં આગળ છીએ, પણ પોતાનો ટાઈમ ને જાત-મદદ કરવા તૈયાર નથી. બધાને અવનવા પ્રોગ્રામ, પચીસ જાતની જમણમાં આઈટમ, જાતજાતની કોમ્પીટીશન વિ. તો બધાંને ગમે એમાં વાંધો નથી. પણ હજારોમાંથી કોઈ એમ ન કહી શક્યું કે અમે છીએ ને? કોઈને કોઈની જરૂર કે હાજરી કામ આવે કે નહીં તે કોઈને થોડી ખબર છે? જવા દો... તો હવે પગારદાર ટીમ બનાવો. ભલે બહારના હોય, પણ જરૂર પડે પહોંચી જાય.

‘કચ્છ ગુર્જરી’ અને એના સંપાદકનો ખૂબ આભાર કે જેમાં હું મારા વિચાર રજૂ કરી શકું છું.

આભાર.

 

 

(કચ્છ ગુર્જરી ડિસેમ્બર ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)  

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates