ક્ષમાપના

ક્ષમાપના - લલિત ત્રંબકલાલ શાહ, કાંદિવલી

ક્ષમાપના એ પર્વાધિરાજ પર્યુષણનું એક પ્રાણરૂપ કર્તવ્ય છે. આ પર્વ એ ક્ષમાનું ગાન ગાવાનું પર્વ પણ ગણાય છે. ક્ષમાપના એ માણસના મસ્તકનો મુકુટ બનીને, આંગળીઓની વીંટી બનીને અને હૈયાનો હાર બનીને શોભા આપે એવું તત્વ છે. ઝુકીને જીતવાની કલા અને કાળજામાંથી કટુતા, ક્રૂરતા અને કડવાશ કાઢી નાખવાનો કીમિયો એટલે ક્ષમાપના. ‘ક્ષ’એટલે ક્ષતિ અને મા એટલે માફી. ક્ષતિની માફી માંગવી એટલે ક્ષમા. ક્ષમાપનામાં કેટલી પ્રચંડ શક્તિ સમાયેલી છે એ તો આ ભવે જ સમજી શકાય પણ સમ્યક્‌ પ્રકારે જો ઉત્કૃષ્ટ ભાવથી ક્ષમા માંગવામાં અથવા આપવામાં આવે તો કેવલજ્ઞાન પ્રગટાવાની અમોઘ શક્તિ પણ ક્ષમા ધરાવે છે. ક્ષમા એ વેરનું વિસજર્ન કરી પ્રેમનું સજર્ન કરતી દિવ્ય શક્તિ છે જેમાં માંગનાર યાચક અને આપનાર દાતા છે. જિંદગી પસાર કરતાં પ્રમાદવશ કે મોહવશ થઈને અનેક જીવોના આપણે અપરાધી બનીએ છીએ. ઘણા આત્માઓને દુઃખ અને વેદના પહોંચાડીએ છીએ. ક્યારેક સામા જીવો પણ આપણા અપરાધી બને છે. આ અપરાધોની પરંપરા અગ્નિ શર્મા અને ગુણસેનની જેમ જન્મોજન્મ સુધી ન ચાલે અને આ જન્મમાં પણ આપણને અસમાધિમાં ન રાખે તે માટે જ શાસ્ત્રકાર ભગવંતોએ ઓછામાં ઓછું વરસમાં એકવાર ક્ષમા માગવાની તેમજ આપવાની વાત કરી છે.

ક્ષમા શબ્દ બોલવો સહેલો છે પણ આપવી ખરેખર અઘરી છે. જીવનમાં નમ્રતા આવ્યા વિના અને ઉદારતા પ્રગટ્યા સિવાય સામાને ક્ષમા આપી શકાતી નથી. સાચી ક્ષમાનું આદાનપ્રદાન ત્યારે જ શક્ય બની શકે જ્યારે તેનેના પાયામાં સ્વદોષ દર્શન અને પરગુણદર્શન જેવા બે મહાન સદ્‌ગુણો વિદ્યમાન હોય. જો આપણે અહંકારને અળગો કરીને આપણી ભૂલનું દર્શન અને બીજાના ગુણોનું સ્મરણ કરીને તેનો સ્વીકાર કરશું તો જ મનુષ્ય જીવન સાર્થક થયું ગણાશે. સામાની ભૂલને યાદ રાખવી એ કાયરતા છે જ્યારે ભૂલી જવી એ બહાદુરીનું લક્ષણ છે. ક્ષમા માંગનાર મહાન છે, તેમ ક્ષમા આપનાર પણ મહાન છે. એટલા માટે જ કહ્યું છે કે ક્ષમા વીરસ્ય ભૂષણમ્‌, અર્થાત્‌ ક્ષમા એ જ વીરોનું ભૂષણ છે. ક્ષમા એ જ હૃદયનો ધર્મ છે. આચાર્ય ઉમાસ્વાતિજીએ પણ પ્રશમરતિમાં ક્ષમાને સમતા અમૃત કહ્યું છે. ક્ષમા સંબંધી અનેક દૃષ્ટાંતો શાસ્ત્રમાં મોજુદ છે. કૂરગડુ મુનિ, મેતારજ મુનિ, ઘાણીમાં પીલાતા ૫૦૦ મુનિઓએ પાલક પ્રત્યે દાખવેલી ક્ષમા, મસ્તક પર સગડી મૂકવા દ્વારા મોત લાવતા સસરા, સોમિલ પર ગજસુકુમારના વરસતા હેત, છ-છ મહિના સુધી સતત ઉપસર્ગોની ઝડીઓ વરસાવતા સંગમ પ્રત્યે પ્રભુ વીરે દાખવેલી અદ્‌ભુત ક્ષમા. આવી મહાન વિભૂતિઓ અને પુણ્યપુરુષોના આપણે પણ વારસદાર છીએ. આપણને પણ એ જ ક્ષમા મંજુર છે. જગતના હે જીવો, હું મારા અપરાધોની આપની પાસે ક્ષમા માગું છું. આપ સહુ મને ક્ષમા આપો અને મારા પ્રત્યે જાણતાં કે અજાણતાં તમારામાંથી કોઈના પણ દ્વારા અપરાધ થઈ ગયો હોય તો એ અપરાધોની હું ઉદારદિલે ક્ષમા આપું છું. આવો, અત્યંત કોમળ દિલે મૈત્રીનું ગાણું ગાઈએ. સર્વથા સહુ સુખી થાઓ, પાપ ન કોઈ આચરો, રાગ-દ્વેષથી મુક્ત થઈને, મોક્ષ સુખ સહુ જગાવશે.

 

(કચ્છ ગુર્જરીના ઓગષ્ટ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates