ખુશીની જિંદગી

ખુશીની જિંદગી - મુક્તિ ભદ્રેશ ભણસારી, અંજાર (માનકુવા)

દરેકની જિંદગીમાં સારી અને ખરાબ ઘટનાઓ ઘટતી રહે છે. ક્યારેક આપણો સામનો નેગેટિવ ભરી વસ્તુઓ જોડે થાય છે. અને એવું પણ બનતું હોય છે કે નકારાત્મક ચીજ-વસ્તુઓ ને લઈને આપણે એટલું બધું વિચારવા લાગીએ છીએ કે આપણે સકારાત્મક વસ્તુઓ ને નજર અંદાજ કરતાં જઈએ છીએ. અને આપણા જીવનમાં બધું સકારાત્મક વસ્તુઓ નું ધ્યાન નકારાત્મક વસ્તુઓ તરફ જતું રહે છે, આથી આપણા જીવનમાં ખુશી રહેતી નથી. ખુશ રહેવા માટે શું કરવું જોઈએ? શું કરીએ તો ખુશી મળે? એક વાર્તા છે જેના માધ્યમથી ઘણું શીખી શકશો…

એક દિવસ એક કોલેજમાં એક પ્રોફેસરે કક્ષામાં પ્રવેશ કર્યો. પોતાના બધા વિદ્યાર્થીઓને કહ્યું કે આજે તેઓ એક સરપ્રાઇઝ ટેસ્ટ લેવાના છે. તમે પણ વિદ્યાર્થી હશો ત્યારે તમને ખબર હશે કે સરપ્રાઈઝ ટેસ્ટ નું નામ સાંભળીને આપણે પણ નિરાશ થઈ જતા હતા, એ કક્ષામાં પણ બધા વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા.

પ્રોફેસરે બધા વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર આપી દીધું. અને બધાને અપાઈ ગયું એટલે કહ્યું કે હવે તમે જવાબ આપી શકો છો. પરંતુ પ્રશ્નપત્ર જોઈને દરેક વિદ્યાર્થીઓને આશ્ચર્ય થયું, એ કક્ષામાં એક પણ વિદ્યાર્થી એવો ન હતો જેનો ચહેરાનો હાવ ભાવ આશ્ચર્ય ચકિત ન હોય. બધા આશ્ચર્ય ચકિત થઈ ગયા કારણકે પ્રશ્નપત્રમાં એક પણ પ્રશ્ન હતો જ નહીં. આખા પ્રશ્નપત્રમાં બરાબર વચ્ચે એક કાળું ટપકું હતું. પ્રોફેસરે બધાના ચહેરા પર નો હાવભાવ જોયો અને કહ્યું હું ઈચ્છું છું કે તમે જે પ્રશ્નપત્રમાં જોઈ રહ્યા છો તે સવાલનો જવાબ લખવા માંડો.

બધા વિદ્યાર્થીઓ મૂંઝાઈ ગયા,મુંઝવણમાં તેઓએ એક અસાધારણ કાર્ય શરૂ કરી દીધું. સમય પૂરો થયો એટલે પ્રોફેસરે બધા વિદ્યાર્થીઓ ની જવાબ વહી એટલે કે આન્સર સીટ લઈ લીધી. અને એક પછી એક એમ દરેક વિદ્યાર્થીઓની સામે મોટે મોટેથી વાંચવાનું શરૂ કરી દીધું.

બધા વિદ્યાર્થીઓએ પોતાના જવાબમાં પ્રશ્નપત્રમાં આપેલું એ કાળા ટપકા નું વર્ણન કર્યું હતું.

બધાના જવાબ વાંચ્યા પછી, કક્ષામાં એકદમ શાંતિ પ્રસરી ગઈ. પ્રોફેસરે જણાવ્યું કે હું તમને આ પરીક્ષામાં કોઇ ગ્રેટ અથવા નંબર આપવાનો નથી, હું આના માધ્યમથી તમને કંઇક વિચારવા માટે આપવા માંગુ છું. તમે બધાએ પ્રશ્નપત્રમાં રહેલા સફેદ ભાગ વિશે લખ્યું નથી. દરેક વિદ્યાર્થીઓએ કાળા ટપકા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. શું તમે જાણો છો કે તમે એવું શું કામ કર્યું? કારણકે આપણા જીવનમાં પણ આવું જ થાય છે. આપણા બધાની જિંદગીમાં ઘણા સફેદ કાગળ છે જે આપણને આનંદ આપે છે, ખુશી આપે છે. પરંતુ આપણું ધ્યાન હંમેશા કાળા ટપકા પર જ કેન્દ્રિત રહે છે. એક મોટા સફેદ કાગળ નું નાનું એવું કાળું ટપકુ છે, જે આપણને દુઃખ, લાલચ, ઈર્ષ્યા અને ગુસ્સો અપાવે છે. જિંદગીમાં ઘણી વખત આપણે મિત્રો-સગા-સબંધીઓ સાથે વીતાવેલા પળો ને ભૂલી જઈએ છીએ જે સફેદ કાગળ છે અને નાના એવા ઝઘડા તેમજ નાની બાબતો ને પકડી ને બેસી જઈએ છીએ જેનાથી વર્ષો જુના સબંધો પણ ચપટી વગાડતામાં જ તૂટી જાય છે. કે જે મોટા સફેદ કાગળ ના નાના નાના કાળા ટપકા છે.

આપણું જીવન એક ભગવાને આપેલી અમૂલ્ય ભેટ છે. પરંતુ આપણે તેની જરા પણ કદર કરતા નથી. નાની-નાની ખુશીની પળ અસંખ્ય આપણા જિંદગીમાં આવતી રહે છે પરંતુ આપણે એ બધું જતું કરીને માત્ર દુઃખ પકડીને જ બેસી જઈએ છીએ. પછી એ દુઃખ ચાહે પહાડ જેવડું હોય કે ચાહે કીડી જેવડું. પરંતુ આપણે દુઃખ ને મૂકી શકતા નથી. જીવનમાં જો સકારાત્મક વિચાર ક્ષમતા કેળવશો તો દુઃખી નહીં થાવ. નાની-નાની પળો માં ખુશી શોધતા શીખી જાવ સાહેબ, કારણ કે આખી દુનિયામાં દુઃખ કોઇ પણ માણસનું ઓછું નથી. દરેક પાસે દુઃખ છે અને દરેક વ્યક્તિ પાસે સુખ પણ છે, ખાલી તમારા વિચારવાનો દ્રષ્ટિકોણ બદલી નાખો. પછી જુઓ જીંદગી જીવવાની કેવી મજા આવે છે!

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates