કાશ ! પહેલા સમજ્યો હોત તો

કાશ ! પહેલા સમજ્યો હોત તો - વિનોદચંદ્ર કાંતિલાલ મહેતા, બોરીવલી

તમારા પર કોઈ આંધળો પ્રેમ રાખે ત્યારે તમે એ સાબિત ન કરતાં કે તે આંધળા છે.

‘માથાના બધા વાળ સફેદ રંગે રંગાઈ ગયા છે, છતાં બાપાને સિંહાસને ચીટકીને રાજ કરવાના અભરખા છે. સીધેસીધો રાજ ન આપે તો બાપને પછાડીને રાજ પડાવી લઈશ!’ રાજ્યના લોભથી હું સગા સ્નેહી બાપ પ્રત્યે પણ નાલાયક અને નપાવટ વિચાર કરી બેઠો. હતો હું રાજા શ્રેણિકનો દીકરો કોણિક. પણ જાણે પૂર્વભવનો વેર વાળવા ન આવ્યો હોઉં! મારો બાપ મને પહેલાંથી અળખામણો. યુવાન થતાં મેં બધા રાજપુરુષોને ફોડી બાપાને નરક સમા કેદખાનામાં ઘાલી દીધા. અપાર વાત્સલ્ય વરસાવનારા મારા પિતાને રોજ ૧૦૦- ૧૦૦ હંટરના માર મરાવતો.

એકવાર દીકરા ઉદાઈને ખોળામાં લઈ જમવા બેઠો હતો ત્યાં તો દીકરાએ પેશાબ કર્યો. જેનો રેલો ચાલ્યો થાળીમાં. જરાય જુગુપ્સા કર્યા વિના મેં જમવાનું ચાલુ રાખ્યું. સામે બેઠેલી માતાને કાંઈક અભિમાનથી કહ્યું. ‘દુનિયામાં જોયો છે મારા જેવો પિતૃસ્નેહ?’ ત્યારે માતાએ ઉપાલંભ આપતા અવનવું રહસ્યોદ્‌ઘાટન કર્યું. આનાથી કંઈક ગણો પ્રેમ કારાવાસમાં નાંખેલા તારા પિતાનો તારા ઉપર હતો. પરુ ને કૃમિથી ખદબદતી તારી આંગળીને પોતાના મોંમા મૂકી દેતા. જ્યારે તું મારા ગર્ભમાં આવ્યો ત્યારે તેં મને તારા પિતા શ્રેણિકના જ પેટનું માંસ ખાવાની અધમ ઈચ્છા કરાવી હતી. આ દુષ્ટ ગર્ભનો પ્રભાવ છે. એમ સમજી મેં તો તને જન્મતાવેંત કચરાની જેમ ઉકરડે નખાવ્યો. આ વાતની જાણ તારા પિતાને થતાં, પોતે દોડીને તને લઈ આવ્યા. ખૂબ લાગણી અને પ્રેમથી તને મોટો કર્યો. જે પિતાએ તારા ઉપર પારાવાર વહાલ વરસાવ્યો એ જ પિતા ઉપર તેં રોજના ૧૦૦ ચાબુકના માર વરસાવવાનું પાશવી કૃત્ય કર્યું. તારા નીચ કુકૃત્યોએ મારી કૂખ અને કુળને કલંક દીધું દુષ્ટ, નાલાયક દૂર થઈ જા મારી નજરથી. ઉપકારી પિતાને પણ રિબાવી રિબાવી પાશવી અત્યાચાર કરતો તારા જેવો કૃત્ઘની પુત્ર કોઈ જોયો નથી.

માતાના વચન સાંભળી હું હબક ખાઈ ગયો. પિતાના અનહદ પ્રેમને હું જાણી ન શક્યો. ધિક્કાર હો મને! ક્રૂર ને ઘાતકી એવા મેં કેવું ગોઝારું પાપ કર્યું? પ્રબળ પસ્તાવાની આગમાં હું શેકાઈ રહ્યો હતો. લાવ, જલ્દી પિતાની બેડી તોડી મુક્ત કરી દઉં. લોખંડનો ઘણ લઈ દોડ્યો પિતા પાસે. ‘મને મારી નાખવા આવે છે’ સમજી પિતા શ્રેણિક તરત ઝેર ચુસી સદા માટે ઢળી પડ્યા. ઉપકારનો બદલો વાળવાના મનોરથો પણ સાથે ઢળી પડ્યા.

મા-બાપની સેવાનું રહસ્ય લાગણીના બે-ચાર શબ્દોમાં સમાય છે. ‘મમ્મી-પપ્પા ! તમે બરાબર જમી લીધું ને?’

તમારા પર કોઈ આંધળો પ્રેમ રાખે ત્યારે તમે એ સાબિત ન કરતાં કે તે આંધળા છે.

‘માથાના બધા વાળ સફેદ રંગે રંગાઈ ગયા છે, છતાં બાપાને સિંહાસને ચીટકીને રાજ કરવાના અભરખા છે. સીધેસીધો રાજ ન આપે.

 

 

 

(કચ્છ ગુર્જરી ફેબ્રુઆરી ૨૦૨૧ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates