કાપ્યો છે !

કાપ્યો છે ! - રાખી બિરજુ ગાંધી, ગાંધીધામ

જાન્યુઆરી મહિનો એટલે ઠેર ઠેર પતંગોના ઢગલા.. લપેટ.. અને કાપ્યો છે ના નાદ.. તલની ચીકીનો સ્વાદ.. ખીચડાનો પ્રસાદ... નવા વર્ષનો પ્રથમ પર્વ... સૂર્યનો ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ.. એટલે મકર સંક્રાંતિ.. સૂર્ય પૃથ્વી આજુબાજુની પરિભ્રમણ દિશામાં ઉત્તર દિશામાં ખસતો હોવાથી આ દિવસને ઉતરાયણ પણ કહે છે.

ઉતરાયણ એટલે ખાલી પતંગ ચગાવવાનો તહેવાર છે એવું નથી. મા સરસ્વતીની આરાધનાનું પણ આ દિવસે મહત્ત્વ છે. ગુજરાતમાં આ સમયે છડેલા ધાન્યની અને તલની વાનગીઓ બનાવી દાન કરવામાં આવે છે. અન્ય પ્રાંતોમાં અન્ન, વસ્ત્ર વગેરેનું દાન કરવામાં આવે છે. સતકર્મો કરી પુણ્યનું ભાથું બાંધવાની આ તહેવાર પ્રેરણા આપે છે. સગાંવહાલાંના મેળાવડા કરવા આ ઉત્તમ દિવસ છે.

ગુજરાતમાં તો મકરસંક્રાંતિએ તમામ ઉંમરના લોકો સવારથી જ સજી-ધજીને ઘરની છત, અગાસી પર ચડે છે... કાપ્યો છે ની કીકીયારીઓ ગુંજે છે. ચીકી અને શેરડી ખાય છે અને ખવડાવે છે. આકાશ મેઘધનુષી પતંગના રંગોથી છવાઈ જાય છે. ઘણી જગ્યાએ પતંગોત્સવ ઉજવાય છે. દેશવિદેશથી પતંગબાજો પોતાની કલા પ્રદર્શન કરવા આવે છે. અમદાવાદ ને વડોદરામાં તો ફટાકડા પણ ફોડાય છે અને ધાબા પર ગરબા પણ રમાય છે.. બધું કરવા એક દિવસ ન ચાલે, તો વાસી ઉતરાયણ પણ ધામધૂમથી ઉજવાય છે.

શાસ્ત્રોમાં પણ મકરસંક્રાંતિનું મહત્ત્વ છે. સૂર્ય ઉપાસનાનું મહત્ત્વ છે. ઋગ્વેદમાં સૂર્ય માટે પતંગ શબ્દ વપરાયો છે. મહાભારત કાળમાં ભીષ્મ પિતામહે મકરસંક્રાંતિના દિવસે જ દેહ છોડવાનું પસંદ કર્યું હતું. જ્યોતિષશાસ્ત્ર મુજબ સૂર્ય મકરમાં પ્રવેશતાં કમુરતા પૂર્ણ થાય છે. લગ્ન ઈત્યાદિ માંગલિક કાર્યોનો પ્રારંભ થાય છે.

મકરસંક્રાંતિ એ રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસ પંજાબમાં લોહડી, આસામમાં ભોગાલી બહુ, તમિલનાડુમાં પોંગલ જેવા નામે ઉજવાય છે. આનંદના આ તહેવારને સાવધાનીપૂર્વક ઉજવવામાં આવે એ પણ જરૂરી છે. વહેલી સવારે અને સાંજે પક્ષી વિહરવાના સમયે પતંગ ન ઉડે તો પક્ષીઓને દોરીથી ઈજા કે હાનિ ન થાય આવું સાર્થક થાય એ જ તહેવારનો આનંદ.

 

 

(કચ્છ ગુર્જરી જાન્યુઆરી ૨૦૨૦ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)  

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates