કભી કભી મેરે દિલમેં..

કભી કભી મેરે દિલમેં.. - સુષમા શેઠ, વડોદરા

સટ્ટાક. ચમેલીના ગાલે મજબૂત પંજાની પાંચેય આંગળીઓની સોળ ઉપસાવતો જોરદાર તમાચો પડ્યો. સાથે મૌસીની ગાળોનો વરસાદ.. ‘એ આઈટમ, તારી નૌટંકી મારી આગળ નહીં ચાલે, ધંધો કરવાનો છે નખરાં નહીં સમજી. તારો સગો બાપ તને અહીં મૂકી ગયો છે. તારી મા કોણ જાણે કયા ગામના ઉતાર સાથે રંગરેલિયા મનાવવા ભાગી ગઈ કમજાત.. મેં.. મેં તને પાળીપોષી મોટી કરી છે. આ તારી મૌસી ના હોતને તો બે ટંક પેટ ભરવાનું ભારે પડત સમજી.. આ છત મળી છે ને તે તારા નસીબ બાકી બહાર પગ તો મૂકી જો..’

‘પણ.. પણ તે અજીબ હતો મૌસી.’ ચમેલી આંખમાં ધસી આવેલા આંસુ લૂછતી બોલી.

‘બધા આદમી અજીબ જ હોય છે એની જાતના.. તું વળી એક એકની દયા ખાવા રહીશ તો થઈ રહ્યું. મારો અને તારો ધંધો ઠપ્પ. પૈસાય પાછા આપી દીધા? હરામજાદી, મોટો સોદો કરેલો તે તને એવો તે કેવો પ્રેમ ઉભરાણો કે દયાની મૂરત બની ગઈ? દર વખતે તો સીધી ચાલે છે.’ મૌસીએ મોઢામાં પાનનું બીડું ઠુંસતા રૂક્ષ કડક સ્વરે સંભળાવ્યું. લગભગ ભાવવિહીન રહેતી ઝીણી માંજરી આંખોમાં ક્રોધ ભભૂક્યો.રખેને પાંજરે પૂરેલું એક મહામૂલું કબૂતર ઉડી જાય તો? પાંખોને ઉગતી જ ડામી દેવી સારી.

‘ના.. ના. પ્રેમ નહીં મૌસી. હું તો તેની માંગણી સંતોષી ન શકી તેનો અફસોસ..’ ગળગળી થઈ ગયેલી ચમેલીને અધવચ્ચે બોલતી અટકાવી મૌસી બરાડી, ‘લે આ વળી નવું નાટક.. સા..રાં.. મને મૂરખ સમજે છે? પૈસા લાવ, નહિતર આજે ભૂખી-તરસી મર સમજી? અને હા, આજની રાત ઓવરટાઈમ કરી નાખ.’ 

‘ના. હું જ્યાં સુધી તેની માગણી નહીં પૂરી શકું ત્યાં સુધી કોઈ બીજો ગ્રાહક નહીં.’ કોણ જાણે કેમ પણ ચમેલીનો અવાજ મક્કમ હતો.

‘ઓહો! અબ મીરા મગન ભઈ પ્રભુ ધ્યાનમેં. એટલે તું કહેવા શું માંગે છે? આવા તો કેટલાય ચક્રમો આવે અને જાય. ભૂલી જા અને કામે લાગ.’ મૌસીનેય અચરજ તો થયું. સદાય ડાહી, સમજુ, આજ્ઞાંકિત ચમેલીનું વર્તન આજે અજુગતું હતું. તે આ રીતની વાત કરે એ ઘાટઘાટના પાણી પીધેલી મૌસીનેય ગળે નહોતું ઉતરતું. નવીસવી છોકરી ન માને તે સમજાય પરંતુ આ ચમેલી તો કુશળ ધંધાદારી વળી અનુભવી. વર્ષોથી અહીં હતી. પોતે જ પળોટી ને તૈયાર કરેલી. પાછી કહે છે પ્રેમ નથી તો અચાનક શું થયું હશે?

‘મને પાનેતર લાવી આપ.’ કહેતી ચમેલીને સાંભળતાં જ મૌસીને જાણે વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ તે આખી ધ્રુજી ગઈ. ‘હવે બળથી નહીં, કળથી કામ લેવું પડશે.’ તે મનોમન બોલી..

‘આમ તો સારા ઘરનો સજ્જન દેખાતો હતો. રાત્રે જ વાત કરી હોત તો તેનું થોબડું રંગી નાંખત. કંઈ કેટલાય જોયા. સાચું કહે શું થયું બેટા? તું જાણે છે ને, આપણને સપના જોવાનો હક્ક નથી.’ સહેજ કુમાશથી ચમેલીના માથે હાથ ફેરવતી મૌસી બોલી, ‘હવે શાંતિથી વાત કર.’

હકીકત સમજ્યા વગર છૂટકો નહોતો તે શાણી મૌસી સમજી ગઈ. તેણે ચમેલીને ધ્યાનથી જોઈ. રડેલી આંખો ઉજાગરો વેઠી સૂઝી ગયેલી. છુટા લાંબા વાળમાંથી વેણી ફગાવી દઈ તેણે રંગેલા વાળ જેમતેમ બાંધી દીધેલા. પીઠ પર દેખાતા ટેટુ સાથે તંગ લો-કટ ચોળીની દોરીઓની ગાંઠ વ્યવસ્થિત બંધાયેલી દેખાતી હતી. ઢીલી ખોસેલી ચળકતી ઓઢણી જેમની તેમ હતી. સસ્તા અત્તરની મહેંક હજુય તેના ભરાવદાર શરીરમાંથી આવી રહી હતી. ફફડતા હોઠ પરની લાલ લિપસ્ટીક અને ચહેરા પરના મેકપનો થપેડો યથાવત હતો. ચમેલી કંઈક ઉંડા વિચારમાં ડૂબેલી લાગી.

‘સપના જોવાનો નહીં પરંતુ કોઈના જોયેલા પૂરા કરી આપવાનો હક તો ખરો ને?’ ધીમા સ્વરે અચકાતી તે બોલી.

‘તે આવ્યો; પાણીદાર મોટી આંખોમાં આશા ભરીને. સુઘડ, આકર્ષક યુવાન. તેના જેવી સ્વચ્છ વાસનારહિત નજર મેં આજ સુધી નથી જોઈ. મારા હાથમાં પાનેતર પકડાવતાં કહ્યું,‘આ પહેરીને ઘૂમટો તાણીને મારી પાસે બેસ. આપણા લગ્નની પહેલી રાત હોય તેમ. તું શરમાઈશ અને હું ધીમેથી તારું ઘૂંઘટ ખોલીશ. પેલી ફિલ્મના સીનની જેમ હું ગાઈશ. સુહાગરાત હૈ, ઘૂંઘટ ઉઠા રહા હું મૈં.. સીમટ રહી હૈ તું શરમા કે અપની બાહોંમેં.. બસ એટલું જ જોવું છે, અનભવવું છે.’ તે બોલ્યો હતો.

‘બસ એટલું જ? તેના માટે આટલા પૈસા? એ તો પરણીને તારી ઘરવાળીનેય કહી શક્યો હોત.’ મેં નવાઈથી પૂછેલું.

‘એણે પરણવાની હા પાડેલી પરંતુ મેં ના પાડી, તેના ભવિષ્ય ખાતર. મારે પરણવું નથી પણ યુવાનીમાં કદમ માંડતાં એક સ્વપ્ન હંમેશાં જોયેલું કે મારી સુહાગરાતે એ સજીધજીને પલંગ પર શરમાતી-સંકોચાતી બેઠી હશે અને હું હળવેકથી ઘૂંઘટ ઉઠાવીશ. કેટલી અદ્‌ભુત હશે તે ક્ષણો! કદાચ પેલી ફિલ્મ જોયા બાદ એ ઈચ્છા વધુ પ્રબળ બની.’ તે મારી તરફ નજર કર્યા વગર બોલ્યે જતો હતો.’

‘તો પછી આમ આવું નાટક?’ મારાથી પૂછાઈ ગયું.

‘નાટક ન કહે પ્લીઝ. આ મારી છેલ્લી ઈચ્છા છે. આ છેલ્લા સ્ટેજના કેન્સરના રોગીને ભોગી થવામાં રસ નથી અને હવે નથી મારી પાસે વધુ સમય. એકવાર એ ક્ષણો માણી લઉં બસ. મારા બકેટલીસ્ટમાંની છેલ્લી ઈચ્છા કદાચ તું તૃપ્ત કરી શકે.’ તે કરગરતા અવાજે બોલેલો.

‘તો કરી લેવું હતું ને નાટક.’ કાન દઈ સાંભળતી મૌસીએ વચ્ચે ટમકું મૂક્યું.

‘આખી જિંદગી નાટક કર્યું છે પણ આવું સહેલું નાટક ન કરી શકી. ક્યાંથી લાવું એ શરમ? ક્યાંથી લાવું એ નવયૌવનાની મુગ્ધતા? ક્યાંથી લાવું એ પહેલા વિજાતીય સ્પર્શની ઝણઝણાટી? ક્યાંથી લાવું એ મનગમતા પરણેતરના સહવાસની કલ્પના? ક્યાંથી લાવું નવોઢાનો શર્મોહયાનો અક્ષત પડદો? બોલ મૌસી બોલ. મને હવે એ બધું જોઈએ છે. બિન્દાસ્તપણામાં રાચતી હું લાજ-શરમ શું હોય તે વીસરી ગઈ છું. ભીતર અંધારું ભરી બેઠી છું. ઊગતી સવાર કેવી હોય તે ભૂલી ગઈ છું. શું એ તું લાવી આપીશ? લાવી આપ મને પાનેતર. બસ એકવાર! તું કહે તેવું નાટક અનેકવાર કરીશ. પણ બસ એકવાર આ નાટકનું પાત્ર સાચુકલું ભજવીને જોવું છે. એ અનુભૂતિની ક્ષણો મારેય અનુભવવી છે. બસ એકવાર.’ કહેતી ચમેલીએ મૌસી સમક્ષ બે હાથ જોડ્યા.

પછી સ્વસ્થ થતી આગળ બોલી, ‘મારાથી હોઠ કરડતાં ટેવ મુજબ જીભ કચરાઈ જ ગઈ, ‘ચલ મુંહ મત દેખ. કામ શુરૂ કર. પણ.. પણ મારાથી નાટક ન થયું. હાથમાં ઝાલેલું પાનેતર પડી ગયું મૌસી. તેની માગણી હું સંતોષી ન શકી. તેણે મને પકડાવેલા કપડા તો બદલી લઉં પરંતુ શી રીતે, શી રીતે આ અવળચંડું મન બદલું? મારી આંખોમાં ડોકાતા નફરતના ભાવ કેમ કરીને બદલું? શી રીતે દિલને પ્રેમથી ભરી દઉં. તે હવે તું જ કહે. મને આસપાસ ગ્રાહકો જ દેખાય છે પણ આ.. આ છોકરો જિંદગીની સુખદ ક્ષણો ખરીદવા આવ્યો હતો તે હું ન આપી શકી. મારી પાસે ન હોય તે હું લાવું ક્યાંથી?’ એકધરું બોલતી ચમેલી હાંફી ગઈ.

‘તો? હવે?’ મૌસીની આંખો છલકાઈ ગઈ. પહેલી વાર પત્થર પર હથોડો ઝીંકાયો. તે અંદરથી તૂટવા લાગી. ખૂણે બળતી એક મીણબત્તી પીગળી રહી હતી.

‘મારે તેને પરણવું છે. પાનેતર પહેરવું છે અને તેની સમીપ બેસી આંખોમાં આંખ પરોવી જોવું છે કે તે કેટલો ખુશ છે. હું તેની છેલ્લી ઈચ્છા પૂરી કરીશ. મારી તને વિનંતી છે મૌસી. વિશ્વાસ રાખ, હું તને છોડીને, આ બસ્તી છોડીને ક્યાંય નહીં જાઉં. બસ એક સુખદ અનુભવ ખાતર મને ઉન્માદની એ બે-ચાર પળ માણી લેવા દે. જિંદગીભરના સંભારણા ખાતર મને જવા દે. એ મને પૈસા કે પ્રેમ નહીં, પાનેતર સાથે કંઈક બીજં ન સમજાય તેવું આપી ગયો.’ વધુ શું કહેવું તે ચમેલીને ન સમજાયું પરંતુ મૌસી ઘણું બધું સમજી ગઈ.

‘જા. તેને ઝટ શોધ. શું નામ કહેલું?’ બોલી તે ચમેલીને ભેટી પડી.

રીલ લાઈફમાં જોએલા સીનને રિયલ લાઈફમાં આત્મસાત કરવા ચમેલીએ પગ ઉપાડયા. પહેલી વાર તેને પોતાનું જીવન સાર્થક થતું લાગ્યું.

 

 

 

(કચ્છ ગુર્જરી માર્ચ ૨૦૨૦ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates