જીવનમાં વસંત ક્યારે આવે?

જીવનમાં વસંત ક્યારે આવે? - ઝયોતિકા અશોક મહેતા, કલીકટ (માંડવી)

કુદરતે સર્જેલ અનમોલ સૃષ્ટિમાં નિયતીના જ કાયદાઓ વણાયેલા હોય છે. ઠંડી-ગરમી, દિવસ-રાત, તડકો-છાંયડો, સવાર-સાંજ, જન્મ-મરણ, પાનખર અને વસંત પણ!!!

આ બધું જ નિયતિના કાળચક્રમાં ચંદ્ર, સૂર્ય, તારલાઓને લઈને વારાફરતી વારા ફર્યા જ કરે. ન આગળ, ન પાછળ, ન ઉપર, ન નીચે, ન વહેલો, ન મોડો, ન વધારે, ન ઓછું, બસ, સમય અનુસાર ચકડોળ ચાલ્યા જ કરે.

સૃષ્ટિનો દરેક જીવ આ ઘટનાક્રમને સરળતાથી સમજી-વિચારીને આવકારે છે, સ્વીકારે છે, અનુભવે પણ છે. પોતાની જીવન ગાડી આ સમયચક્રને અનુરૂપ દોડાવવા તન- મન-ધનથી પ્રયત્નો કરે છે. સફળતા મળે કે ના મળે એ કર્મરાજાને આધિન હોવા છતાં પણ અવિરત કોશીશ કરતો જ રહે છે.

આ ધરણીધરાના દરેક જીવ ઈચ્છે છે વસંતને! હજારો નિરાશા વચ્ચે જેમ આશાનું એક કિરણ છુપાયેલું જ હોય, તેમ વસંત પણ દરેકના જીવનમાં હોય જ.

પૃથ્વી પર વસંત આવવાના એંધાણ માત્રથી જ સર્વે જીવો તેને વધાવવા માટે તડામાર તૈયારીઓનો શુભારંભ કરી દે છે, રોમાંચિત બની જાય છે, હરખ ને હેલે હિલોળા લે છે. આ સુવર્ણ ક્ષણોને માણવા ખુશી-ખુશી નાચવા ગાવા- ઉત્સવ મનાવા લાગી જાય છે.

કંઈ કેટલાય જતન કરીને ઉછરેલા સપનાઓનાં મહેલ જ્યારે સાકાર થાય અને જે ખુશી મળે તેનાંથી પણ વધારે ખુશ્નુમા વાતાવરણને અનુભવાય વસંતમાં. જરૂરી નથી કે દરેકનાં દરેક સપનાઓનું વાવેતર સારું થાય જ. ઉંચે ઉડવાની, આગળ વધવાની તમન્નાઓ ફળીભૂત થાય જ.

જીવનમાં વસંત તો હોય જ. વધારે કે ઓછી, વહેલી કે મોડી વસંત આવે ખરી. પણ ક્યારે?? કેમ? ક્યાં? કેવી રીતે? તે તો દરેક જીવનાં મનોબળ ઉપર નિર્ભર છે. 

બાકી, એક વાતમાં તથ્ય તો જરૂર છે જ કે જીવ જ્યારે ઈચ્છે ત્યારે, જેટલી મનોકામના કરે તેટલી જ વસંતનું પોતાના જીવનમાં આરોપણ કરી શકે છે. એટલું જ નહીં પરંતુ બીજાનાં જીવનની પાનખરમાં પણ વસંતનું પ્રત્યારોપણ કરી શકે છે. આ શક્તિ દરેક જીવમાં જન્મજાત હોય જ છે.

છાંયડામાં જાય તેને તડકો નથી નડતો, સકારાત્મક વિચારે તેને સુખ-દુઃખ નથી નડતા, સદાય વસંતનો જ અનુભવ કરે તેને પાનખર નથી નડતી.

હા, જીવન છે એટલે સુખ અને દુઃખની અનુભૂતિ હોય જ. આ અનુભૂતિનાં કારણે જ મનમાં આનંદ અને વિષાદની લાગણીઓ જન્મ લે. આ બંને લાગણીઓને જીવનમાંથી કાઢવી ખૂબ જ જરૂરી છે.

ધંધો સારો ચાલે, નફો વધારે થાય, પગાર સારો મળે, પ્રિય વસ્તુ કે વ્યક્તિની પ્રપ્તિ થાય, તો મન આનંદથી ઉભરાઈ ઉઠે, જાણે કે આ સુખ તેનાં જીવનમાં કાયમ પડ્યું પાથર્યું રહેવાનું ન હોય? આનાથી વિપરિત પરિસ્તિતિમાં મન અનુભવશે કે મારા પર તો દુઃખોનો મસ મોટો પહાડ તૂટી પડ્યો. વિચારે કે આ પહાડ મારા જીવનમાંથી જશે જ નહીં તો?

જો સુખની આનંદાયી ક્ષણોમાં કે દુઃખની પીડાદાયી ક્ષણોમાં વ્યક્તિ પાસે હકારાત્મક દૃષ્ટિ હોય તો તે વ્યક્તિ જીવનમાં સુખ આવે ત્યારે આનંદનાં વહેણમાં વધુ પડતો તણાયા વગર તેને પચાવી શકે છે, દુઃખ આવે ત્યારે વિચલિત થયા વગર સમતા ભાવે સહીને કર્મોને ખપાવે છે.

આ દુનિયામાં એક બાજુ તડકો છે તો બીજી બાજુ છાંયડો પણ છે જ. વિરાટ વૃક્ષની એક તરફ તડકો જો સીધો માથા પર આવે તો તડકાનું તે સ્થાન છોડી બીજી તરફ છાંયડામાં પહોંચી જઈએ તો તાકાત નથી તે તડકાની કે આપણને તપાવી શકે. એવી જ રીતે નકારાત્મક વિચારસરણીને બદલે જો હકારાત્મક વિચારસરણી ધરાવીએ તો મજાલ નથી દુઃખની કે આપણાં જીવનમાં પ્રવેશી મનને કરમાવી શકે.

પરંતુ..

આ તો ત્યારે જ શક્ય બને જ્યારે મન મજબૂત હોય, મક્કમ હોય, અતૂટ હોય, તો..તો..તો.. કુદરતી વસંતનાં કર્મરાજાને પછાડીને પણ જીવનમાં સદાય વસંતનું આગમન કરાવી શકે છે માનવીનું મન.

ગમે તેવા કપરા સમય-સંજોગ-પરિસ્થિતિમાં પણ વસંતને જીવનમાં લાવવીમાણવી એ પણ એક કળા છે, વરદાન છે. જે દરેકમાં ન પણ હોય.

પોતાનાં જીવનમાં છુપાયેલી આ કળાને જાણવી પડે, બહાર લાવવી પડે, કેળવવી પડે, સ્વીકારવી પડે. મહેનતના ફળ મીઠા એ કહેવતને સાચી કરવી પડે. બસ, પછી તો જીવનમાં વસંત- વસંત અને વસંત જ હોય સદાકાળ.

જેમ પાનખર આવતાં જ ઊરનાં ઊંડાણમાંથી અહેસાસ ઉભરે કે વસંત આવશે જ અને જીવ તેની કાગડોળે રાહ જુએ છે. પરંતુ કુદરતની વસંત તો સમય અનુસાર જ માણવા મળે. જીવનમાં વસંત તો હર ઘડી- હર સંજોગહર પરિસ્થિતિમાં માણવાની અદ્‌ભુત કળાનો અઢળક ખજાનો આપણામાં જ છે.

 

(શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા-૨૦૧૫ કૃતિ)

(કચ્છ ગુર્જરીના ઓગષ્ટ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates