જીવનમાં વસંત ક્યારે આવે?

જીવનમાં વસંત ક્યારે આવે? - અમીત કીર્તિકુમાર સોભાગચંદ શાહ, અંજાર

પ્રસ્તાવના : માનવીનાં જીવનમાં વસતં ક્યારે આવે એ અદ્‌ભુત અને અપૂર્વ ઋતુનું આગમન દર્શાવવાનો મને સોનેરી મોકો મળ્યો છે ત્યારે...

‘વસંત એટલે હરિયાલી, જીવનની પરિભાષામાં ખુશહાલી...’

* જીવન એટલે જીવંતતા, ચેતના, જાગૃતિ, ઉપસ્થિતિ જીવન એટલે બ્રહ્માંડનાં, સૃષ્ટિચક્રનો એક ભાગ જીવન એટલે પ્રાણ, ઉપરાંત જિંદગી જીવન એટલે એક આત્માનું પૃથ્વી પર દ્રવ્ય શરીર સાથે અવતરણ.

* સૃષ્ટિના ઋતુચક્ર પૈકીની વસંતઋતુ એ ઋતુરાજથી ઓળખાય છે કેમ કે આ ઋતુમાં મોસમ ખૂબસુરત હોય છે. વૃક્ષો પર ફળ, ફૂલ, પર્ણ નવા અવતરીત થાય છે. ચારે તરફ હરિયાલી હોય છે. પ્રકૃતિનાં કણ કણ ખીલી ઊઠે છે. આમ જીવન અને વસંત બંનેનો મેં મારી શક્તિ મુજબ મૌલિક વિચારો સાથે વ્યાખ્યા આપવાનો પ્રયાસ કર્યો છે.

* સામાન્ય રીતે જોઈએ તો માનવીના જીવનમાં વિવિધ દૃષ્ટિકોણ મુજબ મજાનાં મિત્રો, મનપસંદ જીવનસાથી, સંતાન પ્રાપ્તિ, ચડતી, તંદુરસ્તી, સફળતા, ડિગ્રી, સત્તા, પદ વગેરે પ્રાપ્ત થતાં તેઓ વસંતરૂપી ખુશહાલી નિહાળતા હોય છે. તે પણ સત્ય છે પણ એ ખુશહાલી અમુક સ્તરની જ હોય છે. પરંતુ ગહન અને વિસ્તૃત રૂપે જો જણાવવામાં આવે તો..

સ્વજાગૃતિ : જ્યારે પોતાની અંદરથી જે તૈયારી શરૂ થાય છે તે અનેરી હોય છે. તમારા જીવનમાં જ્ઞાન, વાંચન તેમજ આસપાસનું વાતાવરણ આધારિત હોય છે. તીર્થંકર મહાવીરસ્વામીએ સાડા બાર વર્ષનાં તપ (સ્વજાગૃતિ) બાદ અનેકોનાં જીવનમાં જાગૃતિ આણી સુખના માર્ગની પ્રરૂપણા કરી તેમની દિશાદોરીથી ખુદ તથા અન્યોનાં જીવનમાં વસંત લાવી. માટે સ્વજાગૃતિ પ્રાથમિક છે. એ વસંતરૂપી ખુશહાલીની શરૂઆત છે.

સદ્દગુરુ  : ગુરુ જીવનમાં પ્રકાશ (જ્ઞાનરૂપી) લાવે છે. આર્ય સંસ્કૃતિમાં ગુરુનો મહિમા અપાર દર્શાવ્યો છે. જે માર્ગદર્શક, પથદર્શક અને ઉર્જાનો સ્ત્રોત છે. સફળતાનાં શિખરે લઈ જવામાં સિંહફાળો ધરાવે છે. દા.ત. રામકૃષ્ણ પરમહંસનાં સાંનિધ્યમાં વિવેકાનંદજીનાં જીવનમાં વસંતરૂપી ખુશહાલી આવી. ગુણગાન તથા શુદ્ધ આચરણ ધરાવનાર ગુરુની પ્રાપ્તિ એટલે વસંતરૂપી ખુશહાલી.

શ્રદ્ધા-સમકિત : પરમાત્માનાં જીવન, ઉપદેશ, ક્રિયા (આધ્યાત્મિક), સાધના પર મૂકવામાં આવતો અખૂટ અને અતૂટ વિશ્વાસ. આ બીજારોપણ જીવનમા અનેરો ઉલ્લાસ આણે છે. કર્મરૂપી દરેક પરિસ્થિતિમાં સહજતા લાવે છે. શ્રદ્ધાનો જન્મ એ વસંતનું આગમન.

અનુશાસન : અનુશાસન એટલે સ્વ પર નિયત્રં ણ. પોતાની જાત પર કાબૂ મેળવો.. બાદ સ્થિરતા અને એકાગ્રતા આવે છે. વ્યક્તિ કોઈપણ પદ જવાબદારી ત્યારે જ ઉપાડી શકે કે જ્યારે ખુદનું નિયંત્રણ મેળવે. અનુશાસન એટલે અડધો વિજય. જે વસંતરૂપી ખુશહાલીનો મહત્ત્વનો હિસ્સો છે.

માતા-પિતાને વંદન - સેવા -આજ્ઞાપાલન : માતાપિતાનાં આજ્ઞાની અનાદર સાથે જ અંદર વ્યાકુળતા છવાઈ જાય છે. જીવનમાં પ્રતિકૂળતાઓ ઉપજે છે. આ સત્ય છે. જે મેં જાણ્યું છે. તેમનાં હૈયામાં હરખ રેલાવી દો. ચોક્કસપણે બારે મેઘ ખાંગા માટે તેમનાં સહાનુભૂતિમાં જીવનની વસંતરૂપી ખુશહાલી છે.

આશીર્વાદ : માતા-પિતા, ગરૂુ , વડીલ, દવે સ્થાન, કુળદેવી, પિતૃ વગેરે દ્વારા મળતાં આશિષ ભાગ્યનાં દરવાજા ખોલી દે છે. માનવીની પ્રગતિ, સમૃદ્ધિ, વિકાસ, સિદ્ધિમાં આશિર્વાદનું અલૌકિક સ્થાન છે. તેઓનાં આશીર્વાદ મેળવો અને ચોક્કસપણે વસંતરૂપી ખુશહાલી.

જીવનનો મર્મ : તમારું જીવન શું છે? શેનાં માટે તમારો જન્મ થયો છે? એ જ્ઞાન થાય પછી જ તમારું જીવનનું લક્ષ્ય નક્કી થાય છે. જેમ કે મધર ટેરેસાને થયું કે માનવસેવા એ જ પ્રભુ સેવા અને એ દેવીસ્વરૂપ જીવન જીવી પરમપદ પામ્યા. વીર સાવરકર, મહાત્મા ગાંધી, ભગતસિંહ વગેરે આઝાદી માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. કેમકે સંકલ્પ દેશભક્તિ છે. તેમનાં પ્રચારક, કાર્યવાહક વગેરે સંસાર ત્યાગ કરી દેશભક્તિ રૂપી દીક્ષા લે છે. સેનાનાં જવાનો વિષમ આબોહવ, પ્રતિકૂળ ભૌગોલિક સ્થિતિ વચ્ચે દેશની રક્ષા કરે છે. સાધુ સંતો પોતે તરે છે, બીજાને તારે છે. આ સૌ પોતાનાં જીવનનો મર્મ જાણે છે. જીવનની સાચી મજા ત્યારે જ આવે જ્યારે મર્મ સમજાય. પોતાનાં જીવનનો મર્મ એકવાર સમજાઈ જાય એટલે વસંત.

આશાવાદ- સકારાત્મકતા : આ અભિગમ આવશ્યક છે. જે સફળતાના પાયામાં રહેલા છે. આ અભિગમ જીવનમાં ઉત્સાહ લાવે છે.

સમયની કિંમત સમજાય : જીવનની ખરી શરૂઆત ત્યારે જ થાય છે. તીર્થંકર મહાવીર સ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા બાદ શિષ્યને પ્રથમ સૂચન હતું કે ‘તું સમય માત્રનો પ્રમાદ ના કરીશ ગૌતમ.’ જગતની જેટલી પણ મહાન, સફળ વ્યક્તિઓ છે અને થઈ ગઈ તે સૌએ સમય પર ભાર અચૂક મૂક્યો છે.

લક્ષ્મીયોગ : પૈસો આ સંસારનો પ્રાણ છે. ધનથી તમો તમારી જરૂરિયાતો પૂર્ણ કરી અન્યોનાં કાજે યોજનાઓ, સેવાકાર્યો જેવા કે આશ્રમો, ગૌશાળા, વિદ્યાક્ષેત્રે દાન કરી શકો છો.’ સુખનો નિયમ છે આપો તો મળે. આ કાર્યોથી તમો બીજા જીવોની દુઆ મેળવો છો. પુણ્ય બંધાય છે માટે લક્ષ્મીયોગથી ભલાઈ અને ભલાઈથી વસંત આ પણ માર્ગ છે.

હાર્દ : માનવીનાં જીવનમાં વસંત ત્યારે જ આવે જ્યારે તમારો ‘અંતરાત્મા જાગે’ જગતનું સર્વોચ્ચ સુખ અંતરમાં છે. કોઈપણ વૃક્ષ કે ઈમારત જુઓ ત્યારે તેમની વિશાળતા, ઉંચાઈ, કદ તેમનાં મૂળ પાયાને આધીન છે. તમો તમારા અંતરમન માટે સમય ફાળવો. તમને સાચા નિર્ણયો જ મળશે તે કદી ગેરમાર્ગે નહીં લઈ જાય. ગૌતમ બુદ્ધ, મહાવીર સ્વામી, ગાંધીજી, અરવિંદ ઘોષ વગેરે મહાપુરુષોએ પોતાનાં અંતરાત્માથી લીન થયા અંતરનો નાદ સાંભળ્યો અને આદર્શ બન્યા. તમો મિત્રોની, ગુરુ, વાંચનની પસંદગીમાં થાપ હજીએ ખાઈ શકશો પરંતુ અંતર જુઠું કદી નહીં કહે. તમારા માટે શ્રેષ્ઠ શું છે તે અંતરમન જ જણાવશે. મારા જીવનમાં જીવનસાથીની પસંદગી, વ્યવસાયિક બાબતો, ગુરુ કર્મો તમામ વખતે મેં અનુભવ કર્યો અને મારા જીવનમાં વસંત છે. હું ચોક્કસપણે જણાવું છું કે તમારા અંતરાત્માને જગાડો તેમાં લીન થાઓ અને અનુસરો, તમારા જીવનમાં કાયમી વસંત રૂપી ખુશહાલી મેળવો.

અંતરાત્મા - ગાંધીજીનું મંતવ્ય :

મારે મન પરમેશ્વર એટલે સત્ય અને પ્રેમ

પરમેશ્વર એટલે નીતિ અને સદાચાર

પરમેશ્વર એટલે અભય. પરમેશ્વર એટલે પ્રકાશ અને જીવનનો સ્ત્રોત

અને છતાંય એ સૌથી પર અને ઉપર, પરમેશ્વર એટલે અંતરાત્મા.

 

 

(કચ્છ ગુર્જરીના ફેબ્રુઆરી ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

 

(શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા-૨૦૧૫)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates