જીવન યાત્રા

જીવન યાત્રા - ચંદ્રા દિલીપ ઝવેરી, અર્નાકુલમ (કોચીન)

જીવન એટલે શું? બધા જાણે છે કે જન્મથી લઈને મૃત્યુ સુધીની આત્માની સફર અથવા યાત્રા એનું નામ જીવન. બરાબરને? પણ બધાંનાં જીવન એકસરખાં નથી હોતાં. ઘણાંને સંઘર્ષમય જીવન જીવવું પડે છે, તો ઘણા ખૂબ ધનવાન વ્યક્તિને ત્યાં જન્મ લે છે. જન્મથી મૃત્યુ સુધી દરેક વ્યક્તિ અલગ અલગ સમય, સંજોગો અને પરિસ્થિતિ મુજબ જીવન જીવે છે, પરંતુ દરેક પોતાની આવડત, હોંશિયારી, ચતુરાઈ, બુદ્ધિ, પરિશ્રમ અને પ્રમાણિકતાનાં આધારે દુઃખદ પરિસ્થિતિને સુખમાં પરિવર્તિત કરી શકે છે. આ દુનિયામાં જન્મેલ વ્યક્તિ પોતાના જીવન દરમિયાન સુખ અને દુઃખનો અનુભવ તો કરતી જ હોય છે.  કુદરતી નિયમ મુજબ સુખ અને દુઃખ જીવનરથના બે પૈડાં છે એટલે બંને હોય તો જ રથ ચાલે, જીવન આગળ વધી શકે. કુદરતમાં પણ આવો વિરોધાભાસ જોવા મળે છે. જેમકે દિવસ અને રાત, સૂર્ય અને ચંદ્ર, ગરમી અને ઠંડી, પણ એક સિક્કાની બે બાજુઓ છે. એ રીતે સુખ અને દુઃખ પણ એક સિક્કાની બે બાજુઓ છે. વિરોધાભાસી હોવા છતાં જીવનમાં આવાગમન તો રહેવાનું જ. 

'જીવનની મોટામાં મોટી કળા તો આંસુને સ્મિતથી લૂછવાની છે..’

આ કળા જેનામાં હોય તેનું જીવન સફળ. ઈચ્છાઓની પરિપૂર્તિ થઈ જાય તો સુખનો અનુભવ થાય અને ઈચ્છાઓની નિષ્ફળતામાં દુઃખનો અનુભવ થાય. એટલે એનો અર્થ એ જ કે સુખ અને દુઃખનો આધાર વ્યક્તિની ઈચ્છાઓ પર છે. મતલબ કે સુખ અને દુઃખની જનેતાનું નામ ઈચ્છા.

આખા વિશ્વનું દુઃખ તો ફક્ત પોતાને જ છે. બીજા બધાને જ સુખ જ સુખ છે. એવા ભાવ સાથે જીવવું એ પોતાની જાત સાથેની છેતરપિંડી છે. અમીર-ગરીબ દરેકને પોતાની ઈચ્છા અને જરૂરિયાત તથા પરિસ્થિતિને આધારે સુખ અને દુઃખનો અનુભવ થાય છે. દરેક વ્યક્તિની સુખદુઃખની વ્યાખ્યા અલગ અલગ જ  હોવાની. ચંદ્ર અને સૂર્યનું આગમન એક સાથે થતું નથી છતાં આપણે બંનેના આવાગમનને સ્વીકારીએ છીએ. તેવી રીતે સુખ અને દુઃખને સ્વીકારીને પરિસ્થિતિમાંથી બહાર નીકળવા પરિશ્રમ - પ્રયત્ન તો કરવો જ રહ્યો.

‘સિદ્ધિ તેને જઈ વરે,  જે પરસેવે નહાય.’

આ નિયમ મુજબ માનવી હકારાત્મક વલણથી આગળ વધે છે. નકારાત્મક વલણથી માણસની પ્રગતિ રૂંધાય છે. સફળતા મળશે એવી આશા સાથે શરૂ કરેલું કાર્ય ચોક્કસ સફળ જ થાય છે.

માર્ક ટવેઈન નામના લેખક લખે છે કે-‘મારા નસીબ સારા નહોતા એમ હું કેમ માનું કારણ કે જ્યારે હું પોઢ્યો (સૂતો) ત્યારે રાત માથે લઈને પોઢ્યો હતો પણ જાગ્યો ત્યારે પ્રભાત (સવાર) લઈને જાગ્યો. મતલબ કે સખુ -દુઃખને સમાન ગણીને પોતાની તકદીર બદલવા પ્રયત્નશીલ અને આશાવાદી બનવું જોઈએ. પરિશ્રમી અને મહેનતુ માણસ પોતાની તકદીર પોતે જ લખે છે. વિઘ્નો તેની તકદીરને બદલતા રોકી નથી શકતા અને એવા માણસને કોઈને છેતરવાની, હેરાન કરવાની અને ગુંડાગીરી કે ડરાવીને, દગો આપીને સુખ મેળવવું પડતું નથી. અનીતિ આચરીને મેળવેલું સુખ ટકતું પણ નથી. વ્યક્તિએ નિયતિ પર વિશ્વાસ રાખીને સાચી નિયતથી, નિષ્ઠાથી જીવન જીવવું જોઈએ. નિયત બગડે તો જીવન પણ બગડે. રોકાયેલા પાણીની જેમ ગંધાવા કરતાં વહેતા રહી અનુભવોનું ભાથું બાંધવું સારું. અવરોધોને પાર કરીને સફળ બનવું એટલું અઘરું નથી. એ માટે પોતાનામાં ભરપૂર આત્મવિશ્વાસ હોવો જોઈએ.

‘મીઠું સ્મિત, ખારા આંસુ અને તીખો ગુસ્સો. આ ત્રણેયથી બનતી વાનગી એટલે જીવન.’ જીવન તો એને જ કહેવાય જેમાં આપણે સુખી જેવા જીવન તો ઘણાય જીવી જાય છે. જીવનપથને ઉજાળનારા ત્રણ પરિબળ છે- કરૂણા, સુંદરતા અને સત્ય. જીવનમાં સારી વાતો અને સારું આચરણ લાવવા માટે મનની મક્કમતા અને સત્વ તથા સાચો મિત્ર જોઈએ. સફળતાની સીડી ચડવા માટે વિશ્વાસ અને ઈચ્છાશક્તિ હોવાં જરૂરી છે. બીજાના વિશ્વાસને સીડી બનાવી આગળ વધી ન શકાય. તેમાં તો વિશ્વાસઘાત જ મળે.

જીવન કેવી રીતે જીવવું મેં ક્યાંક વાંચેલું- એ શાળામાં શીખવાડાતું નથી પણ જીવન ઉજાળવાની નિષ્ઠા અને પ્રેરણા તો શિક્ષણ દ્વારા જ મળે છે. જીવન ખુદ એક મોટી શાળા છે. તમે કયા વર્ગમાં ભણો છો એ ક્યારેય ખબર પડતી નથી અને હવે પરીક્ષા ક્યારે છે તે પણ જાણ થતી નથી. અટે લે આજની ભાષામાં લખું  તો જીવન સરપ્રાઈઝ ટેસ્ટ લે છે અને વ્યક્તિએ હરપળ તૈયાર જ રહેવું.પડે છે. કોઈપણ પરિસ્થિતિનો સામનો કરીને બાહોશ લડવૈયા બનીને સમજદારીપૂર્વક સંઘર્ષ કરીને જીતીએ તો જ જીત શાનદાર બને.

શ્રી જે. મૂર્તિએ લખ્યું છે કે જીવનની મજા પોતાની રીતે જીવવામાં છે. કોઈનું દાસત્ત્વ કે આધિપત્ય સ્વીકારીને જીવવું એ જીવન નથી. જીવન વૃક્ષ જેવું છે. જે રીતે ફૂલ, પાંદડાં, ડાળીઓનાં પ્રાણ વૃક્ષના મૂળમાં છે. વૃક્ષનું મૂળ જમીનનાં ઊંડાણમાં છે તે દેખાતાં નથી છતાં વૃક્ષનું પોષણ કરે છે, વૃક્ષ વૃદ્ધિ પામે છે એ રીતે અંતર, મન, હૃદય અને નિયત જેટલી ચોખ્ખી હશે તેટલું જ મજબૂત હશે તે વ્યક્તિનું જીવન. સત્યમ્‌, શિવમ્‌, સુંદરમ્‌ના સાથ સંગાથે જ સફળતાનો વાસ છે. જીવન સરળ નથી, બનાવવું પડે છે. થોડું સહન કરીને, નજરઅંદાજ કરીને, મહેનત કરીને, સાચા સમયે સાચા નિર્ણય લઈને. જીવન સાયકલની સવારી જેવું છે. જરાક ક્યાંક અથડાઈ જવાય તો સંતુલન રહેતું નથી. પણ ફરીથી ઊભા થઈને સવારી કરી સંતુલન રાખી શકો તો કોઈ તમને આગળ વધતા રોકી શકતું નથી. પત્થર ઘસાય તો પગથિયું  બને અને પત્થર ઘડાય તો મૂર્તિ બને.. એ રીતે ઘસાવું અને ઘડાવું એનું નામ જ જીવન. અને આ સમજ પડી જાય તો જીવન પણ ઉત્સવ બને અટલે કહ્યું છે કે ‘જીવનના તડકા છાયાને સમજણપૂર્વક જીવી જવાની જડીબુટ્ટી એટલે જ સદ્‌ગુણોનો સત્સંગ’ મહાભારતના યુદ્ધમાં અભિમન્યુને ચક્રવ્યૂહમાં ફસાવનાર એના પોતાના જ હતા. ગઈકાલે આ સત્ય હતું અને આજે પણ આ સત્ય જ છે. આવતી કાલે પણ આ સત્ય જ રહેશે.

અંતમાં ખૂબ સુંદર પ્રાર્થનાથી પૂર્ણાહુતિ કરું છું.

‘જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો, ભૂખ્યા કાજે ભોજન બનીને તરસ્યાનું જળ થાજો.

દીન-દુઃખિયાનાં આંસુ લૂછતાં અંતર કદી ન ધરાજો, મારું જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો.’

 

 

 

(કચ્છ ગુર્જરીના મે ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates