જીવનશૈલીનું પરિવર્તન

જીવનશૈલીનું પરિવર્તન - અલકા અરવિંદ સંઘવી, અમદાવાદ

જુના વખતની સમાજ વ્યવસ્થા અને કાર્ય પદ્ધતિ ખૂબ સંઘર્ષમય હતી. છતાં પણ આપણા વડીલો કાર્ય કરતા, વેપાર ઉદ્યોગ કરતા, સંબંધ પણ ખૂબ જ સારી રીતે સાચવતા અને પ્રતિષ્ઠા પણ મેળવતા અને પોતાની મંઝિલ પોતે શોધતા. તે વખતે ભણતર બહુ ન હતું પણ ગણતર ખૂબ જ સારું હતું.

હું મારી જાતે અનુભવેલી અને નરી આંખે જોયેલી હકીકત રજુઆત કરું છું.

મારા પૂ. દાદાનો જ દાખલો આપું.

મારા દાદા ઘરડા હતા, છતાં ખૂબ જ તંદુરસ્ત હતા અને નિયમિત કાર્યરત હતા. તેઓ સવારમાં (પરોઢીયે) ઉઠીને પહેલાં નિત્યક્રમ પ્રમાણે રાયસી (રાત્રિનું) પ્રતિક્રમણ કરતા ત્યાર બાદ તેઓ ઘરની કોઈપણ વ્યક્તિને ખલેલ ન પહોંચે તે રીતે દાદરા ઉતરે અને નીચેના રૂમમાં (ઓસરીમાં) જાય. સૌ પ્રથમ તેઓ ચૂલાને પોંખતા. તે વખતે ચુલામાં ઈંધણ તરીકે લાકડા અને છાણાં વપરાતા અને ક્યારેક કેરોસીનના સ્ટવનો ઉપયોગ થતો. ખાસ કરીને (ચા બનાવવા માટે અને દૂધ ગરમ કરવા માટે સ્ટવ વાપરતા)

ત્યારબાદ તેઓ પાણિયારું પોંજે અને સાફ કરે. ધેગડા અને માટલાના વાસી પાણી કાઢે અને ધોઈને સાફ કરે. ધોયલા માટલાનું પાણી અલગ જ રહેવા દે. તેને સંખારો કહેવાય. જેમાં પોળા જેવા જીવજંતુ કદાચ હોય તો તે પાણી ધૂળમાં રેડી દેતા.

અમારે ત્યાં તે વખતે ત્રણ જાતના પાણી વપરાતા. કેમકે તે વખતે પાણીની ખૂબ જ ખેંચ હતી. ૧) નદીનું પાણી, ૨) કલવાણ કૂવાનું પાણી અને ૩) વરસાદનું પાણી.

નદીનું પાણી પીવામાં નહોતું વપરાતું કેમ કે તે મોળું હોય એને વાપરવામાં કે રસોઈમાં વપરાતું.

કલવાણનું પાણી રસોઈ અને પીવામાં વપરાતું અને વરસાદનું પાણી ફક્ત પીવામાં જ વાપરતા. અમારે ત્યાં ૧૫૦૦ લીટર જેટલાનો મોટો ધેગડો હતો તેમાં વરસાદનું પાણી સંઘરતા હતા. જે બધા ધેગડા તાંબાના હતા.

૧ માટલામાં કલવાણાનું પાણી ભરાતું, ૧ માટલું રસોઈ માટે નદીનું પાણી ભરે અને પીવા માટે વરસાદનું પાણી ૨ માટલા ભરતા કેમકે અમારું ઘર ત્રણ માળનું હતું તેથી ઉપરના માળે પણ એક માટલું ભરતા.

પાણી એ રીતે મારા દાદા સાચવીને ભરતા કે દેગડામાંથી એક ટીપું પણ બહાર પડે નહીં અને અમને બધી બહેનોને સંસ્કાર સિંચન થાય તે માટે પહેલાં મારી મોટીબેન રંજનબેનને વહેલી ઉઠાડતા અને બેન પણ હોંશે હોંશે ઉઠતા પણ ખરા અને એમને ધેગડામાં પાણી કેવી રીતે કાઢવું તે શીખવાડે.

ત્યારબાદ મારી બેન કૉલેજમાં ભણવા માટે ભુજ ગઈ તેથી પછી મારો વારો આવ્યો. જોકે હું બહુ નાની હતી. હું પણ હોંશે હોંશે વહેલી ઉઠી જતી અને મારા દાદા સાથે પાણી ગાળવામાં મદદ કરતી. આ બધું કામ પૂર્ણ થાય ત્યારપછી મારા પૂ. ભા અને મારી પૂ.મા પણ નીચે આવી જતાં.

મારી મા ગરમ રોટલા બનાવે. મારા બા ચા દૂધ ગરમ કરે અને બધાં ભાઈ-બહેન સ્કૂલ જવા માટે તૈયાર થઈ જઈએ.

તે વખતે સ્કૂલના દફતર ન હતા. કપડાની થેલીમાં લઈ જતા. સ્લેટમાં પેનથી લખવાનું હોય. તે વખતે હું પ્રાયમરી સ્કૂલમાં હતી. પછી અમે ચા-નાસ્તો (શીરામણ) કરીને સ્કૂલે જઈએ. મારા ભાઈ જૈન સ્કૂલમાં ભણતા. હું જૈન કન્યાશાળામાં ભણતી હતી.

સવારનું બધું કામ થઈ જાય ત્યારબાદ કામ કરવાવાળાં બહેનો આવે. નદીનું પાણી ભરવા કામે લાગે અને એક બેન કચરા વાળવાનું કામ કરે.

પછી રસોયાણીબેન રસોઈ કરવા આવે. તે વખતે અમારા ઉપરના રૂમમાં લીંપણ હતા જેથી પોતા ન મારવાના ન હોય. પણ નીચેના રૂમમાં કચરા-પોતા કરવા પડે.

મારા દાદા સવારમાં નવકારશી કરીને તૈયાર થઈને અમારી પેઢી-વખાર હતી ત્યાં જાય. ત્યાં હુંડીનો વેપાર હતો. વખારમાં મારા દાદા, મારા ભા અને એક મહેતાજી હોય તેઓ કામ કરે અને એક રખેવાળ દેવજીભાઈ હતા. તેઓ સવારમાં પેઢીની સફાઈ કરે, કબૂતરને ચણ નાખી આવે અને વધારાના કોઈ કામ હોય તે પણ કરે.

આમ અમારે ઘેર નોકર-ચાકર હોવા છતાંય ઘરના બધા જ કામમાં વિના સંકોચે હાથ બટાવે. કોઈને અભિમાન જરાય નહીં, છતાંય ખૂબ જ પ્રતિષ્ઠિત નાગરિક તરીકે માન મળતું હતું.

તે જમાનામાં રાત્રિના પ્રકાશ માટે વીજળી ન હતી તેથી કંડીલ (ફાનસ) હતાં. મારી મા ફાનસમાં કેરોસીન પૂરે, એના ફોટા (કંડીલના કાચના ગ્લાસ) બધું સાફ કરે. વાસણ ઘસવા માટે રાખ વપરાતી. દળણા માટે પણ ઘંટીએ દળાવવા માટે કામ કરવાવાળા બહેનો જાય.

મારી મા દર મહિને લીંપણ કરતી તો ઘર ચોખ્ખું થઈ જતું. અત્યારના જમાનામાં દરેક કામ કરવા માટે મશીન થઈ ગયાં છે. કપડા ધોવા, ચટની બનાવવા, પાણી ગાળવા માટે વોટર પ્યુરી ફાયર, રસોઈ કરવા માટે ગેસના ચૂલા, ટપાલના સંદેશા પહોંચાડવા માટે વોટ્‌સએપની સુવિધા, ઈ-મેઈલની સુવિધા ખૂબ સારી છે. ઘરમાં પણ લાદી હોય તે પણ સાફ ઈઝી થઈ જાય છતાં પણ લોકોને એકબીજાને મળવાનું નથી થતું. લોકો નવરાશથી જીવી શકતા નથી. ટેક્નોલોજી હોવાથી જિંદગી સરળ બની ગઈ છે તોય લોકો પાસે સમય જ નથી.

પહેલાંના વખતમાં સંદેશા વ્યવહાર માટે ટપાલ જતી તે પણ ઘણા દિવસો લાગી જાય. અરજન્ટ નાનો સંદેશો મોકલો તો ટેલીગ્રામ થતું અને વાત કરવા માટે ટેલીફોન હોય તેમાં પણ ઘણી વખત લાંબો સમય ટ્રંકકોલ માટે લાઈનમં ઉભા રહેવું પડે.

તોય લોકો એકબીજા સાથે સંદેશા વ્યવહાર કરતા અને ટપાલ માટે આતુરતાથી રાહ જોતા. અત્યારનાં યુગ પરિવર્તનમાં માણસ માણસ નથી રહ્યો એક યંત્ર બની ગયો છે. મનની મોકળાશ નથી મળતી.

આ મારા અનુભવ લખ્યા છે.

 

 

(કચ્છ ગુર્જરી ઓક્ટોબર - નવેમ્બર ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates