જીવનમાં વસંત ક્યારે?

જીવનમાં વસંત ક્યારે? - કિરણ શીવચંદ અમરચંદ દોશી, ભુજ

કુદરતમાં વસંત એટલે વૃક્ષો/છોડવાઓનું નવપલ્લવીત થઈ અને પુષ્પો અને ફળોથી લદાઈ જવું. પુષ્પો અને ફળોની મહેંક દરેક સજીવના મનને આનંદથી ભરી દે. પક્ષીઓ આનંદથી કલરવ કરતાં હોય અને આવા પ્રસન્ન મધુર વાતાવરણને કારણે સ્વાભાવિકપણે માનવીનું મન પણ પ્રસન્નતાથી ઉભરાઈ જતું હોય.

ઉપરોક્ત વર્ણન વાંચતાં સ્વાભાવિકપણે આપણા મનમાં પ્રશ્ન ઉદ્‌ભવે કે કુદરતમાં તો વર્ષના ઉપર વર્ણવેલા સમયને આપણે વસંત તરીકે ઓળખીશું, પરંતુ માનવજીવનમાં જીવનના કયા સમયને આપણે વસંત તરીકે ઓળખવો?

બાળપણને? જ્યારે કશી જ જવાબદારી/ બોજો પોતા ઉપર ન હોય, સમવયસ્ક સખાઓ/સખીઓ સાથે રમવામાં/મસ્તી તોફાનમાં સમય પસાર થઈ જતો હોય, માબાપ, દાદા-દાદી અને કુટુંબના વડીલોનો નિર્વ્યાજ પ્રેમ અનરાધાર રીતે આપણા ઉપર વરસતો હોય અને આપણો પણ સ્વાભાવિકપણે સામે એવો જ પ્રત્યુત્તર હોય. યુવાનીને? જ્યારે આપણી તન-મનની શક્તિઓ સોળે કળાએ ખીલી હોય, આપણી શક્તિ અને વડીલો/ગુરુઓના માર્ગદર્શનને લીધે અભ્યાસ અને બીજા ક્ષેત્રોમાં ઉત્તરોત્તર સફળતા મળતી હોય, આને લીધે જ ઈચ્છીત ક્ષેત્રમાં પ્રવેશ મેળવી, જ્વલંત સફળતા સાથે અભ્યાસ પૂર્ણ કરી, મનગમતા વ્યવસાયમાં જોડાઈ સારી આવક મેળવતા હોઈએ. ઉત્તમ આર્થિક સફળતાને લીધે મનગમતા પાત્રને જીવનસાથી રૂપે મેળવીએ, ઉત્તમ આર્થિક સ્થિતિના કારણે ઘરમાં/જીવનમાં ઈચ્છીત સુખ-સગવડ, વૈભવ હોય. ઘર પણ આપણા બાળકોના કલરવથી ગાજતું હોય. આ બધાને લઈને આપણા સ્વજનો/વડીલો પણ ખુશખુશાલ હોય અને કુટુંબમાં પણ બધાને આપણા પ્રત્યે પ્રેમ-આદર હોય.

પ્રૌઢાવસ્થા/વૃદ્ધાવસ્થાને ? જ્યારે આપણી મહેનત, લગન અને બુદ્ધિથી આપણે આપણા વ્યવસાયમાં સફળતાની ટોચે પહોંચ્યા હોઈએ. ઘરમાં સંપત્તિની રેલમછેલ હોય, આપણા સંતાનો પણ તેમની હોશિયારી અને આપણા માર્ગદર્શન અને સપોર્ટને લીધે તેમના વ્યવસાયમાં એક પછી એક સફળતા મેળવતા હોય. ઘરમાં બધાને ઈચ્છિત સુખ-સગવડ અને વૈભવ હોય. કુટુંબમાં આપણા પ્રત્યે બધાને લાગણી અને આદર હોય. ઘર આપણા સંતાનોના, સંતાનોના કલરવ ‘દાદા-દાદી, નાના-નાની’થી ગાજતું હોય. સમાજમાં પણ આપણું આગવું સ્થાન અને માન હોય.

ઉપરોક્ત બાબતો પર વિચાર કરતાં આપણે સ્વાભાવિકપણે પ્રશ્ન થાય કે જીવનના ઉપરોક્ત તબક્કાઓમાંથી કયા સમયને આપણે વસંત ગણવો? અને ‘જીવનમાં વસંત’ એટલે તો જીવનનો એ સમય જ્યારે આપણે સંપૂર્ણપણે/સતત આનંદમાં રહ્યા હોઈએ. આ અંગે વિચાર કરતાં સ્વાભાવિકપણે આપણું ધ્યાન ભારતના મહાન ગ્રંથો/કાવ્યો રામાયણ અને મહાભારત તરફ દોરાય છે. આ ગ્રંથોનો અભ્યાસ કરશું તો જણાશે કે રામ, લક્ષ્મણ અને સીતા અથવા પાંડવો અને દ્રૌપદીને ચૌદ વર્ષ વનમાં જવું પડ્યું. રામ અને પાંડવો રાજા હતા. બધા રાજાઓથી શ્રેષ્ઠ રાજા હતા. મહેલમાં તેઓ હિર-ચીરનાં વસ્ત્રો અને શ્રેષ્ઠ અલંકારો ધારણ કરતા હતા જ્યારે વનમાં તેઓએ વલ્કલ ધારણ કરવા પડ્યા. તેમના મહેલો વૈભવથી ઉભરાતા. શ્રેષ્ઠ ભાવતાં ભોજન મળતાં. અનેક દાસ-દાસીઓ, લાવલશ્કર ખમા ખમા કરતાં હાજર હતાં. જ્યારે વનમાં તેમને ઝૂંપડામાં રહેવાનું, ખાવા માટે અનાજ, શાકભાજી, ફળો વગેરે પોતે ઉગાડવાના અને પોતે જ રસોઈ બનાવી પત્રાવડીમાં જમવાનું હતું. મહેલમાં શ્રેષ્ઠ છત્રી પલંગ પર સૂવાનું અને દાસ-દાસીઓ ચામર ઢોળતાં જ્યારે વનમાં તેમણે મૃગચર્મ કે ઘાસની પથારી ઉપર સુવાનું અને ટાઢ, તડકો અને વરસાદ સહન કરવાના હતા. મહેલમાં દરેક પ્રકારની સંપૂર્ણ સુરક્ષા હતી જ્યારે વનમાં જંગલી પ્રાણીઓ અને રાક્ષસોનો સતત ભય હતો અને તેમનાથી સાવધ રહેવાનું હતું. સીતા અને દ્રૌપદીનું એકવાર થયેલું હરણ પણ વનમાં હોવાના કારણે જ થયું હતું.

આટઆટલી તકલીફો / વિકટ પરિસ્થિતિ હોવા છતાં પણ તેમણે તેમનો વનવાસનો સમય હસતા હસતા/ આનંદથી વિતાવ્યો હતો. તેઓ વનમાં રહ્યા કે મહેલમાં હંમેશા એકસરખા આનંદમાંજ રહ્યા.  શા માટે? કારણકે તેમના માટે જીવન વનનું હોય કે મહેલનું એ એક પ્રવૃત્તિ જ હતી. તેમને સુખ-સગવડ વૈભવનું વળગણ નહોતું. (જે આપણે હોય છે) તદઉપરાંત રામ, કૃષ્ણ કે પાંડવોએ તેમના તન, મન અને ધનની શક્તિનો ઉપયોગ હંમેશાં દુઃખી, ગરીબ, પિડીત અને લાચારજનોને મદદ કરવામાં કરેલો. ઉંચ-નીચ કે નાના-મોટાના ભેદભાવ વગર દરેક સાથે પ્રેમપૂર્વક વર્તેલા. જીવનમાં કોઈ પણ સમયે કંઈપણ નવું શીખવા મળે તો તેઓ હંમેશાં શીખવા તૈયાર રહ્યા. નહીં તો વનમાં જીવવું અતિદુષ્કર થાત અને પાંડવો અજ્ઞાત વાસમાં રહી ન શક્યા હોત. આમ રામ, કૃષ્ણ અને પાંડવોએ જીવનમાં જે પરિસ્થિતિ હોય તેને આનંદથી સ્વીકારી આનંદથી જીવવાનો, દરેક માનવી સાથે નાનામો ટા કે ઉંચ-નીચનો ભેદભાવ રાખ્યા વગર પ્રેમથી વર્તવાનો, નિરાભિમાની રહેવાનો અને જીવનમાં સતત નવું શીખવા તૈયાર રહેવાના સિદ્ધાંતો અપનાવ્યા હતા. આ સિદ્ધાંતોને કારણે જ તેમનું જીવન હંમેશાં આનંદમય રહ્યું. આપણે દરેક મહાન વ્યક્તિઓમાં / મહામાનવોમાં આ ગુણો જોઈશું જ. અને આ કારણે જ હજારો વર્ષ પછી લોકો તેમને યાદ કરે છે, પૂજે છે, ચાહે છે.

આપણે પણ આપણા જીવનમાં ગમે એવો સમય આવે, વિકટ હોય કે વૈભવ વાળો જો હંમેશા સ્વસ્થ અને આનંદીત રહીશું, સંપૂર્ણ જીવનમાં સતત નવું નવું શીખવા તૈયાર રહીશું. દરેક માનવ/સજીવ પ્રત્યે પ્રેમ-કરુણાનો ભાવ રાખશું. નિરાભિમાની રહીશું તો આપણા જીવનના અમુક હિસ્સામાં જ નહીં પરંતુ સમગ્ર જીવનમાં વસંત છવાયેલી રહેશે અને સમાજના દરેક વ્યક્તિ તરફ આપણને નિર્વ્યાજ પ્રેમ અને આદર અનાયાસે પ્રાપ્ત થશે.

 

 

(કચ્છ ગુર્જરીના મે ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates