જીવનમાં વસંત ક્યારે આવે?

જીવનમાં વસંત ક્યારે આવે? - હર્ષા સૂર્યકાંત કાંતિલાલ શાહ, ક્વીલોન (માંડવી)

વસંત એટલે ખીલવાની મોસમ,

વસંત એટલે ઉગતાં સૂરજ તરફ દૃષ્ટિ.

જીવનમાં ખુશી, સુખ, શાંતિનો અનુભવ,

આપણા જીવનમાં વસંત ક્યારે આવે?

એટલે એ ધન્ય પળ, મૌસમને લક્ષમાં રાખી જોશું તો વસંત ઋતુ થોડા સમય માટે આવીને, આપણને આનંદિત કરે છે. મનુષ્યનું જીવન ઈશ્વર તરફથી મળેલ અમૂલ્ય ભેટ છે. તેથી એનાં જીવનમાં વસંતનો પ્રવેશ પણ અમૂલ્ય ગણાશે. સાથે હંમેશ માટે, જીવન પર્યંત હોવો જોઈએ.

બાળપણમાં ‘ચોકલેટ’પણ મૂલ્યવાન લાગતી અને નિદરેષ આનંદ માણતાં એ સમયે વસંતનું મહત્ત્વ ન હતું, જાણવાનું જ્ઞાન પણ ન હતું. પણ ખુશી એ જ.

જીવનના બીજા પડાવ પર યૌવન વય શરૂ થાય છે. બધાં જ ક્ષેત્રમાં આગળ વધવા માટેનાં સાચાં માર્ગદર્શનની જરૂરત પડે છે. બાળપણથી જ ઘરમાં મા-બાપ-વડીલો સદ્‌ગુરુ પાસેથી સાચી દિશા મળતી રહે. બાળપણથી યૌવનવય સુધીમાં ઘરમાં જોતાં, અનુભવો, સાચા-ખોટાની સમજ, એકબીજા માટે સમર્પણ ભાવના, વિનયનો સમાવેશ થઈ ગયેલ હોય છે. આ બધા સંસ્કારો તેમને જીવનમાં આગળ-વધવામાં મદદરૂપ થાય છે. તમને ક્યાં, શું કરવું છે’ બે બાબત એક લક્ષ જોશે. જીવનમાં ‘કાંઈક’ ‘ધ્યેય’ ગોલ તરફ નજર રાખી આગળ વધાય છે. ડૉકટર બનવું છે કે એન્જિનિયર બનવું છે?

શરીરનું વજન ઘટાડવું છે? ઓ.કે ફાઈન. નાની બાબતમાં પણ જીત હાંસિલ કરવી એ પણ આપણા જીવનમાં વસંત લાવશે. આપણું લક્ષ તો મોટું જ રાખવું કે મારા જીવનમાં વસંતનાં છાંટણાના આજુબાજુવાળાને પણ લાભ કરાવે. મને પણ વસંતની ખુશી મળે. હું બીજાને પણ ખુશ કરી શકું.

દસથી બાર વર્ષનો છોકરો કેરીના ઝાડ ઉપર કેરી તોડવા કૂદકો મારતો હોય છે. આપણે જોશું હાથ ન પહોંચવાથી એ રોજ થોડી થોડી મહેનત કરે છે. કુદકા માર્યા કરે છે અને એક દિવસ એ કેરી તોડવામાં સફળ થાય છે. રોજ કુદકા મારવાથી એની ઉંચાઈમાં પણ વધારો થાય છે. અને એ પોતાની સાથે બીજાને પણ કેરી ખવડાવે છે. ત્રણ ઘણો લાભ કરે છે. આજ છે વસંતની ખુશી.

જીવનમાં ‘ધ્યેય’સાથે પહોંચવાની યાત્રાની શરૂઆત થાય છે ત્યારે જ આપણા જીવનમાં વસંતનો પ્રવેશ થયો સમજો. ધીરે ધીરે મા-બાપ, સદ્‌ગુરુનાં આશીર્વાદ પોતાના પુરુષાર્થ અને સાચી  સમજણ સાથે લીધેલ નિર્ણયોથી, પોતાનાં goal તરફ વધતાં આવતી મુશ્કેલીનો શાંત ભાવે ઉકેલ લાવી શકીશું અને એક દિવસ પોતાનાં સ્વપ્નને, ધ્યયને મેળવી લઈશું. ત્યારે બાળપણનાં ચોકલેટ જેટલો કે એથી વધુ પણ આનંદ દઈ શકે. આ સમયે આપણે સંતનો મહિમા સમજી ચૂક્યા છીએ. યુવાની છે એટલે next goal..

આમ સમય જતાં જીવનના ત્રીજા પડાવ પર આવી પહોંચીએ છીએ એટલે કે વય પચાસની આસપાસ, સાચો સમય વસંત આવવાનો અને માણવાનો. હવે જીવનનો બધો જ સમય પોતાની પાસે, પોતાની માટે, બધી જ ઘરની, બહારની જવાબદારીથી મુક્ત થઈ સ્વ માટે જીવવાનું. પચાસ વર્ષનાં અનુભવે ઘણુંબધું શીખવાડી દીધું હોય છે. મનગમતી પ્રવૃત્તિ કરવાનો સમય છે. ખુલ્લા મન સાથે રહેવાનું, દૃષ્ટાંતભાવે જીવનનાં રંગો માણવાના, ધર્મની સાચી સમજથી જીવનમાં અંદરથી શાંતિનો અનુભવ થાય છે. કોઈ જ બાબતમાં સંકલ્પ-વિકલ્પ ઘરમાં, સમાજમાં કે ફ્રેન્ડ્‌સમાં જરૂર હોય ત્યારે મદદ કરતા રહેવી, સેવા આપવી, પોતાના જીવનને ખુશી સાથે, ધાર્મિક જ્ઞાન સાથે શુદ્ધ-બુદ્ધ-ચૈતન્ય-સુખધામ સુધી પહોંચાડીએ. આપણું દૃઢત્વ, સકારાત્મક વિચાર, મનની શુદ્ધતાથી તન સાંજની લાલિમાની જેમ ચમકશે. બીજા માટે આપણે એક ઉદાહરણ બનશું. આ ઉંમરનો વસંત આપણી સાથે આપણાં છેલ્લા શ્વાસ સુધી સાથ આપશે. સમય જતાં લોકો પણ આપણાં જેવું વસંતી જીવન જીવવાં પ્રેરાશે.

 

 

(કચ્છ ગુર્જરીના એપ્રિલ ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

(શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા-૨૦૧૭)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates