જીવનમાં સંબંધોનું મહત્ત્વ

જીવનમાં સંબંધોનું મહત્ત્વ - જુમખલાલ ચુનીલાલ શાહ, માંડવી

મનુષ્ય જ્યારથી દુનિયાદારીમાં આવે છે, ત્યારે સંબંધોનું ભાન થાય છે. સંબંધો વગરનું જીવન માણસ માટે પશુ સમાન છે. જીવન જીવવા માટે સંબંધો હોવા જરૂરી છે. એકબીજાની સાથે સંબંધો જાળવી રાખવા એ જીવનનું મહામૂલ્ય મંત્ર છે. સંબંધો ઘણાં પ્રકારના હોય છે. એકતરફી સંબંધ રાખનાર માણસને ‘સેલ્ફીશ’ કહેવાય છે, જ્યારે આવા સંબંધો અજાણ રહેતા નથી અને ક્યારેક ને ક્યારેક તે સંબંધો જાણમાં આવ્યા વગર રહેતા નથી. ત્યારે ‘સેલ્ફીશ’ રહેનાર મનુષ્યને સહન કરવાનો વારો આવે છે, એકબીજાને પૂરક બની રહેવામાં જ સાર છે. એકતરફી સંબંધ રાખનારને હર કોઈ મનુષ્ય ઓળખી જાય છે અને તેનો કોઈ બહુ ભરોસો કરતું નથી અને તે સમાજમાં એકલો પડી જાય છે અને તેના જોડે સંબંધ રાખવામાં ખૂબ જ વિચાર કરવો પડે છે.

સંબંધો એટલે શું? સંબંધો કેવા હોવા જોઈએ, કોની જોડે કઈ રીતે વર્તન કરવું, કેવી લેતી-દેતી કરવી અને આડોશી-પાડોશી સાથે સગા-સંબંધીઓ સાથે કેવી રીતે વ્યવહાર કરીને સંબંધો સાચવવા જોઈએ. પહેલી વાત એ કે સંબંધો જાળવવા માટે શું કરવું જોઈએ? એકતરફી સંબંધોનો અંત જલદી આવી જાય છે, જ્યારે અરસપરસ સંબંધો સચવાય તો માણસની જિંદગી ખૂબ જ સારી રીતે જીવાય છે અને મન પણ હલકુંફુલ થઈ જાય છે. સંબંધોમાં જ્યારે સ્વાર્થ ઉમેરાય છે ત્યારે સંબંધો તૂટવાની કગાર ઉપર આવી જાય છે. એકતરફી સંબંધોનો આયુષ્યકાળ લાંબો ચાલતો નથી, જ્યારે વિશાળ દિલ અને વિશાળ મનવાળા જતું કરવાની ભાવનાથી સંબંધો ટકાવી રાખવામાં સફળતા મેળવતા હોય છે. લાંબુ જીવન ટકાવવા માટે અને સફળ જીવનની ચાવી હોય તો તે પોઝીટીવ સંબંધોમાં જાળવણી છે. જતું કરવાની ટેવવાળા અને માનસિક રીતે સંતોષ પ્રાપ્ત કરનારાઓનું જીવન ખૂબ જ સહેલું અને અસરકારક અને બિનપીડાદાયક હોય છે જેથી કરીને તેઓને સંબંધ ટકાવવામાં બહુ મુશ્કેલી પડતી નથી.

દરેક જાતના સંબંધોમાં જો વિચાર કરવામાં આવે તો જીવન સુખદાયી બની જાય છે. જેમ કે પાડોશમાં રહેતા આપણા પાડોશીઓ જોડે, સારો વ્યવહાર અતિ આવશ્યક છે. એકબીજાને પૂરક બનીને રહેવું જોઈએ. મર્યાદિત રીતે આવન-જાવન અને એકબીજાને મદદરૂપ થવાનાં હેતુવાળા સંબંધો હોવા જોઈએ. પહેલો સગો ‘પાડોશી’ એ પંક્તિને અનુરૂપ જો સંબંધો વિકસાવ્યા હોય તો તે જરૂર કામ આવે છે. કોઈપણ તકલીફમાં રાત કે દિવસે, જરૂરિયાત વખતે જ્યારે સગાને આવતાં વાર લાગે ત્યારે પ્રથમ તો પાડોશીઓ જ ઉપયોગી અને મદદરૂપ થાય છે. જેથી પાડોશીઓ સાથેનાં સંબંધો વ્યવહારિક હોવા જોઈએ. જો સારા પ્રમાણમાં પડોશીઓ સાથે રહેતા હોય અને જો બધામાં સારી રીતે મનમેળ હોય તો તમામે તમામનાં સારા પ્રસંગો ખુશીથી ઉજવાય છે અને પેઢી દર પેઢીએ સંબંધો વિકસતા અને જમાના પ્રમાણે સુધરતા રહે છે. ઘેર લગ્ન પ્રસંગ હોય કે અન્ય કોઈ ખુશાલીનો પ્રસંગ હોય તો પાડોશીઓ ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. આપશ્રીને પણ એકબીજાને મદદરૂપ થવું જોઈએ. જે સંબંધો ટકાવી રાખવામાં ખૂબ જ ઉપયોગી થાય છે.

પાડોશીઓનાં હૈયામાં એકબીજા પાડોશીઓ પ્રત્યે ખૂબ જ લાગણીઓની ઉર્મિ હોવી જોઈએ. સંવેદના, પ્રેમ, વાત્સલ્ય, મમતા વગેરે ગુણો હોવા જોઈએ. જો આ બધા ગુણોનો સરવાળો કરીએ તો પાડોશી જેવો બીજો કોઈ સગો નથી અને જો આ ગુણો પાડોશીમાં નથી તો તેનો જેવો ‘દગો’ કરનાર કોઈ નથી એમ કહીએ તો કાંઈ ખોટું નથી.

હવે સંબંધો આવે છે મિત્રોમાં. મિત્રોના સંબંધોની શરૂઆત નાનપણથી થતી હોય છે અને અભ્યાસ દરમિયાન જ વિદ્યાર્થીઓમાં અને બાલ્યકાળમાં સંબંધો વિકસતા હોય છે. શરૂશરૂમાં નાનપણમાં શેરી-ગલીમાં રમવામાં સંબંધો વિકસે છે. કાળક્રમે કે સંબંધો અભ્યાસકાળ દરમિયાન આગળ વધે છે, ત્યારે કેટલાક સાથેના સંબંધોમાં વિચ્છેદ થઈ જાય છે. ઘણા અભ્યાસ અર્થે વિખૂટા પડી જાય છે. કોણ કઈ લાઈન લે છે, કોઈ ભણતર પતાવીને પોતાના બાપદાદાનાં ધંધામાં જોડાઈ જાય છે. ત્યારે ઘણાં નોકરી-ધંધામાં લાગી જાય છે અને ઘણા લોકલ એ જ ગામમાં રૂટિન પોતાનો ધંધો કે રોજગાર કે પ્રવૃત્તિ કરે છે. ત્યારે સહાધ્યાયીઓ એકબીજાને મળતા હોય છે અને સંબંધો ટકાવવામાં કાર્યરત હોય છે. જ્યારે બહાર નીકળી ગયેલા સહાધ્યાયીઓ ભાગ્યે જ મળતા હોય છે એટલે તે માત્ર સંબંધો તેમાં સિમિત થઈ જાય છે. હમણાં હમણાં એક ટ્રેન્ડ સારો આવ્યો છે કે ૧૯૬૮/૧૯૬૯ કે ૧૯૭૯નો એસ.એસ.-સી.માં અભ્યાસ કરતાં સહાધ્યાયીઓનો સ્નેહમિલન યોજાય છે. ત્યારે ખૂબ જ આનંદ થાય છે અને ત્યારે સંબંધો પાછા નવેસરથી વિકાસ થતાં હોય તેમ લાગે છે અને વિદ્યાર્થીકાળનાં સંબંધો ખૂબ જ લાગણીપૂર્વકનાં હોય છે અને અત્યંત ભાવુક અને ભાવવિભોર થઈ જતાં હોય છે. જ્યારે ૪૦-૫૦ વર્ષ પછી એકબીજાને મળે છે ત્યારે આનંદનો પાર નથી હોતો અને જાણે હમણાં સંબંધો બાંધ્યા હોય તેમ લાગે છે.

હવે સંબંધ આવે છે સગા-સંબંધીઓમાં. આપણાં કુટુંબમાં ઘણા બધા સંબંધીઓ હોય છે તેની સાથે આપણે વફાદારીપૂર્વક અને સમજપૂર્વક સારો વહેવાર કરવો જોઈએ. શક્ય ન હોય તો સગાઓને ત્યાં દરેક સારા - ખાસ કરીને નરસા પ્રસંગોમાં હાજરી ખૂબ જ જરૂરી છે. જેથી તેમના ખરાબ સમય વખતે તેમને સાંત્વનાની ખાસ જરૂર હોય છે તે આપણે પૂરી શકીએ. આપણાથી બીજું કાંઈ ન થાય પરંતુ માત્ર ને માત્ર આશ્વાસન આપી શકીએ છીએ અને ‘દુઃખના ઓસડ દહાડા’ એ રીતે દુઃખના દિવસો પણ ધીમે ધીમે પસાર થઈ જાય છે. તે માટે આપણી હાજરીનું એને ધ્યાન આવે તો પણ માત્ર આશ્વાસન પણ ઘણું કામ કરી જાય છે. માટે સગા-સંબંધીઓના વિવેકપૂર્વક અને સમજદારીપૂર્વક સંબંધો નિભાવવા જોઈએ. આવી રીતે મનુષ્ય જીવનમાં સારા સંબંધો ટકાવી રાખવા જોઈએ. અહમ્‌ને સાથે ટકરાવવું ન જોઈએ, નહીં તો સંબંધોમાં ખટાશ ઉભી થાય છે અને તે સંબંધો ભવિષ્યમાં સાંધતા ખૂબ જ સમય નીકળી જાય છે, પછી પસ્તાવાનો વારો આવે છે. માનવ માનવ વચ્ચે મિલન કરવાનું કામ ઈશ્વર એટલે કે ભગવાન કરે છે. કોઈ સંબંધો અચાનક જ બંધાઈ જતા હોય છે.

દા.ત. મુસાફરી કરતી વખતે ટ્રેનમાં કે બસમાં જો લાંબો વખત ગુજારવાનો હોય તો સંબંધોની આપ-લે થાય છે અને જો બંનેને અનુકૂળ આવે તો તે સંબંધ બંધાય છે અને લંબાઈ જવામાં વાર નથી લાગતી. જો માણસનું સંબંધ બાંધવાનું મન હોય તો તે સંબંધ લાંબો વખત સુધી ટકી શકે છે. ભગવાન મનુષ્યને ક્યાંય પણ કોઈપણ ઠેકાણે માત્ર ભેગા કરે છે પરંતુ તે સંબંધોને આગળ વધારવા કે ટુંકાવા તે કામ તો મનુષ્ય પોતે જ કરે છે.

ઘણી વખત એવું બને કે સંબંધોમાં કડવાશ આવવાની શરૂઆત થાય છે તેવા ભારરૂપ સંબંધો કે કડવાશ થાય તેવા સંબંધોને તોડવાને બદલે ફક્ત છોડી દેવાથી પણ જીવનમાં હળવાશ અનુભવી શકાય છે. આવા સંબંધોને મનમાં લેવા નહીં. 

 

 

 

(કચ્છ ગુર્જરી જાન્યુઆરી ૨૦૨૧ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates