જીવનમાં આવતી હીચકીઓનો પ્રતિકાર

જીવનમાં આવતી હીચકીઓનો પ્રતિકાર - મુક્તિ ભદ્રેશ અતુલ ભણશારી, અંજાર

જિંદગી એ કાર્ડિયોગ્રામ જેવી છે એ ક્યારેય પણ સીધી લીટીમાં ચાલતી નથી. સુખ-દુઃખની કળી છે, ચાલ્યા કરે છે એનું નામ જ કદાચ ‘જિંદગી’ છે. બે દુઃખી માણસ એકબીજાના મિત્ર બની શકે છે પણ એ જ બંને સુખી થઈ જાય ત્યારે દુશ્મનાવટ શરૂ થતા વાર નથી લાગતી. આ છે, સુખ ભયંકર એ વાતની સાબિતી.

સંબંધો એવા બનાવજો કે, જેમાં શબ્દો ઓછા અને સમજ વધુ હોય, વિવાદ ઓછા અને સંવાદ વધુ હોય, પુરાવા ઓછા અને પ્રેમ વધુ હોય. જ્યારે સંબંધમાં આવી મીઠી ગોળ જેવી મીઠાશ ભળશે ત્યારે માણસની જીવનની હીચકી દૂર થઈ જશે ને સુખરૂપી સાગર મહેંકી ઉઠશે.

‘દુઃખ’ એ જીવનનું પાનું છે, પણ ‘સુખ’ એ આખું પુસ્તક છે. જરૂર પડ્યે દુઃખનું પાનું ફાડી નાખજો પણ એકાદ પાના માટે આ સુખરૂપી જીવન ના ગુમાવી દેતા. બાકી આપણી જિંદગી તો વૉટ્‌સએપના લાસ્ટ સીન જેવી છે બધાને પોતાની છુપાવી છે અને બીજાની જોવી છે.

હે મનુષ્ય..! સારા દિવસો બેઠા બેઠા નથી આવતા. તેને પામવા માટે ખરાબ દિવસો સામે લડવું પડે છે. જો આંસુઓનું ડીએનએ ટેસ્ટ કરવામાં આવે તો રિઝલ્ટ એક જ આવે છે ‘લાગણી’. ક્યાંક ન મળ્યાનું કારણ હોય, ક્યાંક વધુ મળ્યાનું. સમય અનેક જખમ આપે છે, ને સમય જતાં ઘણુંબધું ભૂલાઈ પણ જાય છે એટલે જ તો ઘડિયાળમાં ‘કાંટા’ હોય છે ફૂલ નથી હોતા અને એટલે જ લોકો પૂછે છે ‘કેટલા વાગ્યા.’ આપણું જીવન પણ આ ઘડિયાળ જેવું જ છે. ક્યારે પાવર પૂરો થશે ને ઊભું રહી જાશે એમ આપણી જિંદગીનો પણ કોઈ ભરોસો નથી.

જિંદગીનો કપરો સમય વોશિંગ મશીન જેવો હોય છે. એ આપણને ગોળ ગોળ ઘૂમાવે, નિચોવી નાખે અને પટકે છે, પરંતુ આપણે સ્વચ્છ, ઉજળા અને પહેલાં કરતાં વધારે સરસ બનીને બહાર આવીએ છીએ. આ સુખ-દુઃખ પણ આવાં જ છે.

કોઈ વ્યક્તિ દુઃખી ક્યારે થાય જ્યારે એને દરેક વસ્તુને પોતાની માની છે પણ પોતાનું કાંઈ છે જ નહીં. જન્મ તો બીજાએ આપ્યો, નામ બીજાએ પાડ્યું, શિક્ષણ તો બીજાએ આપ્યું, કાર્ય કરતાં બીજાએ શીખવ્યું અને છેલ્લે જિંદગીમાં મર્યા બાદ સ્મશાને પણ બીજા લઈ ગયા. માટે આ પૃથ્વી પર આપણું પોતાનું કાંઈ જ નથી તો માનવી રડે છે શાને?

‘જીવનમાં દુઃખ પડે તો મુખને સદા હસાવજો,

કોઈ લાખો રૂપિયા ચરણે ધરે તો ઠૂકરાવજો પણ,

સંબંધ રાખે છે દિલથી તેને જીવનભર નિભાવજો.’

જિંદગીમાં ક્યારે પ્રેમ કરવાનું મન થાય તો દુઃખ સાથે પ્રેમ કરી લેજો. કેમકે દુનિયાનો નિયમ છે જેને જેટલું ચાહશો તેને એટલું જ દૂર પામશો. જીવનમાં બનતી દરેક માઠી ઘટના પણ મીઠી છે. તેની મીઠાશને ઓળખતાં, આસ્વાદતાં અને અનુભવતાં આવડવું જરૂરી છે. સકારાત્મક અર્થઘટનની કળા જો હસ્તગત થઈ જાય તો ધોમધખતા તડકામાં પણ મુશળધાર વરસાદના ભાવભીના આગમનની આમંત્રણ પત્રિકા વંચાય, રાત્રિના અંધકારમાં પણ સૂર્યનારાયણના આગમનના ભણાકર સંભળાય અને નદીના વહેતા નીરમાં પણ ઉત્તંગ શિખરનું પ્રતિબિંબ દેખાય. દુઃખ છે તો સુખની કિંમત સમજાય. અંધારાનું અસ્તિત્વ છે તો જ અજવાળાનું મહત્ત્વ સમજાય.

જિંદગી એવી ના જીવશો કે લોકો ફરિયાદ કરે. જિંદગી એવી જીવો કે લોકો ‘ફરી’ યાદ કરે, તેના માટે બસ એટલું જ કરો ‘ગમે તેવું’ ના બોલો પણ લોકોને ‘ગમે’ તેવું બોલો. ઈશ્વરે આપણને બે કાન અને બે આંખ આપી છે પણ જીભ માત્ર એક જ આપી છે કેમ કે વધારે જોઈ શકીએ, વધારે સાંભળી શકીએ પણ બોલી શકીએ ઓછું.. જ્યાં સંબંધને સાચવવા હોય ત્યાં જીભ પર તાળું લાગી જાય તો લાગણીના અને લોહીનાં સંબંધ અકબંધ રહેશે. એ સમયે જીભ એનો કંટ્રોલ ગુમાવી દેશે તો ન થવાનું થતાં વાર નહિ લાગે.

‘આપણું દુઃખ તો દુઃખ નથી કાંઈ,

રાઈનો કર્યો પહાડ, અમરત જેવી ધરતી પર વિષનાં વાવ્યાં ઝાડ.’

જીવનને શાનાથી માપશો? શક્તિ- સત્તા, સંપત્તિથી કે પછી શાંતિથી? જો માણસ પાસે સંપત્તિ છે છતાંય વધુ મેળવવાની લાલશા તેને દુઃખી કરે છે, પણ ક્યારે ભગવાનને થેક્ યું કહ્યું! તો કે ના. ભગવાને ઘણું બધું આપ્યું. સુખ-શાંતિ, ગુણવાન પત્ની, પ્રેમાળ પરિવાર, શ્રેષ્ઠ જૈન કુળ, સામાજિક હોદ્દો, અઢળક સંપત્તિ આનાથી વધુ કોઈ વ્યક્તિને શું જોઈએ... ક્યારે આ બધા માટે આભાર માન્યો તો કે ના. બસ શું નથી? હંમેશા એ જ વિચાર મનમાં આવે આ વિચાર જ જીવનમાં હિચકીઓ લઈ આવે છે.

ખરેખરમાં જોઈએ તો આપણું દુઃખ ઞક્ષમયિ ભફાફભશિું છે, જો દુઃખ ઇયુજ્ઞક્ષમ ભફાફભશિું હોય તો આપણું મૃત્યુ જ આવી જાય. કરો રક્ષા વિપદામાંથી, નથી એ પ્રાર્થના મારી, વિપદથી ના ડરું કદી, પ્રભુ! એ પ્રાર્થના મારી.

આપણું જીવન બુમરેંગ જેવું છે. આપણા વિચાર, કાર્યો અને શબ્દો મોડાં કે વહેલાં પણ અદ્દભુત ચોકસાઈથી પાછા જ વળે છે અને એ જ કર્મનો નિયમ છે. જેવું આપશો તેવું મળશે. તમે કોઈને સુખ આપશો તો સુખ પામશો. આજે નહિ તો કાલે. કુદરત પાસેથી પાછું મળશે એ કુદરતનો નિયમ છે. એની ડીક્ષનેરીમાં ‘અન્યાય’ નામનો શબ્દ જ નથી. માણસની સહનશક્તિ દિવસો દિવસ ઘટતી જાય છે માટે દુઃખની કિંમત સુખ જાય પછી સમજાય અને ગયું એ સુખ હતું તે પણ પછી જ સમજાય.

સંબંધની ધરતી પર જ્યારે વિશ્વાસ વરસે છે ત્યારે જ એમાંથી સ્નેહની સોડમ પ્રસરે છે. અપેક્ષાની આગ જ્યાં વધારે હોય છે એ જ વ્યક્તિ પ્રેમના વરસાદ માટે તરસે છે. આપણી અપેક્ષા જ આપણો મોટો દુશ્મન છે. જીવનમાં આવતી ઘણીબધી મુશ્કેલીઓ આ અપેક્ષાના લીધે જ પેદા થતી હોય છે. જીવનમાં આવતી મુશ્કેલીઓ જે હસતા મોઢે ઝીલી લે છે તેને દુઃખ આવતું નથી. જીવનની સાચી હકીકત છે મારું, તારું કરનાર લોકો અસ્તિત્વ હારી ગયા ને જતું કરનાર લોકો દુનિયા જીતી ગયા. જે જતું કરવાની ભાવના રાખે છે એનું કોઈ દિવસ કાંઈ જતું નથી.

સપ્તરંગી બનેલી દુનિયામાં ઈશ્વરે કોઈના જીવનમાં સાતેય રંગ નથી પૂર્યા. દરેકના જીવનમાં એકાદ રંગ તો ખૂટે જ છે. પરંતુ એ રંગ જે આપ્યા છે એનામાં કેમ રંગાવું એ આપણા હાથની વાત છે. જે આ રંગમાં રંગાઈ જાશે એનો આનંદ બમણો મળશે.

ક્યારેક એમ લાગે કે હું હારી ગયો છું અને અન્ય વખતે મને લાગે છે કે મેં વિશ્વ જીતી લીધું છે. કેટલીક વાર હાસ્ય મારા નિયંત્રણમાં નથી અને બીજી જ ઘડીએ અન્ય સમયે આંસુ મારી આંખોમાંથી ટપકી પડે છે પણ એ દુઃખનો સમય મને ગમતો નથી. જ્યારે હું દુઃખી છું ત્યારે મને ખબર છે કે તેને કેવી રીતે કાબુ કરવો છે, પરંતુ જ્યારે મારા હોઠ વ્યસ્ત હસ્યા છે અને સુખમાં ચીસો કરે છે ત્યારે તો મને કોઈ સમસ્યા નથી. શા માટે જીવનની ભેટ તરીકે સુખ મળે ત્યારે મને દુઃખ થાય છે કે આ સમય પણ વહી જવાનો. બંને માત્ર લાગણીઓ અને જીવનો ભાગ છે.

‘સંજોગો સામે લડતાં શીખો, આંસુ પીને હસતાં શીખો,

દુનિયામાં રહેવું હોય તો દુનિયાથી ડરો નહિ,

દુનિયા તો દરિયો છે, આ દરિયામાં તરતાં શીખો.’

જ્યારે હું એમ વિચારું છું કે હું ખુશ છું, મારી પાસે ઘણું બધું છે, મારા જીવનમાં થોડા ઘણા દુઃખ છે પણ તેની સામે લડવાની હિંમત પણ છે. મારી પાસે ઘણા એવા પરિવારજનો છે જે હંમેશાં મદદ માટે તૈયાર છે. મારી પાસે નિરોગી શરીર છે જ્યારે અમુક લોકો પાસે હાથ કે પગ પણ હોતા નથી. મારી જિંદગી બહુ સારી છે. જો સવારે ફક્ત આટલું જ બોલીએ તો એટલી પોઝીટીવ ઊર્જા આવશે કે દુઃખને આવવું હશે તો સો વખત વિચારશે કે કેમ જાઉં, આ વ્યક્તિની ઊર્જા અને વિચારસરણીને દાદ દેવી પડે.

સાંજે કરમાઈ જવાના છે એ ખબર છે ફૂલને તોય રોજ સવારે હસતાં હસતાં ખીલે છે. બસ એનું નામ જ છે જિંદગી... માટે જેટલા દિવસ જીવો ફૂલ બનીને જીવો. કાંટા બનીને જીવશો તો જીવનની હિચકી દૂર થઈ જશે.

કેટકેટલા પુણ્યના ઉદયથી આ અનમોલ જિંદગી ગીફ્ટમાં મળી છે. જો આ જિંદગીને કબૂલ કરશો તો સુંદર અહેસાસ છે. મહેસુસ કરો તો એક મિલન છે અને સાચા દિલથી જો પ્રેમ કરો છો તો સ્વર્ગ પણ અહીં જ છે..

 

 

(શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા-૨૦૧૮)

 

(કચ્છ ગુર્જરી ડિસેમ્બર ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)  

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates