જીવનમાં આવતી હીચકીઓનો પ્રતિકાર

જીવનમાં આવતી હીચકીઓનો પ્રતિકાર - ચેતના કમલેશ શાહ, બેંગ્લોર (ભુજ)

શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા-૨૦૧૮; દ્વિતીય વિજેતા

 

જીવન કેવી રીતે જીવવું તે પણ એક‘કળા’ છે. જન્મ થયો એટલે જીવન-ચક્ર શરૂ.. પણ શરૂઆતમાં, આપણું બાળપણ નિદરેષતામાં વીતી જાય છે. ન કોઈ સમસ્યા, ન સ્વાર્થ, ન કોઈની અપેક્ષા, બસ... બાળક એટલે ભગવાનનું બીજું સ્વરૂપ.

બસ, આ દિવસો વિતતાં જ યુવાનીમાં પગ મુકતાં જ ‘જીવન’ સમજવાનું શરૂ થઈ જાય છે અને ડગલે ને પગલે સમસ્યાઓ શરૂ થઈ જાય છે. આ સમસ્યાઓ, ખરેખર સમસ્યા જ છે કે આપણો ભ્રમ? તેનો જવાબ આપણાં પોતાના પર જ નિર્ભર થાય છે. આપણે તેને ‘રાઈ’ના પહાડ જેમ મોટું સ્વરૂપ આપીએ છીએ કે પછી સહજતાથી સ્વીકારી લઈએ છીએ એ જ જીવન જીવવાની કળા.

ખરેખર, દુનિયામાં કોઈ જ એવું નથી જે સો ટકા સુખી હોય. પણ ઘણાં તો નાની નાની વાતોને લઈને દુઃખી થઈ જતાં હોય છે. તેમણે આ સ્વભાવને કાબૂમાં લાવવાની જરૂર છે. મનને મસ્ત બનાવી, દુઃખને સુખમાં વણી લઈ, ખુશ રહેવું જોઈએ.

આજના જમાનામાં, મોંઘવારી, માંદગી અને મીડલ ક્લાસ ફેમીલીને જેટલી સમસ્યાઓ જીવનમાં છે એ ડગલે ને પગલે માણસને થકાવી દે છે. માણસ કેટલું દોટ મૂકીને દોડે છે અને અંત એમ લાગે છે કે પોતે પાછો ત્યાંનો ત્યાં જ છે. આ મોંઘવારી આપણને હંફાવે તો નિરાશ ન થતાં, એનો કેવી રીતે સામનો કરવો એના ઉપાય કાઢવાં જોઈએ. રોજિંદી જરૂરિયાતની વસ્તુની યાદી લાંબી હોય, તો આપણે વધારે મહત્ત્વની વસ્તુને પહેલાં લિસ્ટમાં મૂકી, બાકીની થોડા વખત ઠેલાવવી જોઈએ. ઘરમાં કરકસર સાથે આપણી આવડતને ઓળખી, ગૃહઉદ્યોગ, ટ્યુશન, ટીચર, પાર્ટટાઈમ જોબ, સીલાઈ, આર્ટ ક્લાસ કે બીજા પોતાની અનુકૂળતાએ ક્લાસીસ ચલાવવા. આમ ઘણી રીતે આપણે મોંઘવારીનેપણ ચેલેન્જ કરી શકાય છે.

આજે તો માંદગીના નામે લોકો ડરે છે અને તે ખરેખર ‘ભય’ જ છે. પણ આમાં ઘણા લોકો નાના રોગોને મહત્ત્વ જ નથી આપતા. તેને પોતાના વિચારોમાંથી હટાવી દે છે. જ્યારે અમુક લોકો એક છીંક આવે તેને પણ મોટું સ્વરૂપ આપી દે છે. જીવનમાં આવતી આવી સમસ્યાઓનાં હલ હોય જ છે. એનાથી ડરવાને બદલે સામનો કરશો તો જીતી જશો.

અમારા એક દૂરના સગા થાય તે માસી પોતે ડૉકટર છે અને બે દીકરીઓ પરણીને વિદેશમાં છે. માસા હયાત નથી. આજુબાજુમાં સગાંઓ છે પણ ઘરમાં એકલા રહેવાનું. પણ અચાનક તેમને કેન્સર રોગનું નિદાન થયું. પણ ગજબની વાત છે કે તેમણે પોતાનું માનસિક સંતુલન જરાપણ ડગમગાવા ન દીધું. એમણે જિંદગી સાથે ચેલેન્જ કરી. રોગની સામે લડ્યા. સારામાં સારી સારવાર સાથે ખાવા-પીવામાં પરેજી અને પોતાનો આત્મ-વિશ્વાસ સાથે, નિરાશાને ખંખેરી આશાઓને આવકારી. આજે તેઓ તેમનાં ૯૦ વર્ષના માતા સાથે રહે છે. બંને એકબીજાના સાથી તરીકે રહે છે. હવે તેમનું સ્વાસ્થ્ય સારું પણ છે. આજે પણ તેઓ હસતા મોંઢે નિડરતાથી અમારી સાથે વાતો કરે છે. આટલી પીડા ભોગવ્યા પછી પણ તેઓએ જિંદગીને કેટલી સરળતાથી સ્વીકારી લીધી છે. જિંદગી તો આપણા હાથમાં નથી, પણ આપણે એમાં કેવા વિચારો ઠાલવીએ છીએ તે મહત્ત્વનું છે. આવી રીતે ઘણા લોકોની જિંદગી ડગમગતી હોય છે પણ નિરાશ થઈને બેસો નહીં. ડૂબી જવાશે. આશાની હોડીમાં બેસી જશો તો કાંઈક કિનારો મળી જશે.

આવી જ રીતે ધંધામાં કે નોકરીમાં પણ ઉંચ-નીચ થતી હોય છે. ચડતી-પડતી તો આમાં પણ આવે જ. ત્યારે પડતીનો કેમ સામનો કરવો અને ફરી ચડતીની સીડીઓ કેમ ગોઠવવી અને કેમ ચડી જવું તે પણ સમજદારી ને પડકાર ફેંકવા જેમ છે.

હાલમાં ઘણા ચલચિત્રો, નાટકોમાં પોઝીટીવ થીકીંગની સારી સમજ આપી જાય છે. મારો આ નિબંધ ‘જીવનમાં આવતી હીચકી’ઓનો પ્રતિકાર લખતી વખતે ‘હીચકી’ પીક્ચરની યાદ આવી ગઈ. તેમાં અભિનેત્રીએ તો ભલે એકટીંગ કરી છે પણ એમાં પોતાની શારીરિક તકલીફ સામે જિંદગીનું એક ‘લક્ષ’ અને પોતાની નિડરતા, આત્મવિશ્વાસ, સહન શક્તિ, કુશળબુદ્ધિ અને હીંમતથી એને પોતાની મંઝીલ તરફ આગળ વધારે છે અને કેટલું સન્માન મળે છે. તેમા આપણને ઘણું શીખવા મળે છે.

ગુંચવાય છે જિંદગી, ત્યારે જ સમજાય છે જિંદગી... અને તે ગુંચવણમાંથી હિંમતથી બહાર આવો તો ખુશીથી જીવાય છે જિંદગી. માટે અંતમાં એટલું જ કહું છું કે જીવનમાં કઠીનાઈ તો બધાને આવતી જ હોય છે. જે ઘણી અલગ જાતની હોય છે. પણ તેનો સામનો કરતાં શીખો અને હસતાં-રમતાં જિંદગી જીવતાં શીખો.

 

 

(કચ્છ ગુર્જરી ઓક્ટોબર - નવેમ્બર ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates